if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વૃંદાવન તો ભગવાન શ્રીકૃષ્ણનું લીલાસ્થાન ગણાય છે. કહે છે કે, એના નામ પ્રમાણે, પહેલાં ત્યાં તુલસીનું વિશાળ વન હતું. એ ઉપરાંત, ભારે ગીચ જંગલ પણ હતું. શ્રીકૃષ્ણના વખતના વૃંદાવનમાં અને આજના વૃંદાવનમાં ઘણો ભેદ હોય એ સહેજે સમજી શકાય તેવું છે. બંનેની વચ્ચે કાળનું મોટું અંતર છે અને એ દરમિયાન કાળદેવતાના સહજ સ્વભાવ પ્રમાણે જળ અને સ્થળનાં ન જાણે કેટલાંય પરિવર્તનો થઈ ગયાં છે. તોપણ ભૂમિ તો એક જ છે. એમાં કોઈ ખાસ પરિવર્તન નથી થયું. શ્રીકૃષ્ણની ચરણરજથી પરમ પવિત્ર ને પુલકિત થયેલી આ ભૂમિ આજે પણ એટલી જ મહિમામયી લાગે છે. ઠેકઠેકાણે થતા ‘રાધેશ્યામ’ના મધુર ગુંજારવથી એ ભૂમિ ગુંજી રહી છે.

વૃંદાવનમાં અમે રાતે પહોંચીને પંજાબી રામનગરી ધર્મશાળામાં મુકામ કર્યો. થોડોક વખત આરામ કર્યા પછી ત્યાંના પ્રસિદ્ધ મંદિર બાંકે બિહારીજીના દર્શન કરવા માટે ગયા. આ એ જ પ્રસિદ્ધ પુરાતન મંદિર છે, જેમાં આવીને તુલસીદાસજીએ એના શ્રીવિગ્રહને ઉદ્દેશીને કહેલું :

कहा कहूं छबी आजकी, भले बिराजो, नाथ !
तुलसी मस्तक तब नमे, धनुष्यबाण लेऊ हाथ ॥

"આજની તમારી શોભા ઘણી સુંદર છે એમાં શંકા નથી, છતાં હે પ્રભુ ! મારું મસ્તક તો તમને ત્યારે જ નમી શકશે, જ્યારે ધનુષ્યબાણ ધારણ કરીને તમે શ્રીરામ બનશો."

સંતશિરોમણિ શ્રી તુલસીદાસે પ્રેમભક્તિપૂર્વક પ્રાર્થના કરી અને એમની પ્રાર્થનાને લક્ષમાં લઈને ઈશ્વરે મૂર્તિમાં ફેરફાર કર્યો. એ દેખીને દર્શનાર્થી સ્તબ્ધ બની ગયા. ‘અપને ભક્ત કે કારણ શ્યામ ભયે રઘુનાથ.’ ભગવાન શ્રીકૃષ્ણ મોરલી છોડી, ધનુષ્ય-બાણ ધારણ કરીને, સ્વેચ્છાથી શ્રીરામ બન્યા. કેટલો અસાધારણ ચમત્કાર ! તુલસીદાસની પ્રખર પ્રેમભક્તિને માટે એ મહાન પુરસ્કાર હતો. બાંકે બિહારીજીના દર્શન વખતે એ આખોય પ્રસંગ તાજો થાય છે. એ વાતને વીત્યે તો વરસો થઈ ગયાં છે; અને એ પછી હજારો ને લાખો લોકોએ મંદિરમાં પ્રવેશ કર્યો છે. બીજા અનેકના જીવનમાં પણ એક અથવા બીજી જાતના અવનવા અનુભવો અવશ્ય થયા હશે. નિષ્કપટ દિલમાં પ્રેમ અને વિશ્વાસ પેદા કરીને જે ઈશ્વરનું શરણ લે છે તે કોઈ ને કોઈ શાંતિદાયક સ્વાનુભવ જરૂર મેળવી લે છે. બાંકે બિહારીજીની મૂર્તિની ઘટના એ હકીકતને જાણે કે પુષ્ટિ આપી રહી છે.

અમે પણ અનુરાગભરી અંજલિ આપીને મંદિરમાંથી પાછાં ફર્યાં. સાચું કહીએ તો, જે દેખાય છે તે બધું જ સમસ્ત સંસાર એક વિશાળ મંદિરરૂપ છે. એમાં જે છે તે બધું જ દેવતારૂપ છે. પશુ, પક્ષી, વનસ્પતિ, પાણી, પર્વત, પવન, પૃથ્વી અને આકાશ, બધે જ શું એ પરમ ચૈતન્યનો આભાસ નથી મળતો ? બધે એ જ છે, અને બધું એનું મંગલ મંદિર છે. પરંતુ એવી અનુભૂતિ ભાગ્યે જ અને બહુ લાંબે વખતે થાય છે. કેટલાકને તો થતી પણ નથી. એટલે આરંભમાં મંદિરના સીમિત સંગ્રહસ્થાનમાં એનું દર્શન કરવું પડે છે. પરંતુ એ દર્શન છેવટનું નથી, અને એમાંથી આગળ વધવાનું છે એ વાત સૌએ સમજી લેવી જોઈએ. ત્યારે જ આગળ પર સમસ્ત વિશ્વ અને પોતાનું શરીર, સઘળુંય મંદિરરૂપ દેખાશે અને દેવનું દર્શન અંદર અને બહાર, આજુબાજુ, બધે જ સુલભ બનશે.

ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવનની આ પવિત્ર ભૂમિમાં વિચરણ કરતા હશે એ વાતને તો વરસો વહીં ગયાં છે. એ વખતે અહીંનું વાતાવરણ જુદું જ હશે. આજે તો એની સ્મૃતિ જ શેષ રહી છે. એમ છતાં એ સ્મૃતિથી આકર્ષાઈને કેટલાય સાધારણ અને અસાધારણ ભક્તો આ પવિત્ર ભૂમિમાં આવીને વસ્યા છે. આજે પણ કોઈ કોઈ ભક્તપુરુષો અને ભક્તિમતી સ્ત્રીઓ અહીં જોવા મળે છે. વૃંદાવનનું ધામ હંમેશને માટે પ્રેમભક્તિનું પ્રેરણાધામ મનાયું છે. મીરાંબાઈએ પોતાના જીવનનો બહુમૂલ્ય વખત અહીં વીતાવ્યો હતો. પોતાની પ્રખર ભક્તિથી એણે મોટામોટા વૈષ્ણવ આચાર્યોને પ્રસન્ન કરેલા. આચાર્યો મળવા આવતા અને માન આપતા તેથી એમના અનુયાયીઓમાં અસંતોષ જાગેલો અને ખળભળાટ પણ થયેલો. પરિણામે મીરાંએ વ્રજભૂમિનો ત્યાગ કરવો પડેલો, અને શેષ જીવન દ્વારિકામાં વીતાવેલું. વૃંદાવનમાં મીરાંની સંસ્મૃતિમાં નાનુંસરખું મંદિર છે. મંદિર તો વસતિમાં છે, એટલે એના પરથી મીરાંબાઈના મનોબળનો, ને એકાંતવાસનો, ઈશ્વરપ્રેમ તથા કષ્ટમય જીવનનો ખ્યાલ નહિ આવી શકે. એનો ખ્યાલ તો એ હકીકતને જાણવાથી આવશે કે વૃંદાવનની વર્તમાન વસતિ તો છેલ્લાં થોડાંક વરસોમાં જ થયેલી છે, ને મીરાંબાઈના વખતમાં તો, થોડાઘણાં દેવસ્થાનોને બાદ કરતાં, ત્યાં દિવસે પણ ભય લાગે તેવું ઘોર જંગલ હતું. એવાં એકાંત અરણ્યમાં વાસ કરીને એ અસાધારણ સાધ્વી સ્ત્રીએ ‘મેરે તો ગિરિધર ગોપાલ’નો નાદ ગાજતો કરીને પોતાના મનને તીવ્ર તપમાં પરોવી દીધું હતું. એવી અસાધારણ સંસ્કારસંપન્ન સ્ત્રીને માટે આપણા દિલમાં ઊંડો આદરભાવ ઉત્પન્ન થાય છે. એવા આદરભાવથી પ્રેરાઈને જ મેં એના મંદિરની મુલાકાત લીધી.

શ્રીરંગજીના મંદિરની ખ્યાતિ અહીં ઘણી છે. જો તમે મંદિરપ્રિય હો તો વૃંદાવનમાં નાનાંમોટાં મળીને ૪,000 થી પ,000 મંદિર છે. દિવસો સુધી દર્શન કર્યા કરો તોપણ અંત ના આવે. વિશેષ તો શ્રીરંગજીનું મંદિર મોટું હોવાથી એનું દર્શન સૌ કોઈ કરે છે. મંદિરની બહારના સુવર્ણસ્થંભ પર સાડા-બાર મણ સોનું વપરાયું હોવાની કથા મંદિરના પુરોહિતો કહી બતાવે છે. મંદિરના અસંખ્ય સ્થંભો પર રંગબેરંગી ચિત્તાકર્ષક સુંદર મૂર્તિઓ છે.

સેવાકુંજ તથા નિજવનની જગ્યાઓ પણ જોવા જેવી છે. નિજવન અને સેવાકુંજમાં વૃક્ષોની ડાળીઓ, વૃક્ષોનાં થડ, છોડ, લતા બધું જ નમેલું છે. નિજવનમાં તાનસેનના ગુરુ હરિદાસની સમાધિ છે. એ સંગીતવિદ્યામાં અત્યંત પ્રવીણ મનાતા. અકબરે પણ પ્રભાવિત થઈને એની મુલાકાત લીધેલી.

વૃંદાવનના બંશીવનમાં વરસો પછી શ્રી પ્રભુદત્ત બ્રહ્મચારીની મુલાકાત થઈ. હવે એમણે મૌનવ્રત છોડી દીધું છે અને ગૌસેવામાં મન પરોવ્યું છે.

વૃંદાવનમાં માગશર મહિનાની અમાસ હોવાથી યમુના નદીમાં સ્નાન કરવા તો ગયાં, પરંતુ નદીનું વાતાવરણ બહુ સારું ના લાગ્યું. માણસે નદીના પાણીને અને કિનારાને બગાડી નાખ્યાં છે. ત્યાં ગંદકી વિના કાંઈ જ નથી દેખાતું, એટલે સ્નાન કરવાનો ઉત્સાહ ઓછો થઈ જાય છે. વૃંદાવન ગામ પણ ઘણું સાંકડું ને ગંદું છે.

રમણરેતી તરફનો વિસ્તાર સ્વચ્છ અને શાંત છે. મથુરા રોડનો વિભાગ પણ સારો છે. એ બાજુ રામકૃષ્ણ સેવાશ્રમ, આનંદમયી માતાનો તથા સ્વામી શરણાનંદજીનો આશ્રમ અને બીજા આશ્રમો છે. ભક્તિભાવથી ભરેલું હૃદય લઈને બેસનારને આજેય શાંતિનો અનુભવ થઈ શકે છે.

સ્વામી વિવેકાનંદે વિચાર્યું કે ત્યાગી, વિરક્ત કે સંન્યાસી પુરુષો પોતાનો સમસ્ત સમય ઈશ્વરસ્મરણમાં કે આત્મિક વિકાસ માટેની સાધનામાં નથી ગાળતા. એવી લગન, યોગ્યતા ને શક્તિ કોઈક વિરલ આત્માઓમાં જ જોવા મળે છે. તો પછી ભારતમાં જે ત્યાગી-વૈરાગી સંન્યાસીઓની વિશાળ સંખ્યા છે તેનું શું ? તેમને જો જરૂરી તાલીમ આપીએ, આદર્શ બનાવવાનો પ્રયત્ન કરીએ, ને સમાજસેવાના સર્વોપયોગી કામમાં લગાડીએ, તો તેમના પોતાના જીવનને તો જ્યોતિર્મય કરી જ શકાય, સાથેસાથે સમાજની પણ કાયાપલટ કરી શકાય. એ ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. એમના એ પવિત્ર સંકલ્પબીજમાંથી રામકૃષ્ણ મિશનની કેટલીય શાખાઓ ભારતમાં અને ભારત બહાર કામ કરી રહી છે. એના તરફથી સેવાશ્રમ પણ ચાલે છે. ત્યાં દર્દીઓની સ્નેહપૂર્વક સેવા થાય છે. વૃંદાવનમાં જે સેવાશ્રમ છે તે એ દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. એની ભૂમિ ઘણી વિશાળ છે, અને એથીય વિશાળ છે એમાં કામ કરનારા સેવાવ્રતધારી ને માનવતાવાદી માનવોના અંતરાત્મા. એમનું દર્શન કરીને ખરેખર આનંદ થયો. ભારતની દીનતા અને વ્યાધિગ્રસ્તતાનો વિચાર કરતાં, એવા અનેક સેવાવ્રતધારી આત્માઓની અને સેવાસંસ્થાઓની અતિ આવશ્યકતા છે.

મથુરારોડ પર આગળ જતાં બિરલાએ બંધાવેલું શ્રીકૃષ્ણ મંદિર આવે છે. મંદિરની સીમામાંના ઊંચા સ્થંભ પર શ્રીમદ્ ભાગવતગીતાના સંપૂર્ણ શ્લોકો અંકિત કરવામાં આવ્યા છે. એ જોઈને આનંદ થયો. એમ પણ થયું કે એવી રીતે જ્યારે માનવના અંતરમાં અને જીવનવ્યવહારમાં ગીતાના સંદેશ અંકિત થશે ત્યારે મોટા ભાગની સમસ્યાઓનો અંત આવશે, ને સમાજ સુખી થશે. ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થાન મથુરા, પરંતુ શૈશવાવસ્થાનું ઉછેરસ્થાન ગોકુલ. મથુરામાં કંસના કારાગારમાં જન્મ્યા પછી વસુદેવ કૃષ્ણને મથુરાથી યમુના પાર કરીને નંદ અને યશોદાને ત્યાં ગોકુલ લઈ આવ્યા, અને ત્યાં એમનો ઉછેર થયો. ગોકુલના દર્શનથી એ અલૌકિક સુંદર ઘટનાનું સ્મરણ થાય છે.

ગોકુલ ગામ ઘણું નાનું છતાં એકંદરે સ્વચ્છ છે. યમુનાનો પ્રવાહ ખૂબ જ નયનમનોહર, નિર્મળ ને શાંત લાગે છે. નંદજીનું મંદિર નદીના પ્રશાંત તટપ્રદેશ પર જ બંધાયેલું છે. મંદિર મોટું કે આકર્ષક નથી, પરંતુ સમૃદ્ધ છે. એની વ્યવસ્થા ગોવાળિયાઓ જ કરે છે.

ગોકુલમાં જોવા જેવું બીજું સ્થળ રમણરેતી છે. વૃંદાવનની રમણરેતી જુદી છે ને ગોકુલની પણ જુદી છે. એ રમણરેતીમાં એક સાદો, નાનો, સંત આશ્રમ છે. એ આશ્રમની સ્થાપના શ્રીગોપાલદાસજીએ કરી છે. આશ્રમ ઘાસની ઝૂંપડીઓનો બનેલો છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.