Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

નીરખ્યાં નયનો મધુ માતતણાં મને ત્યારથી એવી પ્રતીતિ થઇ
શુચિ ગંગા અને યમુના પ્રગટી વહેતી દિનરાત સદાય અહીં.
મળ્યું દર્શન ઉદભવસ્થાનતણું સરિતાદ્વયનાં નયનોમાં મને,
થયું સ્વર્ગ નહીં નવ મોક્ષ વળી હશે વૈકુંઠ અક્ષરધામ કશે.

વચનો સુણતાં મધુ માતતણાં મને મંગલ એવી પ્રતીતિ થઇ
મધુતા શુચિતા રસ સ્નેહતણી કવિતા જગમધ્ય અહીંથી વહી.
સુખશાંતિનું મંદિરપ્રાંગણ આ, પરમૌષધિ ક્લેશત્રિતાપતણી,
સહુ દેવ વસે મુનિસિદ્ધ હસે નવચેતન અદભૂત પામી અહીં.

મને શીતળ માતનો સ્પર્શ મળ્યો ત્યારે અમૃતનું અનુમાન થયું,
થયું કે વસતાં સહુ તીર્થ અહીં તપનાં ફળ શ્રેય રહે વ્રતનું;
પછી સોડમાં સિદ્ધિ નિહાળી બધી થયું શાશ્વત આ જગની જનની,
હવે દેવની શોધ છે શેષ નહીં મને માતને દેખી પ્રતીતિ થઇ.

 - શ્રી યોગેશ્વરજી