if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દુર્વાસા મુનિ પ્રખર તપમાં લીન હતા ત્યારે એકવાર ભગવાન શંકરના મુખ્ય ચાર ગણોએ એમનો ઉપહાસ કર્યો. દુર્વાસાએ એમને પિશાચ બનવાનો શાપ આપ્યો. ગણોએ અપરાધની ક્ષમા માગી, ને મુક્તિનો ઉપાય પૂછ્યો તો મુનિએ કહ્યું કે કાળાંતરમાં ભ્રમણ કરતાં કરતાં હસ્તિનાપુરની પૂર્વે શિવવલ્લ્ભપુર નામે ક્ષેત્રમાં જ્યારે તમે તપશ્ચર્યા કરશો તથા તમારા અપરાધની ક્ષમા માગશો ત્યારે શાપમુક્ત બની જશો.

એ ગણોએ નિરાહાર રહી ઘોર તપ કર્યું અને ભારેમાં ભારે કષ્ટ સહન કર્યું. ગંગાસ્નાન કરી ભગવાન શંકરની વિધિપૂર્વક ઉપાસના કરી. કારતક માસ દરમિયાન આ પવિત્ર ક્ષેત્રની પરિકમ્મા પણ કરી. એ સૌના સંયુક્ત પ્રભાવથી પિશાચયોનિમાંથી મુક્તિ મેળવીને એમણે જીવનના પરમ શ્રેયની પ્રાપ્તિ કરી.

ઐતિહાસિક અગત્ય

પુરાણોમાં એ સુંદર શાંત સ્થાનનું મહાત્મ્ય દર્શાવતો એવો બીજો ઉલ્લેખ પણ મળી આવે છે. ભગવાન પરશુરામે લોકકલ્યાણની કામનાથી પ્રેરાઈને એ ક્ષેત્રની આજુબાજુનાં સ્થળોમાં તપશ્ચર્યા કરી હતી. મહાભારત કાળમાં એ સ્થાન એક સરસ વનસ્થલીના રૂપમાં અસ્તિત્વ ધરાવતું હતું, જેની બાજુમાં પાંડવોનું વિશાળ ઉદ્યાન ‘પુષ્પાવતી’ હતું. શીખ ધર્મના મહાન સંસ્થાપક ગુરુ નાનકદેવે પણ પોતાની ભારતવર્ષની યાત્રા દરમિયાન એ ક્ષેત્રમાં આવીને કેટલાક સમય સુધી વાસ કર્યો હતો. મરાઠાકાળમાં તો એ ક્ષેત્રને ભારે મહત્વનું માનવામાં આવતું હતું. એ હકીકતની પ્રતીતિ કરાવતો, મરાઠાકાળમાં બનાવાયેલો કિલ્લો જીર્ણશીર્ણ અવસ્થામાં આજે પણ ત્યાં સ્થિત છે. મોગલકાળમાં જે જુદાજુદા સૂફી સંતો થઈ ગયા તેમાંથી ગજ્બખ્શ નામે સૂફી સંતે એ સ્થાનને પોતાના એકાંતવાસ માટે પસંદ કરેલું એમ કહેવાય છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌનો સંબંધ દિલ્હી સાથે કરાવવામાં ગઢમુક્તેશ્વરનો ફાળો ઘણો મોટો છે. પંજાબ તથા ઉત્તરપ્રદેશના પશ્ચિમી જિલ્લાઓની વચ્ચેનો વ્યાપારવિનિમય ગઢમુક્તેશ્વર પાસેના ગંગા પૂલની મદદથી બહુ મોટા પ્રમાણમાં થઈ શકે છે. મીરતથી મુરાદાબાદ ને બરેલી, બુલંદ શહેરથી મીરત, અને દિલ્હીથી લખનૌના સંબંધો પ્રસ્થાપિત કરવામાં એણે મહત્વનો ભાગ ભજવ્યો છે.

ગઢમુક્તેશ્વરમાં ગંગાનું દૃશ્ય કેટલું બધું વિશાળ લાગે છે ! તીર્થ છે એટલે નાનામોટાં મંદિરો તો ત્યાં હોવાના જ, પરંતુ ગંગાની આજુબાજુના વિશાળ પ્રદેશ પર નજર નાખો તો એવું જરૂર લાગે કે કુદરત એક મંગલમય, મધુર, મનહર મંદિર બનીને બેસી ગઈ છે. એની શોભા કેટલી અનેરી છે ! જેની પાસે આંખ હોય તે એનું દર્શન કરી શકે છે. એ સ્થાનમાં પહોંચતાવેંત સૌથી પહેલી દૃષ્ટિ તો ગંગાના પરમપવિત્ર વિશાળ પ્રવાહ પર પડે છે. ગંગા અહીં અત્યંત મોકળી બનીને વહેવાનું શરૂ કરે છે. ગંગાનો પુનિત પ્રવાહ જ્યાં પણ અને જેવા પણ સ્વરૂપમાં વહેતો હોય ત્યાં અને તેવા સ્વરૂપમાં આનંદ આપે છે. એની અસર એકદમ અસાધારણ હોય છે.

ગઢમુક્તેશ્વરમાં દર વરસે કારતર મહિનામાં નિયમિત મેળો ભરાય છે. લાખો યાત્રીઓ એકઠા થાય છે. ધર્મશાળાઓની સંખ્યા અહીં મોટી છે. સંતમહાત્માઓ પણ ઘણા મળી રહે છે. બ્રીજઘાટની પાસે ફળાહારી બાબા નામે એક મહાત્મા વરસોથી નાવમાં રહે છે. ગંગાકિનારે ગંગામાં રહેનારી નાવને ભક્તોએ ઠીકઠીક સજાવી છે, ને ફળાહારી બાબા તેમાં ગંગા માતાની ગોદમાં શ્વાસ લે છે. વયોવૃદ્ધ દેખાતા બાબા ભારે સ્ફૂર્તિવાળા, સરળ, નિખાલસ, નમ્ર ને સાદા દેખાય છે. નિરંતર નામસ્મરણ અને તપશ્ચર્યામાં એ પોતાનો વખત વ્યતીત કરે છે. એમના ગુરુ શ્રી હરિહર બાબા પણ કાશીમાં ગંગાજળમાં નાવમાં જ નિવાસ કરતા. શ્રી રામચંદ્રજી પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યાથી નીકળીને જ્યાં જ્યાં ફર્યા કે રહ્યા હતા તે તે સ્થાનોની યાત્રા ફળાહારી બાબાએ પ્રેમપૂર્વક પૂરી કરી છે.

બહાર નીકળીને થોડેક આગળ ચાલીને ઘાટ પર જઈને જોયું તો ત્યાં પડેલી ખાટ પર કોઈ પરિવ્રાજક સંત શાંતિપૂર્વક બેઠા હતા. લાઠી, કમંડલ અને એકાદ વધારાના ઉપવસ્ત્ર સિવાય તેમની પાસે બીજું કશું જ ન હતું. એવા અપરિગ્રહી ત્યાગી પુરુષો પણ તીર્થોની યાત્રા કરતા કરતા કોઈ કોઈવાર અહીં આવી ચઢે છે. સ્થાનની સુંદરતા, શાંતિ અને કોલાહલરહિતતા જોઈને ઈચ્છાનુસાર થોડો વખત એ મુકામ પણ કરે છે. એવા સંતોને લીધે રમણીય તીર્થસ્થાનો વધારે રમણીય લાગે છે.

ગઢમુક્તેશ્વરના દર્શનનો લાભ લઈને અમે પાછા ફરવા માંડ્યાં ત્યારે સૂર્યાસ્તનો સમય હતો. સૂર્યનારાયણ હવે દૂર ક્ષિતિજમાં સરી જવાની તૈયારીમાં હતા. એ વખતનું દૃશ્ય કેટલું બધું રસમય હતું ! કિરણો સમેટાઈને સૂર્યમાં મળી જતાં હતાં. તેવી રીતે મનની વૃત્તિઓ, શાંત તથા વિષયોથી ઉપરામ બનીને, આત્મામાં લીન થવાની તૈયારી કરતી હતી. એમ થતું હતું કે અસીમ શાંતિથી છવાયેલા આ સ્થાનમાં ઘડી-બે-ઘડીને માટે આંખ મીંચી લઈએ, અંદરની દુનિયામાં પ્રવેશ કરીએ, અને અમૃતના ઘૂંટડા પીતાં તલ્લીન બનીએ.

ગઢમુક્તેશ્વરથી બિજનોર જતાં રસ્તામાં એક બીજું શાંત, સુંદર અને દર્શનીય તીર્થસ્થાન આવે છે. એ વિદુરકુટિ કહેવાય છે. બિજનોર શહેર ત્યાંથી છેક પાસે જ છે. વિદુરકુટિના સરસ ગંગાતટવર્તી સ્થળમાં મહાત્મા વિદુરે તપ કરેલું એવી કથા છે. એ કથાથી પરિચિત, શ્રદ્ધાળુ સ્ત્રીપુરુષો ત્યાં દર્શન કરવા તથા પ્રાતઃસ્મરણીય, પ્રાજ્ઞ, ‘વિદુરનીતિ’ના રચયિતા મહાત્મા વિદુરને અંજલિ આપવા એકઠાં થાય છે. ગંગાનો પ્રવાહ ત્યાં ઊંડો તેમ જ વિશાળ છે. બીજે કિનારે, સામે જ, હસ્તિનાપુરના અવશેષો દેખાય છે. વિદુરકુટિના એ ઐતિહાસિક, સાંસ્કૃતિક સ્મૃતિસ્થાનની મુલાકાતથી અમને સાચેસાચ આનંદ થયો. એ સ્થાનમાં ફરતી વખતે ભારતનો ભવ્ય મહાભારતકાળ યાદ આવ્યો.

મહાત્મા વિદુરની સ્મૃતિમાં ત્યાં એક પથ્થરની પ્રતિમા મૂકવામાં આવી છે. એનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ કરેલું. સદ્દભાગ્યે એ સ્થાનમાં વરસોથી વસતા એક બંગાળી સંત એને પુનર્જીવન આપવા તથા લોકોપયોગી બનાવવા બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. એમણે ત્યાં ધર્મશાળા બાંધી છે. થોડેક દૂર ટેકરી પર વિદ્યાલયની પણ સ્થાપના કરી છે. પોતે સુશિક્ષિત હોઈ એ બધી પ્રવૃત્તિઓમાં ઘણો મહત્વનો ફાળો આપી રહ્યા છે. સંતપુરુષો, વિરક્તો તથા ત્યાગીઓ દેશમાં મોટી સંખ્યામાં છે. આવાં સ્થળોને વિકસાવવા તથા લોકોપયોગી બનાવવા તેમનામાંના થોડાક પણ જો પલાંઠી વાળીને બેસી જાય તો દેશની સૂરત બદલાઈ જાય ને ઘણો મોટો, મહામૂલ્યવાન લાભ થાય.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.