if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહાત્મા શુકદેવનું નામ કોણે નથી સાંભળ્યું ? ભારતવર્ષના આધ્યાત્મિક ઈતિહાસમાં એમનું નામ અગ્રગણ્ય અને અમર છે. એ અમર તો છે, એમણે આપેલા શ્રીમદ્દ ભાગવતના અલૌકિક ઉપદેશને લીધે. રસના ભંડાર જેવા એ અસાધારણ આસ્વાદ આપનારા મહાગ્રંથના રસેશ્વર છે સ્વનામધન્ય, જ્ઞાનશિરોમણિ, ભક્તોના શિરમુકુટ, મહાયોગી શ્રી શુકદેવ; અને એ રસના ભોક્તા રાજા પરીક્ષિત. હસ્તિનાપુરના રાજપાટનો ત્યાગ કરીને એક, બે કે ત્રણ નહિ, પરંતુ સાતસાત દિવસ સુધી એ પરમરસનું પરમતૃપ્તિપૂર્વક પાન કરનાર રાજા પરીક્ષિત પણ ભારતીય ઈતિહાસની એક મહાન વિભૂતિ હતા. જેવો અલૌકિક એમનો જન્મપ્રસંગ, એવું જ અનેરું અથવા અસાધારણ એમના અંતકાળનું કથાનક. એક પવિત્ર, પ્રજાપ્રેમી, પ્રાજ્ઞ ને પુણ્યશ્લોક સમ્રાટથી એક અતિશય ભારે ભૂલ થઈ ગઈ અને એ ભૂલના ભોગ એમણે બનવું પડ્યું. એ ભૂલનો ઈત્હાસ અજાણ્યો નથી.

એકાંત વનપ્રદેશના નૈસર્ગિક સૌન્દર્યથી આચ્છાદિત શમીક મુનિના આશ્રમમાં આવીને રાજાએ, પોતાની યથાયોગ્ય પરિચર્યા તો ના થઈ પરતું અવજ્ઞા થઈ એવી માન્યતાની અજ્ઞાનમૂલક અસર નીચે આવીને તથા કોઈ અણધાર્યા અદૃષ્ટ પ્રારબ્ધથી પ્રેરાઈને સમાધિપરાયણ મુનિના કંઠ ફરતો તરતનો મારેલો સાપ વીંટી દીધો અને સાપની હત્યા કરવાનો તથા એકાંતવાસી, વીતરાગ, પરમાત્માપરાયણ મહાપુરુષનું અપમાન કરવાનો દ્વિગુણિત અપરાધ કરીને એ લોકહિતૈષી, પાંડવકુળના એકમાત્ર વંશજ એવા સમ્રાટે વનની વિદાય લીધી. રાજાનું એ ઉતાવળિયું અયોગ્ય કામ ખરેખર વિઘાતક થઈ પડ્યું. મુનિના સુપુત્ર શૃંગીને એ વાતની જાણ થતાં એણે સત્વરે શાપ આપ્યો કે જે નરાધમે આવું નિંદનીય નીચ કર્મ કર્યું તેનું આજથી સાતમે દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થાઓ.

‘વિષ પણ કેટલીકવાર અમૃતરૂપ થઈ જાય છે’ એ કવિ કાલિદાસની ઉક્તિ પ્રમાણે, રાજા પરીક્ષિત માટે તો એ શાપ સાચોસાચ સુધાસભર અથવા આશીર્વાદરૂપ થઈ પડ્યો. મૃત્યુની અવશ્યંભાવિતા અને નિકટતા જાણીને, જીવનનું કલ્યાણ કરી લેવાની ઈચ્છાથી, એમણે જીવનમુક્ત મહાત્માપુરુષોની શરણાગતિ સ્વીકારવાનો સંકલ્પ કરીને ભગવતી ભાગીરથીના નિકટવર્તી તટપ્રદેશની મુલાકાત લીધી, અને એમના સદ્દભાગ્યે એમને શુકદેવ જેવા લોકવંદ્ય, લોકોત્તર, લોકહિતૈષી મહાપુરુષનો મેળાપ થયો. શુકદેવે એમને શ્રીમદ્દ ભાગવતનો ઉપદેશ આપવાની તૈયારી કરી. તે વખતે શ્રોતાઓમાં મહર્ષિ વ્યાસ અને પરાશર પણ હતા. એ હકીકત પરથી શુકદેવની અસાધારણ યોગ્યતાની કલ્પના સહેજે થઈ શકે છે.

ગંગાના તપઃપૂત તટપ્રદેશ પર, ઋષિમુનિઓની સભામાં, અવધૂતશિરોમણિ શુકદેવે ભાગવતની પુણ્યમયી જ્ઞાનગંગા વહેતી કરી. એના પાનના પરિણામે પરીક્ષિતને મુક્તિ મળી, મૃત્યુભય ભાગી ગયો. પરમાત્માના શ્રીચરણોમાં પોતાના મનમધુપને સ્થિર કરીને એ કાયમને કાજે ક્લેશમુક્ત બની ગયા. એ ઘટના ઐતિહાસિક અને અમર બની ગઈ.

શુકદેવે પરીક્ષિતને જ્યાં ભાગવતનો ઉપદેશ આપ્યો છે એ પ્રાચીન અને પ્રખ્યાત સ્થાન શુકતાલની મેં જ્યારે મુલાકાત લીધી ત્યારે આખીયે ઘટના મારાં મનઃચક્ષુ આગળ હાજર થઈ અને અંતરમાં અનેરી લાગણી પેદા થઈ. એ ધન્ય દિવસે મારી અંતરઆંખ અતીતમાં જઈ પહોંચી. જાણે કે શુકદેવ મારી સામે વિશાળ વટવૃક્ષની નીચે આસન પર બેઠા છે. કાળા દીર્ઘ કેશ, શરીર ધૂલિધૂસરિત ને ગૌરવર્ણ છે, કૌપીન છે. આંખ અલૌકિક, મુખ દેદીપ્યમાન અને શાંત છે. એમની સામે પરીક્ષિત બેઠા છે. ષોડશવર્ષીય શુકદેવ એ ભારતસમ્રાટને સંબોધી રહ્યા છે. આજુબાજુ બીજા કેટલાય મહાત્મા પુરુષોની પંક્તિ છે. પુણ્યસલિલા ભગવતી ભાગીરથી શુકદેવના ઉપદેશશ્રવણના આનંદની ઈચ્છાથી, ઘડી-બે-ઘડી માટે સ્વાભાવિક ચંચળતાનો ત્યાગ કરી, શાંત બની ગઈ છે. શુકતાલને નામે ઓળખાતું એ સ્થાન ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરથી લગભગ વીસેક માઈલના અંતર પર આવેલું છે. ત્યાં એક પ્રાચીન વિશાળ વટવૃક્ષ છે તથા હનુમાનજીનું અને ભગવાનનું મંદિર છે. વખતના વીતવાની સાથે ગંગાનો પ્રવાહ પલટાયો છે અને થોડોક દૂર ગયો છે, તોપણ એ સ્થાનનું આકર્ષણ એટલું જ અનેરું અને અવર્ણનીય છે. કોલાહલ-રહિત શાંતિના ઓવારા સમું એ સ્થાન દર્શનાર્થીને એક પ્રકારની ઊંડી શાંતિ અને અદ્દભુત આનંદ પૂરાં પાડે છે. દર્શનાર્થી મુજફ્ફરનગરથી નિયમિત દોડતી બસ દ્વારા ત્યાં પહોંચી શકે છે.

તદ્દન જંગલમાં વસેલા વેરાન જેવા એ સ્થાનને વિકસાવવામાં સંત કલ્યાણદેવના ઉત્સાહ તથા પુરુષાર્થે ભારે મહત્વનો ભાગ ભજવ્યો છે. શ્રીમંતો ને ભક્તો પાસેથી ધન સંચય કરીને એ સ્થાનમાં એમણે પ્રાણ પૂર્યો છે, એને આધુનિક બનાવ્યું છે, તેમજ એક સુંદર દર્શનીય સ્થાનમાં પરિવર્તિત કર્યું છે. એ ત્યાગી પુરુષનું નામ એ સ્થાનની સાથે સદાને માટે સંકળાયેલું રહેશે.

શુકતાલનું એ સ્થાન હજારો વરસોથી ઉપેક્ષણીય કે વિસ્મૃતિવશ દશામાં હતું એને બદલે, યુગોની તંદ્રામાંથી જાગીને છેલ્લાં થોડાંક વરસોમાં અવનવો આકાર લઈ રહ્યું છે એ પણ ઈશ્વરની ઈચ્છા અથવા સંતશિરોમણિ શુકદેવજીનો સંકેત જ છે ને ! એથી પ્રેરિત થઈને જ એ બધી પ્રવૃત્તિ થઈ રહી છે એવું દેખાઈ આવે છે. અલૌકિક કળામય કાળદેવતા સર્જન ને વિસર્જનના વિવિધ પાસા ફેંકીને ક્યારે શું કરવા માગે છે તે કોણ કહી શકે ? એની યથાર્થ કલ્પના પણ કોણ કરી શકે ? છતાં એ પુરાણપ્રસિદ્ધ તીર્થસ્થાનનો આજનો અવનવો આધુનિક આકાર આવકારદાયક છે. કેમ કે, પ્રજા કેવળ કારખાનાં કે ભૌતિક સંપત્તિથી જ સમૃદ્ધ ને શક્તિશાળી નથી બનતી, પરંતુ સંસ્કૃતિ તેમ જ સંસ્કારોના આધાર પર ટકે છે ને જીવે છે. પોતાની પ્રાચીન-અર્વાચીન સભ્યતાના મહત્વના મુદ્દાઓ કે સ્મૃતિચિહ્નો તરફ દુર્લક્ષ કરનારી તેમજ પોતાના સંસ્કારવારસાનું જાગૃતિપૂર્વક જતન ન કરનારી પ્રજા પ્રાણવાન નથી બની શકતી એ દૃષ્ટિએ વિચારતાં, સાંસ્કૃતિક સ્મૃતિચિહ્નોનું આવું સિંચન અભિનંદનીય જ છે એવું લાગ્યા વિના નથી રહેતું.

સ્થાન હજી વિકસી રહ્યું છે. વિકાસને માટે આજુબાજુ વિશાળ ભૂમિ છે, ત્યારે બે સૂચનો કરવાનું મન સહેજે થાય છે. એક તો શુકદેવનું મંદિર બનાવવાનું સૂચન છે. જે મહાપુરુષે પોતાના સુધાસભર ઉપદેશથી આ ભૂમિને સજીવ કરી છે એમનું એક અલગ, કેવળ એમનું જ મંદિર હોય એ આવશ્યક છે. બીજું, આજુબાજુની અનંત જમીનનો ઉપયોગ કરી, એક સુંદર આદર્શ ગુરુકુળ બનાવવાનું સૂચન છે. એથી એ સ્થાન વિશેષ સજીવ અને અમર બની શકશે. આ બંને સૂચનોનો અમલ જેટલો જલદી થાય એટલો લાભદાયક ઠરશે. આ અમર તીર્થસ્થાનને શાંત અને સુંદર શિક્ષણકેન્દ્રના રૂપમાં ફેરવી શકાય તેમ છે. સદ્દભાગ્યે એને સંત શ્રી કલ્યાણદેવ જેવા ઉત્સાહી, અણિશુદ્ધ કાર્યકર મળ્યા છે. વિશાળ વટવૃક્ષની જેમ એ જરૂર ફાલશેફૂલશે. આધ્યાત્મિક પિપાસુઓને માટે તો એ સ્થાન આશીર્વાદરૂપ છે જ.

એનું નામ શુકતાલ કેમ પડ્યું હશે ? તાલ એટલે તો તળાવ એવો વિશાળ અર્થ લઈ શકાય. તો શું પ્રાચીનકાળમાં ત્યાં કોઈ તળાવ કે સરોવર હતું ? એવો કોઈ ઉલ્લેખ ભાગવતમાં તો નથી મળતો.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.