ગંગાના તટપ્રદેશની પ્રદક્ષિણા કે પરિક્રમા કરીએ તો જુદાંજુદાં અનેક સ્થળો જોવા મળે છે. એમાં કેટલાંક મોટાં તો કેટલાંક નાનાં, કેટલાંક પ્રસિદ્ધ તો કેટલાંક અપ્રસિદ્ધ છે. બધાં સ્થાનોનો નિર્દેશ કરવા કરતાં એ પૈકીનાં ખાસ મહત્વનાં સ્થાનો પર દૃષ્ટિપાત કરી લઈએ
અનૂપશહર : ગંગાના તટવર્તી સુંદર સ્થળો પૈકીનું ગંગાકિનારે વસેલું અથવા વિસ્તરેલું આ શહેર ઘણું રમણીય છે. શહેરમાં નર્વદેશ્વર મહાદેવનું મંદિર, ગિરધારીજીનું મંદિર, ચામુંડા દેવીનું મંદિર, વિહારીજીનું મંદિર અને હનુમાનજીનું પ્રાચીન મંદિર ખાસ દર્શનીય છે. એ ઉપરાંત, ગંગાતટ પરના ભિન્નભિન્ન સંતસાધુઓના આશ્રમો પણ જોવા જેવા છે. જેમ સાધુઓ શાંતિપૂર્વક રહેવા માટે હૃષીકેશ તથા હરિદ્વારને પસંદ કરે છે, તેમ અનૂપશહેરને પણ એકાંતવાસ તથા શાંતિલાભને માટે સારું માને છે. ત્યાં ગંગાનો લાભ મળવાની સાથેસાથે, હરિદ્વાર ને હૃષીકેશના પ્રમાણમાં ઠંડી ઓછી હોવાથી, કેટલાક સાધુઓ ત્યાં રહેવાનું વધુ પસંદ કરે છે.
અનૂપશહરથી ગંગા પાર કરીને સામી બાજુએ જઈએ તો ગવાં નામનો રસ્તો મળે છે. એ ગામથી આગળ એકાદ માઈલ દૂર ઉત્તર ભારતના પ્રખ્યાત મહાત્મા હરિબાબાનો બાંધ આવે છે. ત્યાં રામભવન, કીર્તનભવન ને સત્સંગભવન છે. એના અવલોકન માટે ઘણા લોકો આવે છે.
અનૂપશહરમાં રહેવા માટેની ધર્મશાળાઓ સારી સંખ્યામાં છે. ખુરજા રોડ અને મેરઠ વચ્ચેના બુલંદશહરના રેલ્વે સ્ટેશનથી અનૂપશહર જવા માટે બસ મળે છે.
અહાર : અનૂપશહરથી લગભગ સાત માઈલ ઉત્તરે અહાર નામે એક નાનું શહેર છે. રાજા પરીક્ષિતનું તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થયા પછી, એનું વેર વાળવાના ઉદ્દેશથી, પરીક્ષિતના પુત્ર જનમેજયે જે સર્પયજ્ઞ કરેલો તે આ જ સ્થળમાં કરેલો એમ કહેવાય છે. ત્યાં ભૈરવ, ગણેશ, કંચન માતા, હનુમાનજી ને અંબિકેશ્વરના મંદિર છે. શિવરાત્રીએ તથા ગંગાદશેરાને દિવસે ત્યાં મેળો ભરાય છે. શહેરથી બે માઈલ દૂર અવંતિકા દેવીનું મંદિર છે. ત્યાં શિવમંદિર તથા ધર્મશાળા પણ છે.
કર્ણવાસ : કર્ણવાસ અનૂપશહરથી દક્ષિણે આઠેક માઈલ દૂર છે. અલીગઢ-બરેલી લાઈનના રાજઘાટ નરૌરા સ્ટેશને ઊતરીને જઈ શકાય છે.
કર્ણવાસનું નામ સાંભળીને કર્ણની સ્મૃતિ થાય એ તદ્દન સ્વાભાવિક છે. એ પ્રાચીન તીર્થ કર્ણના નામ સાથે ખરેખર સંબંધ ધરાવે છે. કહે છે કે કુંતી દ્વારા ગંગાના પ્રવાહમાં વહેતી કરાયલી પેટી એની અંદરના બાળક કર્ણ સાથે આ જ સ્થળેથી બહાર કઢાયેલી. કર્ણે ત્યાં વાસ કર્યો તેમજ તપશ્ચર્યા કરી, તેથી એ સ્થળ ‘કર્ણવાસ’ કહેવાયું. ત્યાં એક કર્ણશિલા છે. તેના પર બેસીને કર્ણ દાન આપતો, એમ કહેવાય છે.
કર્ણવાસ પ્રાચીનકાળમાં ભૃગુક્ષેત્ર કહેવાતું. ભૃગુઋષિનું એ નિવાસસ્થાન હતું. ત્યાં કલ્યાણી દેવી નામે મંદિર છે. દેવીએ શુંભનિશુંભ જેવા રાક્ષસોનો સંહાર કરીને એ સ્થળમાં આરામ કરેલો, એવી દંતકથા છે. કર્ણવાસની બાજુના બુધૌહી સ્થાનમાં ભગવાન બુદ્ધે તપ કરેલું. આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ એ સ્થળમાં રહીને સાધના કરેલી.
આ સ્થળમાં વરસમાં બંને નવરાત્રી દરમિયાન મેળો ભરાય છે. યાત્રીઓના ઊતરવા માટે ત્યાં કેટલીય ધર્મશાળાઓ છે. ગંગાતટવર્તી એ સ્થળ ઘણું પ્રખ્યાત અને સુંદર હોવાથી ત્યાં સંતસાધુઓ મોટી સંખ્યામાં વાસ કરે છે. પહેલેથી જ એ સંતમહાત્માઓનું પ્રિય નિવાસસ્થાન તથા સાધનાધામ રહ્યું છે. સંતપ્રેમી ભાવિક પુરુષો તરફથી અહીં અન્નક્ષેત્રોની વ્યવસ્થા છે, તેથી તેમને તૈયાર ભોજન મળી રહે છે. સાચા સંતસાધુઓને બીજું શું જોઈએ ? એમને ભિક્ષા મળે, ગંગાનો શાંત તટ મળે, અને સાધના કરવાની સગવડ મળે, પછી શું ? એની સાથે વિવેક, વૈરાગ્ય તથા સાધના કરવાની ઉત્કટ વૃત્તિ ભળે, તો તે સર્વ કોઈનું કલ્યાણ કરે. શંકરાચાર્યે કહ્યું જ છે કે-
गंगातटतरूमूलनिवासः शय्याभूतलमजिनं वासः ।
सर्वपरिग्रहभोगत्यागः कस्य सुखं न करोति विरागः ॥
"ગંગાતટ પરના વૃક્ષ નીચે રહેવાનું હોય, જમીન પર પથારી હોય, એકાંતવાસ હોય, અને સંગ્રહનો તથા વિષયભોગનો ત્યાગ હોય, તો એવો વૈરાગ્ય કોને સુખદાયક ના થાય ?"
વિહારઘાટ : કર્ણવાસથી ત્રણ માઈલ દૂર રાજઘાટ અને ત્યાંથી એક માઈલ દૂર વિહારઘાટ છે. રાજા નળના દાનના સ્થળ તરીકે એની ખ્યાતિ હોવાથી એને નળક્ષેત્ર પણ કહેવામાં આવે છે. એ સ્થળમાં પણ ગંગાતટ પર સંતસાધુઓના આશ્રમો છે. જુદીજુદી ધર્મશાળાઓ તથા વાનપ્રસ્થાશ્રમો પણ છે. ગાયત્રીદેવીનું તથા વિહારીજીનું મંદિર પણ જોવા જેવાં છે.
શિવરાજપુર : ઉત્તર રેલ્વેની મુગલસરાય-દિલ્હી લાઈન પરના બિંદકી રોડ સ્ટેશનથી ચારેક માઈલ દૂર છે. ત્યાં ગંગેશ્વર, સિદ્ધેશ્વર, પંચવટેશ્વર તથા ગિરિધર ગોપાલજીનું તથા બીજાં મંદિર છે. ગિરિધર ગોપાલજીના મંદિરના સંબંધમાં કહેવાય છે કે, મેવાડનો ત્યાગ કરીને મીરાંબાઈ અહીં થઈને આગળ જતાં હતાં, ત્યારે આરામ કર્યા પછી એમણે ગિરિધર ગોપાલને ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ એ ઉપાડી શક્યાં જ નહિ. પરિણામે ગોપાલજીની ઈચ્છા આગળ જવાની નથી એવું સમજીને લોકોએ એમનું મંદિર બનાવી દીધું.
બક્સર : શિવરાજપુરથી ત્રણેક માઈલ દૂર છે. ભગવાન શ્રીકૃષ્ણે જેનો નાશ કરેલો તે બકાસુરનું એ નિવાસસ્થાન ગણાય છે. ત્યાં બકાસુરે સ્થાપેલું મહેશ્વરનાથનું મંદિર છે. ઉપરાંત, ચંડિકા દેવીનું મંદિર પણ છે. ચંડીપાઠ વાંચનારા સારી પેઠે જાણે છે કે, સુરથ રાજાએ અને સમાધિ વૈશ્યે દેવીને પ્રસન્ન કરવા માટે તીવ્ર તપ કરેલું, તેના ફળરૂપે તેમના પર દેવીની કૃપા થયેલી પણ ખરી. એમના તપની ભૂમિ એ જ હતી, એવું કેટલાક લોકોનું માનવું છે. વાગીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર પણ અહીં છે.