if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભારતમાં ગુપ્ત અને પ્રકટ, પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ યાત્રાધામો કે તીર્થસ્થાનો કેટલા બધાં છે ! દેશ વિશાળ છે તેમ, એ તીર્થસ્થાનો પણ ઘણા વિશાળ ક્ષેત્રમાં છૂટીછવાયી રીતે ફેલાયેલાં છે. દેશનો પ્રવાસ કરનારને એમનો પરિચય થાય છે ત્યારે જ એમના વિશે કાંઈક ચોક્કસ માહિતી મળી શકે છે. ભારતના તીર્થપ્રેમીઓએ કેટલાંક સ્થાનોને તો નિતાંત એકાંતમાં, ઘોર અરણ્યમાં, પર્વતપ્રદેશમાં, અથવા સરિતાના શાંત અને સુંદર તટપ્રદેશમાં સ્થાપેલાં છે. એમાં શાકંભરી દેવીના સ્થાનનો પણ સમાવેશ સ્વાભાવિક રીતે જ થઈ જાય છે. એ સ્થાન ભારતના ઉત્તરપ્રદેશ સિવાયના બીજા ભાગોમાં એટલું પ્રસિદ્ધ નથી, છતાં એ સુંદર, રસમય તથા દર્શનીય છે. એ દૃષ્ટિએ તીર્થોના તથા કુદરતી સૌંદર્યના ઉપાસકે એનો પરિચય કરવા જેવો છે.

પર્વતોની ઊંચી લીલીછમ પંક્તિ હોય, એની સોડમાં થઈને નાનીસરખી સ્વૈરવિહાર કરનારી રમતિયાળ નદી વહેતી હોય, આજુબાજુ માઈલો સુધી વિસ્તરેલું ઘોર જંગલ હોય, ને એમાં પર્વતને અડીને ઊભેલું એક શાંત, સાદું ને સુંદર મંદિર હોય, તો એને નિહાળીને અંતર કેટલું બધું આનંદી ઊઠે ! શાકંભરી દેવીનું સ્થાન પોતાના દર્શનમાત્રથી જ એવા કુદરતી સૌંદર્યને લીધે અંતરને આનંદ આપે છે. ઉત્તર ભારતનાં તીર્થસ્થાનોમાં એનું મહત્વ સવિશેષ દર વરસે, ખાસ કરીને વરસમાં આવતા બંને નવરાત્રીના દિવસો દરમિયાન લાખો યાત્રીઓ અત્યંત આસ્થા, પ્રેમ ને ભક્તિભાવપૂર્વક એના દર્શને આવે છે, તેથી વધે છે.

ત્યાં જવા માટેનો માર્ગ ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ શહેર સહરાનપુરથી આગળ વધે છે. શાકંભરી જવા માટે ત્યાંથી દિવસમાં બે વાર મોટર મળે છે. બંનેની વચ્ચે આશરે પચાસેક માઈલનું અંતર છે. સહરાનપુરથી આગળ જતાં ભેટ નામનું નગર આવે છે. ત્યાંથી દહેરાદૂન જતા સીધા પાકા રસ્તા પર આગળ વધ્યા પછી કાચા માર્ગે વળવું પડે છે. એ માર્ગ ગીચ ઝાડી તથા વૃક્ષોથી વીંટળાયેલા જંગલમાંથી પસાર થાય છે, તથા પર્વતોની વચ્ચેથી ક્રમેક્રમે આગળ વધે છે ને ઉપર ચઢે છે એટલે ભારે ભયંકર લાગે છે. રસ્તામાં નાનાંસરખાં છૂટાછવાયાં ગામ પણ આવે છે. જંગલમાં હિંસક પ્રાણીઓ પણ રહેતાં હોય છે, તોપણ, શ્રદ્ધાભક્તિથી ભરેલો પ્રવાસી એની પરવા કર્યા વગર, ભારે ઉત્સાહપૂર્વક આગળ વધે છે. મોટર પણ, પ્રાચીન સંસ્કૃતિ પર અર્વાચીન સંસ્કૃતિનો વિજયધ્વનિ કરતી અને એનો ઉન્માદ ઠાલવતી ધીમી ગતિએ આગળ વધતી જાય છે. રસ્તામાં આપણને વિચાર થાય છે કે આપણા પૂર્વપુરુષોએ કેટલાંક તીર્થસ્થાનોને વસતિથી કેટલેય દૂર, કેવા એકાંત વાતાવરણમાં સ્થાપી દીધાં છે ! ત્યાં જવામાં ઓછોવત્તો પરિશ્રમ કરવો પડે છે, પ્રતિકૂળતાઓ વેઠવી પડે છે, કેટલીકવાર હિંમત પણ હારી જવાય છે; પરંતુ એ તપ છે, અને દેશના ભિન્નભિન્ન અજ્ઞાત પ્રદેશોનું અવલોકન કરવા માટે એટલું તપ આવશ્યક છે. અને તો જ, પ્રકૃતિ સાથે આત્મીયતા કેળવાય છે.

હરિદ્વાર તરફથી આવવા માગતા પ્રવાસીઓ હરિદ્વારથી ઊપડતી બસમાં બેસીને શાકંભરી દેવી આવી શકે છે. એ બસ પ્રવાસીઓને દેવીના દર્શનનો તથા પૂજનનો પૂરતો લાભ આપીને થોડા વખત પછી હરિદ્વાર જવા માટે પાછી ફરે છે. દહેરાદૂનથી આવનારા પ્રવાસીઓ પણ સીધા જ આવી શકે છે.

શાકંભરી દેવીના સ્થાનમાં પ્રવેશતાંવેંત જ એવું લાગે છે કે આપણે એવા તો ઘોર વનમાં પ્રવેશ કર્યો છે કે જેમાંથી ઈશ્વરની કૃપા હોય તો જ સહેલાઈથી બહાર નીકળી શકાય. આજુબાજુ વરસોથી મૂક રીતે ઊભી રહેલી દેવીના ધ્યાનમાં અથવા દર્શનાનંદમાં ડૂબી હોય એવી પ્રશાંત પર્વતપંક્તિઓ દેખાય છે, ને વચ્ચે સરસ સરિતાપ્રવાહ. ગામ તો છે ખૂબ જ નાનું, મોટે ભાગે ત્યાં મંદિરના કર્મચારીઓનાં જ મકાનો છે. દેવીએ કેવા અલૌકિક સ્થળમાં રહેવાનું પસંદ કર્યું છે ! એ સ્થળનું નિરીક્ષણ કરતાંવેંત અંતરમાં ઊંડી શાંતિ પથરાઈ જાય છે.

ચાલો ત્યારે, મંદમંદ સ્વરે સરી જતી સરિતાનું આચમન કરીને, હાથ-મોં ધોઈને થોડાક સ્વસ્થ થઈને, તૃષાને તૃપ્ત કરીએ, ને પછી જે મંગલ કાર્યને માટે આટલે દૂર આવી પહોંચ્યાં છીએ એ શાકંભરી દેવીના દર્શનનું મંગલમય મહાકાર્ય સાધી લઈએ. દેવીનું નાનુંસરખું મંદિર જલપ્રવાહની સામી બાજુ, પર્વતની ગોદમાં થોડેક ઉપર દેખાય છે. ત્યાં પહોંચવા માટે પગથિયાં છે. આવો, એમના પર ચઢવા માંડીએ. મંદિરની બહાર પાંચ-છ દુકાનો છે. ત્યાંથી શ્રીફળ, કંકુ જેવી પૂજાની સામગ્રી આવશ્યક લાગે તો લઈ લઈએ. બહાર દૂધ તથા મીઠાઈની પણ દુકાનો છે.

મંદિરના નાનાસરખા છતાં સુંદર ઘુમ્મટ પર ધ્વજા ફરફરે છે. પવનની લલિત લહરીઓ સાથે ક્રીડા કરતી એ ધજા જાણે કે આપણું સ્વાગત કરે છે. દરવાજા પર મોટા ને સુંદર શબ્દોમાં લખ્યું છે :

प्रसीद देवि जगतोङखिलस्य ॥

અને એની નીચે લખ્યું છે : ‘શાકંભરી દેવીભવન.’

મંદિરની અંદર દેવીની પાંચ મૂર્તિઓ છે. તે પૈકી વચ્ચેની મૂર્તિ શાકંભરી દેવીની છે. મૂર્તિ જાણે આપણી સામે મીટ માંડીને ઊભી હોય એવું લાગે છે. એમ થાય છે કે જાણે એ હમણાં જ બોલી ઊઠશે. પૂજારીઓ ભક્તોની ભાવના પ્રમાણે વારાફરતી પૂજા કરે છે તથા મંત્રો અને શ્લોકો બોલે છે ત્યારે વાતાવરણ ખૂબ જ સજીવ અને અદ્દભુત લાગે છે.

લોકેષણા તથા વિત્તૈષણાથી રહિત, શાંત, વિરક્ત પ્રકૃતિના મહાત્માઓ આવાં સ્થળોમાં રહેવાનું પસંદ કરે છે. આવા મહાત્માઓના દર્શનની ઈચ્છા દર્શનાર્થીઓને થાય એ તદ્દન સ્વાભાવિક છે. દેવીનું દર્શન કરીને અમે નીચે ઊતર્યા ત્યારે જલપ્રવાહની પાસેની પાટ પર કોઈક મહાત્મા બેઠેલા. કેટલાક લોકોએ એમને પૂછ્યું : ‘મહારાજજી, મીઠાઈ ખાઓગે ?’

‘નહિ.’ એમણે ઉત્તર આપ્યો.

‘તો ફિર સાગપુરી ખાઓગે ?’

‘મૈંને ખાના ખા લિયા હૈ.’ મહાત્માએ શાંતિથી કહ્યું.

પરંતુ ભક્તો એમ પાછા પડે એવા ક્યાં હતા ? એ બોલ્યા : ‘ફલ ખા લો. ફલ ખાને મેં તો કોઈ હર્જ નહિ.’

‘મુઝે ફલ નહીં ખાના. મેરા પેટ ભરા હુઆ હૈ.’

‘તો આખિર દૂધ પી લો.’

‘દૂધ કી ઈચ્છા ભી નહીં હૈં.’

‘તો કુછ રૂપયે લે લો.’

‘મૈં પૈસા નહીં લેતા.’

હવે ભક્તોને માટે કોઈ વિકલ્પ બાકી ના રહ્યો. કાળી ભમ્મર જટા ને દાઢીવાળા, કદાવર કાયાના એ મહાત્મા ત્યાગી, સંયમી ને વિરક્ત હતા, એમાં સંદેહ ના રહ્યો.

જૂના વખતમાં, કહે છે કે, એ એકાંત તીર્થસ્થાનમાં શક્તિ સંપ્રદાયના એક વૈરાગી સિદ્ધપુરુષ વાસ કરતા હતા. તેઓ મંદિરની બહારના વનમાં એક વૃક્ષ નીચે પડી રહેતા અને કેવળ દૂધ પર નિર્વાહ કરતા. તેમની પાસે લગભગ રોજ રાતે એક વાઘ આવીને બેસી રહેતો. તેઓ એના શરીર પર હાથ ફેરવતા. એકવાર સહરાનપુરથી અંગ્રેજી રીતભાતવાળા એક દેશી અમલદાર એ સ્થાનના દર્શને આવ્યા. મહાત્માજીને મંદિરની સામે અસંખ્ય લોકોની વચ્ચે દિગંબર દશામાં બેઠેલા જોઈને એ અમલદારના ક્રોધનો પાર ના રહ્યો. એમણે તેમને સહરાનપુર લઈ જવા માટે મોટરમાં બેસાડ્યા, પરંતુ એમના આશ્ચર્યની વચ્ચે વારંવારના પ્રયાસો છતાં મોટર ચાલી જ નહિ. મહાત્માજીને બીજી મોટરમાં બેસાડ્યા, તો તે પણ ના ચાલી. લોકોના કહેવાથી અમલદારે એ મહાત્મા પુરુષને નીચે ઉતારીને એમની માફી માગી.

મહાત્માએ કહ્યું : ‘સબ મહામાયા કી લીલા હૈ. વહ મુઝે સહરાનપુર તો ક્યા, કહી ભીં લે જાના નહી ચાહતી. યહાં હી રખના ચાહતી હૈ.’

અમલદાર તેના ભક્ત બન્યા.

સમયના પરિવર્તનની સાથે મહાત્માઓમાં પણ પરિવર્તન થયું છે, તેમ છતાં આવાં એકાંત શાંત સ્થળોમાં કોઈકવાર એમના વારસ જેવા તપસ્વી મહાત્માઓ મળી આવે છે ત્યારે પ્રવાસ સાર્થક લાગે છે.

શાકંભરી દેવીના મંદિરની સામે પર્વત પર ત્રણેક માઈલ દૂર શંકરનું મંદિર છે. જંગલમાં આવેલા એ સ્થાનના દર્શને કોઈકોઈ પ્રવાસીઓ જતા હોય છે. મોટા ભાગના પ્રવાસીઓ તો ‘હાથીના પગલામાં બીજાં પગલાં સમાઈ ગયાં’ માનીને દેવીના દર્શનનો જ લાભ લઈને પાછા ફરે છે. દેવીના મંદિરની પરિકમ્મા કરીને, બહાર પ્રાંગણમાં આવેલા હનુમાનજીને તથા ભૈરવને નમન કરીને તેઓ કૃતાર્થ બને છે.

શાકંભરી દેવીની એ યાત્રા એના નિતાંત એકાંત અને વિકટ માર્ગને લીધે વાંરવાર કરવાનું મન ના થાય, તો પણ ચિરસ્મરણીય જરૂર બને છે. એવા પણ અનેક લોકો છે, જેઓ એનો લાભ નિયમિત રીતે લેતા રહે છે.

શાકંભરી દેવી કેટલું વિચિત્ર નામ છે ! પરંતુ તેમાં વિચિત્ર જેવું કશું નથી. એની અંદર ઘણો ગૂઢાર્થ છે, ઊંડું રહસ્ય રહેલું છે. એ રહસ્ય જાણવા જેવું છે. મહાભારતના વનપર્વમાં ને પદ્મપુરાણમાં એનો નિર્દેશ કરેલો છે. એ દૃષ્ટિએ જોઈએ તો, શાકંભરી દેવીનું ધામ ઘણું પ્રાચીન છે. કહે છે કે, એ દેવીએ હજાર દિવ્ય વરસો સુધી પ્રત્યેક મહિનાના છેલ્લા દિવસે શાકનું ભોજન કરી તપ કરેલું. એ તપ દરમિયાન એકવાર એમના આશ્રમ પર કેટલાંક ઋષિમુનિઓ આવી પહોંચ્યા. દેવીને થયું, ‘હું તો શાક સિવાય બીજી કોઈ ખાદ્ય વસ્તુ વાપરતી નથી તો પછી અચાનક આવેલા આદરણીય અતિથિઓનો સત્કાર કેવી રીતે કરું ? એમનો સત્કાર શાકથી જ કરું એ જ બરાબર છે.’ એવું વિચારીને એમણે એમની આગળ શાક ધર્યું. ત્યારથી એમનું નામ શાકંભરી દેવી પડ્યું. એ દેવીના પવિત્ર ને સુંદર સ્થાનના મહિમાનું વિશેષ વર્ણન કરતાં કહેવામાં આવે છે કે, શાકંભરી દેવીના એ તીર્થસ્થાનમાં ત્રણ દિવસ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી, શાકાહાર પર રહીને જે ધ્યાનપૂર્વક દેવીની આરાધના કરે છે તેને દેવીની કૃપાથી બાર વરસ સુધીના શાકાહારનું ફળ સહેલાઈથી મળી રહે છે, ને તેની પર દેવીની કૃપા થાય છે. એવા શાંત સુંદર સ્થળમાં શાકાહાર કરીને થોડોક વખત પણ વાસ કરવાથી મન નિર્મળ થાય છે, વૃત્તિ સ્થિર થાય છે, અને પરમ શાંતિ તથા પરમાનંદનો અનુભવ મળે છે. સાધકોને આવા સ્થળમાં રહેવાથી સાધનાની સિદ્ધિમાં મદદ મળે છે.

શ્રી આદ્ય શંકરાચાર્ય પણ ભારતનાં કેટલાં બધાં તીર્થોમાં ફર્યા છે ! દેશમાં જ્યારે અવરજવરનાં આધુનિક સાધનોનો અભાવ હતો ત્યારે, એક ખૂણેથી બીજે ખૂણે ફરીને એમણે ધર્મપ્રચારનું મંગલમય મહાકાર્ય તો કર્યું જ, પરંતુ સાથેસાથે મંદિરો કે દેવસ્થાનોના જીર્ણોદ્ધારનું કાર્ય પણ કર્યું છે. શાકંભરી દેવીના આ સુંદર સ્થાનની મુલાકાત પણ એમણે લીધી લાગે છે; કારણ કે અહીં ભીમા, ભ્રામરી ને શતાક્ષી એ ત્રણ દેવીઓની મૂર્તિઓ એમણે સ્થાપી છે એવી વાત પ્રચલિત છે.

મંદિરની આજુબાજુ સુંદર લીલીછમ પર્વતમાળા હોવાથી, આખુંય સ્થાન અત્યંત આકર્ષક લાગે છે. પર્વત એને અજબ ઉઠાવ આપે છે. પર્વતોને લીધે યાત્રાસ્થાનોની શોભામાં અને યાત્રાસ્થાનોને લીધે પર્વતોની મહત્તામાં વધારો થાય છે. મંદિરમાં મુસાફરોને રહેવા માટેની વ્યવસ્થા છે. દેવીની મૂર્તિ સ્વયંભૂ કહેવાય છે. મંદિરમાં ગણપતિ ને હનુમાનજીની મૂર્તિઓ પણ છે.

જવાનો માર્ગ : ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ શહેર સહરાનપુરથી શાકંભરી દેવી જવા માટે મોટરની વ્યવસ્થા છે. દેવીના સ્થાન પર પહોંચતાં પહેલાં એકાદ માઈલ પર ભૂદેરવ (ભૈરવ)નું નાનું મંદિર આવે છે. તે દેવીના ચોકીદાર મનાય છે. સહરાનપુરથી શાકંભરી લગભગ ર૬ માઈલ દૂર છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.