આપણે ત્યાં પેલા પ્રખ્યાત શ્લોકમાં મથુરાના માહાત્મ્યનું દિગ્દર્શન કરાવતાં કહેવામાં આવ્યું છે કે મથુરા નગરી મોક્ષ આપનારી છે.
अयोध्या मथुरा माया काशी काज्ची अवन्तिका ।
पुरी द्वारामती चैव सप्तैता मोक्षदायिकाः ॥
એ શ્લોકમાં કહ્યા પ્રમાણે, મોક્ષ પ્રદાન કરનારી સાત નગરીઓમાં મથુરા ઉપરાંત અયોધ્યા, હરિદ્વાર, કાશી, કાંચી, ઉજ્જૈન તથા દ્વારિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોક્ષની પ્રાપ્તિની વાતને બાજુ પર રાખીએ, તોપણ, એ સુંદર સ્થળોની સાથે ભારતવર્ષનો સાંસ્કૃતિક ઈતિહાસ સંકળાયેલો હોવાથી ભારતની જનતા એમના અવલોકન માટે સ્વાભાવિક રીતે ઉત્સુક રહે છે અને એમના દર્શનથી આનંદ અનુભવે છે.
યમુનાતટ પર વસેલું મથુરા શહેર શ્રીકૃષ્ણની જન્મભૂમિ તરીકે યુગોથી એક પ્રકારના ઊંડા આકર્ષણનું કેન્દ્ર બનતું આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાકટ્ય કંસના કારાગારમાં થયેલું. એ સ્થાનને અમર રાખવા કે ચિરસ્થાયી પ્રેરણાદાયક સ્મૃતિચિહ્ન સમું બનાવવા પ્રજાએ આજ સુધી અનેકવાર પુરુષાર્થ કરી જોયો છે. એ પુરુષાર્થની ગાથા જાણવા જેવી છે. માનવ અને કૃતજ્ઞ માનવના આત્માએ એ ચિરસ્મરણીય સાંસ્કૃતિક સ્થાનને કેટકેટલીકવાર અંજલિ ધરી છે ! અને કેમ ના ધરે ? ભગવાન શ્રીકૃષ્ણ મથુરાની એ મોક્ષદાયિની નગરીમાં કેવળ પોતાના મોક્ષની ચિંતાથી નહોતા આવ્યા, બલકે એમના દિલમાં જીવમાત્રની હિતકામના અને ચિંતા હતી; સૌને અધર્મ, અન્યાય, અત્યાચાર તેમજ બંધનથી મુક્ત કરવાની તમન્ના હતી. એવા પુરુષો પૃથ્વી પર કાંઈ વારંવાર પેદા નથી થતા. એ તો કોઈ વિરલ ક્ષણે ક્વચિત જ જન્મે છે. એમનું જીવન અનેકને માટે અને અનંત કાળ લગી આશીર્વાદરૂપ ઠરે છે.
કંસના જેલખાનાને ‘કટરા કેશવદેવ’ કહેવામાં આવે છે. પંડિતોનું ને પુરાતત્વવિદોનું કહેવું છે કે એ સ્થાન પહેલાં મથુરાના મધ્યભાગમાં હતું અને એની પશ્ચિમ તથા ઉત્તરમાં જે વિશાળ ખંડેર અને અવશેષો દેખાય છે તે જૂના શહેરના અવશેષો છે. ‘કટરા કેશવદેવ’ શ્રીકૃષ્ણનું જન્મસ્થાન છે. એ સ્થાને જૂના વખતથી અવારનવાર મંદિરોની રચના થતી રહી છે એવું પુરાતત્વ-સંશોધકોએ સાબિત કર્યું છે, અને જમીનની અંદરના પુરાતન અવશેષોએ સિદ્ધ કર્યું છે. વખતના વીતવાની સાથે એ મંદિરો જમીનદોસ્ત થયાં, તો કેટલીકવાર પરદેશી વિધર્મી આક્રમકોએ એમનો નાશ કર્યો.
પહેલું મંદિર ઈ.સ. ८0 થી પ૭ દરમિયાન કૃષ્ણના પૌત્ર વ્રજનાભે બંધાવેલું. કહે છે કે, મહાક્ષત્રપ શોડાના વખતમાં એ મંદિર વસુએ બાંધેલું. કૂવામાંથી મળી આવેલા પથ્થરના લખાણ પરથી એ હકીકત સાબિત થઈ છે. એ લખાણ સંસ્કૃત ભાષામાં બ્રાહ્મી લિપિમાં છે.
બીજું મંદિર ગુપ્તકાળમાં આશરે ઈ.સ. ૪00માં બંધાયું. એ વખતે મથુરા સાહિત્ય, કળા અને સંસ્કૃતિનું મોટું કેન્દ્ર હતું. વિક્રમાદિત્ય કહેવાતા બીજા ચંદ્રગુપ્તે જે સુંદર મંદિર બાંધેલું તેને મહમદ ગઝનીએ ઈ.સ. ૧0૧૭માં તોડી પાડ્યું. એ મંદિરનું વર્ણન ‘તારીખ યામની’ પુસ્તકમાં મહમદના મીર મુનશી અલ ઉતબીએ સંક્ષેપમાં આ પ્રમાણે કરેલું છે : "મહમદે ઉત્તમ કોટિના શિલ્પવાળું મકાન જોયું, જે માનવીની નહિ પરંતુ કોઈ માનવોત્તર શક્તિની કૃતિ જેવું હતું. શહેરના મધ્યમાં મંદિરો કરતાં મોટું અને સુંદર એક મંગલમય મંદિર હતું. એની રૂપરેખા કોઈ ચતુર ચિત્રકારની પીંછી દ્વારા કે પ્રતાપી લેખકની કલમ દ્વારા પણ રજૂ ના કરી શકાય. સુલતાને પોતે એના વિશે લખ્યું કે, એના જેવું મંદિર બાંધવાની ઈચ્છા હોય તો દશ કરોડ સોનામહોર વગર બાંધી ના શકાય; બાંધવા માટે ઓછામાં ઓછાં બસો વરસો જોઈએ, અને એ પણ સારામાં સારા અનુભવી કારીગરો રોકવામાં આવે તો."
એકસો તેત્રીસ વરસ બાદ ઈ.સ. ૧૧પ0માં મહારાજ વિજયપાલદેવના રાજ્યશાસન દરમિયાન જજ્જા નામના પુરુષ દ્વારા ત્રીજું મંદિર બંધાયું. કટરામાંથી મળી આવેલા પથ્થર પરના લેખ પરથી તે પુરવાર થાય છે. એમાં સંસ્કૃત કવિતાની ર૯ પંક્તિઓ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ઈ.સ. ૧પ૧પમાં એ મંદિરની મુલાકાત લીધેલી. કૃષ્ણદાસ કવિરાજના ‘ચરિત્રામૃત’માં એ મુલાકાતનું વર્ણન કરતાં લખેલું છે કે-
"મથુરા આશિયા કરિલા વિશ્રામતીર્થે સ્નાન,
જન્મસ્થાન કેશવ દેખિ કરિલા પ્રણામ;
પ્રેમાવેશ ગાયે ગાન સઘન હુંકાર,
પ્રભુ પ્રેમાવેશ દેખિ લોકે ચમત્કાર.
લોક હરિહરિ બોલે કોલાહલ હુઈલ,
કેશવ સેવક પ્રભુ કે માલા પહિનાઈલ;
ગોકુલ દેખિયા આઈયા મથુરા નગરે,
જન્મસ્થાન દેખિ રહે સેઈ વિપ્ર ઘરે."
એનો સાર સ્પષ્ટ છે : "મહાપ્રભુ મથુરા આવ્યા અને વિશ્રામઘાટ પર પવિત્ર યમુનામાં સ્નાન કર્યું. શ્રીકૃષ્ણના જન્મસ્થાનની જગ્યામાં કેશવ ભગવાનને જોઈને પ્રણામ કર્યા; પછી ભાવાવેશમાં આવીને નાચવા ને ગાવા માંડ્યા. લોકો એમના ભાવાવેશથી ચકિત થયા. લોકોએ સમૂહમાં ‘હરિહરિ’ બોલવા માંડ્યું, અને કેશવના પૂજારીઓએ એમને માળા પહેરાવી. એમણે ગોકુલની યાત્રા કરીને મથુરામાં પધરામણી કરી. જન્મસ્થાનનું દર્શન ફરી એકવાર કરીને એ જ બ્રાહ્મણને ઘેર મુકામ કર્યો."
સોળમી સદીના પ્રારંભમાં સિકંદર લોદીના રાજ્યકાળ દરમિયાન એ મંદિરનો પણ ધ્વંશ કરવામાં આવ્યો. એ પછી આશરે સવાસો વરસે, જહાંગીરના જમાનામાં, ઓરછાના રાજા વીરસિંહદેવ બુન્દેલાએ એ જ સ્થાન પર બીજું સુંદર મંદિર તૈયાર કર્યું. એ મંદિરની મુલાકાત લેનાર એક ફ્રેંચ પ્રવાસીએ લખ્યું છે : "જગન્નાથ અને બનારસનાં મંદિરો પછી સૌથી નોંધપાત્ર બીજું મંદિર મથુરામાં છે, જે સમસ્ત ભારતમાં આગળ પડતું છે. એ મંદિર નીચી જગ્યામાં હોવા છતાં એનાં શિખર એટલાં બધાં ઊંચા અને સુંદર છે કે દશથી બાર માઈલના અંતરથી પણ જોઈ શકાય છે. કોતરકામવાળા પથ્થરથી તથા વાંદરા જેવાં બીજાં પ્રાણીઓના શિલ્પથી ભરેલું એ મંદિર ખરેખર દર્શનીય છે. બે સીડીથી એની ઉપર જઈ શકાય છે. મંદિર પ્લેટફોર્મના ફકત અર્ધભાગમાં જ બાંધેલું છે. એની આજુબાજુ બહાર પથ્થરમાં કોરેલી પ્રાણીઓની મૂર્તિઓની પ્રતિમાઓવાળી દીવાલ છે અને ત્યાં દેવતાઓની જુદીજુદી મૂર્તિઓ છે."
એ મંદિર રપ0 ફૂંટ ઊંચું હતું અને રૂપિયા તેત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલું. ભારતમાં દીર્ઘકાળ રહેનાર ઈટાલિયન પ્રવાસી માનુએ લખ્યું છે કે, "કેશવદેવ મંદિરનું સુવર્ણ શિખર એટલું બધું ઊંચું હતું કે છત્રીસ માઈલ દૂર આગ્રા શહેરથી પણ જોઈ શકાય; જન્માષ્ટમીના દિવસે એના પર જે જ્યોતિ થતી તે આગ્રામાં રહેનારા બાદશાહને પણ દેખાતી." ઔરંગઝેબે એ મંદિરનો નાશ કરીને એની જ સામગ્રીમાંથી એના એક ભાગમાં મસ્જિદ બાંધી દીધી હતી. એ મસ્જિદ આજે પણ જોઈ શકાય છે.
પંડિત મદનમોહન માલવીયાજીએ એ સ્થળની દુઃખદ દશાથી દુઃખ અનુભવ્યું. એમણે એના પુનર્નિમાણની પ્રેરણા પૂરી પાડી. શ્રી જુગલકિશોર બિરલાની સૂચનાનુસાર ટ્રસ્ટ થયું. ‘શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંધ’ની રચના થઈ. એ ટ્રસ્ટ એ સુંદર સાંસ્કૃતિક સ્થાનનો વિકાસ કરવાના પ્રયત્નો કરે છે. સર્જન અને વિસર્જનના એકસરખી રીતે ચાલતા કાળચક્રમાંથી પસાર થયા છતાં એ સ્થાનનો સર્વનાશ નથી થઈ શક્યો. એનો આત્મા મર્યો નથી પરંતુ અમર રહ્યો છે, અને પુનઃપુનઃ પ્રકટ થયો છે, એ શું સૂચવે છે ? એ જ કે, એ સ્થાન પર ઈશ્વરના આશીર્વાદ છે. ધર્મપરાયણ તથા ધર્માંધતા - બંનેનું દર્શન એ સુંદર સ્થાનને જોતાંવેંત કરી શકાય છે. ધર્મપરાયણ માનવે ગુણગ્રાહિતાથી પ્રેરાઈ, શ્રદ્ધાંજલિ આપવાની ઈચ્છાથી એને અવારનવાર તૈયાર કર્યું છે; તો ધર્માંધ, સંકુચિત દિલના માનવે એને જમીનદોસ્ત કરવામાં ગોરવ ગણ્યું છે ! કાળદેવતાનું આ કેવું વિરોધાભાસી કરુણ નાટક છે !
શ્રીકૃષ્ણના મંદિર સાથે એ સ્થાનમાં કારાગારનો એક ખંડ પણ દર્શનીય છે. એ ખંડ નીચે ભોયરામાં છે. એનું દર્શન કરીને અમે મથુરાના પ્રસિદ્ધ શ્રી દ્વારકેશ મંદિરમાં ગયાં. ત્યાંથી વિશ્રામઘાટની મુલાકાત લીધી. સાંજની આરતી વખતે વિશ્રામઘાટ ઓર રંગ ધારણ કરે છે. ત્યાં યમુનાના પાણીમાં ફરનારા ઢગલાબંધ કાચબાઓ જોવા જેવા છે. ગંગાએ માછલીઓને આશ્રય આપ્યો છે, તો યમુનાએ કાચબાઓને.
પંડાઓએ કહ્યું કે, કંસને મારીને શ્રીકૃષ્ણે ત્યાં વિશ્રામ કર્યો, એથી એ ઘાટનું નામ વિશ્રામઘાટ પડ્યું. એ હકીકત સાચી હશે, પણ મને તો લાગ્યું કે, સંતપ્ત માનવને શાંતિ અને વિશ્રાંતિ આપવાની એની શક્તિ હોવાથી પણ એનું વિશ્રામઘાટ નામ સફળ છે.