if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મથુરા : મથુરાનું પ્રાચીન નામ મધુરા અથવા મધુવન છે. શ્રીમદ્ ભાગવતના રસિકો સારી પેઠે જાણે છે કે સ્વાયંભુવ મનુના પૌત્ર તથા રાજા ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે દેવર્ષિ નારદના ઉપદેશાનુસાર મધુવનમાં જઈને ઈશ્વરના દર્શન માટે તપશ્ચર્યા કરેલી. કઠોર તપશ્ચર્યાના પરિણામે ધ્રુવને ઈશ્વરદર્શનનો લાભ પણ ત્યાં જ મળેલો. એ વખતે મધુવન ઘોર વન હતું. પાછળથી ત્યાં મધુ નામના રાક્ષસે એક શહેર વસાવ્યું. એના પરથી મધુરા કે મધુપુરી નામ પડ્યું. શત્રુઘ્ને એ મધુ રાક્ષસનો નાશ કરી, એ ભૂમિ પર અધિકાર કરેલો. પાછળથી એ પ્રદેશ શૂરસેનવંશીય ક્ષત્રિયોના અધિકારમાં આવ્યો. શ્રીકૃષ્ણના પ્રાકટ્યને લીધે એનો મહિમા ઘણો વધી ગયો.

મથુરા તથા વૃંદાવનની આસપાસના પ્રદેશોનો વિસ્તાર ८૪ કોશનો કહેવાય છે. તેને વ્રજમંડળ કહે છે. મથુરા એના મધ્યભાગમાં છે. ભાવિક વૈષ્ણવો દર વરસે ८૪ કોશના વ્રજમંડળની યાત્રા કરે છે. એ યાત્રા ઘણી વ્યવસ્થિત અને આનંદદાયક હોય છે. વ્રજમંડળનાં બધાં મળીને બાર વન છે. તેમાં વૃંદાવનનો મહિમા સૌથી વધારે છે. તે સૌથી પવિત્ર ગણાય છે. બીજાં વન મધુવન, કુમુદવન, કામ્યવન, બહુલવન, ભદ્રવન, ખાદિરવન, શ્રીવન, મહાવન, લોહજંઘવન, બિલ્વવન તથા ભંડિરવન છે.

મથુરામાં પંડાઓને ત્યાં પણ રહી શકાય છે. ત્યાંના પંડાઓ યાત્રીની પાછળ સારી પેઠે પડે છે. યાત્રી જો સાવચેત ના હોય તો હેરાનગતિનો ભય વધારે રહે છે. ઊતરવા માટે ધર્મશાળાઓ પણ પૂરતા પ્રમાણમાં છે. તેમાં કરમસીદાસ મુંબઈવાળાની કારમહલ વિશ્રામઘાટની ધર્મશાળા, ગોકળદાસ તેજપાલની મારૂગલીની ધર્મશાળા. છત્તા બજારમાં દામોદરભવન, અસકુંડા બજારમાં દામોદરદાસ તાપીદાસની ધર્મશાળા, વિકટોરિયા પાર્કની શેઠ ઘનશ્યામદાસ રૂપકિશોર ભાટિયાની, બંગાળીઘાટ પર બિહારીલાલની ને રાજા તિલોઈની, સ્વામીઘાટ પર હરમુખરાય દુલીચંદની, પૂલ પાસે આવાગઢના મહારાજાની ને વૃંદાવન દરવાજા પાસે માહેશ્વરી ધર્મશાળા ખાસ ઉલ્લેખનીય છે.

વૃંદાવન : વૃંદાવન મથુરાથી છ માઈલ છે. રેલ્વે રસ્તે એનું અંતર નવ માઈલ જેટલું છે. ત્યાં રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે. સ્ટેશનની બાજુમાં જ મિરજાપુરવાળાની ધર્મશાળા છે. બીજી ધર્મશાળાઓ મંદિરોની પાસે પણ આવેલી છે. તેમાંથી ગમે તેમાં રહી શકાય.

વૃંદાવનના નામકરણ પાછળની એક પ્રાચીન નાનકડી કથા જાણવા જેવી છે. એ કથા ‘બ્રહ્મવૈવર્તપુરાણ’માં કહેવામાં આવી છે. સત્યયુગમાં મહારાજા કેદારની પુત્રી વૃંદાએ શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો. એણે એ વનમાં લાંબો વખત અપ્રતિમ તપ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા. એમણે દર્શન આપ્યું. ત્યારથી વૃંદાના તપની સ્મૃતિમાં એ વન વૃંદાવન તરીકે ઓળખાયું.

દાઉજીનું મંદિર : વૃંદાવન તથા મથુરાની આજુબાજુની ૮૪ કોશની વ્રજમંડળની ભૂમિમાં બીજાં જોવા જેવાં તીર્થો ઘણાં છે. ગોકુલથી સાતેક માઈલ દૂર બલદેવ ગામમાં દાઉજીનું પ્રસિદ્ધ મંદિર છે. તેના દર્શન માટે ઘણા લોકો જતા હોય છે. એ મંદિરની મૂર્તિ ચમત્કારિક ગણાય છે. કહે છે કે, ઔરંગઝેબ સેના સાથે એ મંદિરને તોડવા આવ્યો ત્યારે મંદિરના ગર્ભદ્વારમાંથી નીકળેલા ભમરાના ટોળેટોળાં એ સેના પર તૂટી પડ્યા. એથી સૈનિકો નાસવા લાગ્યા. ઔરંગઝેબ પણ ગભરાઈ ગયો. આખરે મંદિરને તોડવાનો વિચાર પડતો મૂકી એ સેના સાથે રવાના થઈ ગયો.

નંદગામ : બીજું દર્શનીય તીર્થસ્થાન નંદગામ છે. મથુરાથી તે લગભગ ર८ માઈલ દૂર છે. ઉપરાંત, બરસાના ગામ પણ જોવા જેવું છે. તે મથુરાથી આશરે પાંત્રીસ માઈલ દૂર છે. એ બંને સ્થળોએ જવા માટે મોટર મળે છે. ગોવર્ધનથી પણ ત્યાં જવા માટે મોટર મળે છે. નંદગામમાં ટેકરી પર નંદજીનું મંદિર છે. નીચે પામરીકુંડ છે. ગામમાં નાની ધર્મશાળાઓ છે. તેમાં રહેવાની વ્યવસ્થા છે.

બરસાના : બરસાના રાધાની પિતૃભૂમિ છે. એ ગામ પર્વતની ટેકરી પર વસેલું છે. એ ટેકરીનું નામ બૃહત્સાનું કે બ્રહ્મસાનુ હોવાથી, ગામનું પ્રાચીન નામ પણ કદાચ એના પરથી બૃહત્સાનું, બ્રહ્મસાનુ કે વૃષભાનપુર હતું. એ ડુંગરનાં ચાર શિખરો પર અનુક્રમે મોરકુટિ, માનગઢ, વિલાસગઢ તથા દાનગઢ સ્થળો છે. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણે રાધા સાથે જુદીજુદી લીલા કરી હોવાનું કહેવાય છે. બરસાનામાં બે ડુંગરોની વચ્ચે મુશ્કેલીથી પસાર થઈ શકાય એવી સાંકડી જગ્યા છે. ત્યાં રાધાના જન્મદિવસ ભાદરવા સુદ આઠમથી ચૌદશ સુધી દર વરસે મેળો ભરાય છે, અને ફાગણ સુદ આઠમ, નોમ ને દશમે હોળીનો ઉત્સવ થાય છે. પર્વત પર, આમ તો કેટલાંય મંદિરો છે, પરંતુ એમાં શ્રી લાડિલીજીનું મંદિર મુખ્ય છે. તેનું દૃશ્ય પર્વતની નીચેના ભાગમાંથી ઘણું નયનાભિરામ લાગે છે. પગથિયાં ચઢીને મંદિર તરફ જતાં રસ્તામાં રાધાના પિતાની સ્મૃતિ કરાવતું મહીભાનુજીનું મંદિર આવે છે. નીચે એક મંદિર રાધાજીનું તથા બીજું રાધાજીની મુખ્ય આઠ સખીઓનું છે. બીજામાં લલિતા, ચિત્રા, વિશાખા, ઈન્દુલેખા, ચંપકલતા, રંગદેવી, તુંદવિદ્યા તથા સુદેવીની મૂર્તિઓ છે.

બરસાનામાં તળાવ પણ જોવા મળે છે. ત્યાં જે ભાનોખર તળાવ છે તે રાધાજીનું બનાવેલું કહેવાય છે. એની બાજુમાં રાધાજીની માતા કીર્તિદાના નામ પરથી બનેલું કીર્તિકુંડ તળાવ છે. ઉપરાંત, મુક્તાકુંડ ને પ્રિયાકુંડ અથવા પીરીપોખર નામે બીજાં બે જળાશયો પણ છે.

ગોવર્ધન : ગોવર્ધન એક સુંદર સ્થળ છે. તે બરસાનાથી જઈએ તો ચૌદેક માઈલ ને મથુરાથી જઈએ તો સોળેક માઈલ દૂર છે. મથુરાથી બસ દ્વારા ત્યાં જઈ શકાય છે. ગોવર્ધન નાનોસરખો ડુંગર પણ છે અને ગામ પણ છે. લોકો એની પ્રદક્ષિણા કરે છે. કેટલાક ભાવિક લોકો તો દંડવત્ પ્રણામ કરતાં કરતાં પ્રદક્ષિણા કરે છે. ગોવર્ધનમાં માનસીગંગા સરોવર છે. તે ઉપરાંત, પ્રદક્ષિણાના માર્ગમાં બીજાં કેટલાંય સરોવરો ને કુંડ જોવા મળે છે. તેમાં રાધાકુંડ, કૃષ્ણકુંડ, ગોવિંદકુંડ અને કુસુમ સરોવર મુખ્ય છે. ગોવર્ધનમાં હરદેવજીનું મંદિર, ચક્રેશ્વર મહાદેવ, ચરણચિહ્ન, માનસીદેવી તથા વલ્લભાચાર્યજીની બેઠક જોવા લાયક છે.

પરિકમ્મા : વ્રજમંડળની પરિકમ્મા દર વરસે વર્ષાઋતુમાં કરવામાં આવે છે. તેમાં હજારો સ્ત્રીપુરુષો જોડાતાં હોય છે. આખે રસ્તે ભજનકીર્તન તથા સંત્સંગનું વાતાવરણ જોવા મળે છે. વલ્લભકુળના આચાર્યો દ્વારા થતી પરિકમ્મા દોઢેક મહિનામાં પૂરી થાય છે. રસ્તામાં જુદાંજુદાં તીર્થો ને ગામો આવે છે. તેનો લાભ લેતા યાત્રીઓ રાધાજીના જન્મસ્થાન રાવલ ગામમાં આવી પહોંચે છે, ને ત્યાંના રાધાઘાટ તથા લાડિલીજીના મંદિરનું દર્શન કરી, ત્યાંથી યમુના પાર કરી મથુરા આવે છે. કોઈ યાત્રી ગોકુલથી સીધા મથુરા આવી જાય છે, તો કોઈ રાવલ ગામથી લોહવન ને હંસગજ થઈને મથુરા આવે છે. એવી રીતે પરિકમ્મા પૂરી થાય છે. ચોરાશી લાખ યોનિમાં ફરનારો જીવ પણ પોતે જ્યાંથી આ સંસારના પ્રવાસે નીકળ્યો છે તે મધુપુરી અથવા પરમાત્માના પરમ અમૃતમય પરમધામમાં-પોતાના મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપમાં જઈને ફરી સ્થિત ના થાય, ત્યાં સુધી આવાગમનની એની પીડાજનક પરિકમ્મા પૂરી નથી થતી. તેની પૂર્ણાહુતિ માટે પરમાત્માનો પ્રેમ જગાવીને પરમાત્મામય જીવન જીવતાં પરમાત્માનો સાક્ષાત્કાર કરવો પડે છે. ચોરાશી કોશની સ્થૂળ પરિકમ્મામાંથી એવો સૂક્ષ્મ સંદેશ ઝીલતાં શીખવાનું છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.