પૃથૂદકના નામથી પરિચિત સ્ત્રીપુરુષો બહુ ઓછાં છે. તેમ છતાં ભારતમાં તેની સારી પ્રસિદ્ધિ છે અને તે એક મોટું તીર્થ મનાય છે. દિલ્હીથી અમૃતસર તરફ જતી ગાડીમાં આવતા થાનેસર શહેરથી તે સ્થાન લગભગ ૬-૬.પ0 ગાઉ દૂર છે. લોકો એને મોટે ભાગે પહેવાના નામથી ઓળખે છે. પૃથૂકદ તો એનું અસલ નામ છે; અને વળી, એ નામમાં જે વ્યંજના અથવા ગૂઢાર્થ છે તે પેહેવા નામમાં નથી. પૃથૂદક એ નામ કાને પડતાંવેંત જ લાગે છે કે એ સ્થાનને રાજા પૃથુના નામ સાથે કશોક સંબંધ હશે. માહિતી મેળવતાં આપણી એ લાગણી સાચી ઠરે છે.
મહારાજા વેનના પુત્ર પૃથુના નામ પરથી જ આ તીર્થસ્થાનનું નામ પૃથૂદક પડ્યું છે. પૃથૂ અને ઉદક મળીને પૃથૂદક (અર્થાત્ પૃથુનું સરોવર) થાય છે. પાછળથી તે નામ જનતાની જીભે ચઢીને પેહેવા કે પેહવા થઈ ગયું. કહે છે કે, મહારાજા પૃથુએ પોતાના પિતા વેનની અંત્યેષ્ટિ ક્રિયા આ જ સ્થળમાં કરેલી. એને લીધે આ સ્થળ સાથે એમનું નામ જોડાઈ ગયું. વખતના વીતવાની સાથે એણે વધારે મહિમા ધારણ કર્યો. ભાદરવા મહિનાના શ્રાદ્ધપક્ષમાં એ સ્થળમાં મોટો મેળો ભરાય છે. પ્રાચીનકાળની કથાનુસાર, મહર્ષિ વિશ્વામિત્ર આ જ સ્થળે રાજર્ષિ વિશ્વામિત્ર મટીને બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર થયા હતા.
આ તીર્થની મહત્તા વિશે મહાભારત તથા પદ્મપુરાણ જેવા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, "કુરુક્ષેત્ર તો પુણ્યશાળી છે જ, પરંતુ કુરુક્ષેત્ર કરતાં વધારે પુણ્યશાળી સરસ્વતી છે; સરસ્વતી કરતાં પણ એના તટ પરનાં તીર્થ વધારે પવિત્ર છે, અને એ બધાં તીર્થો કરતાં પૃથૂદક વધુ પવિત્ર છે. પૃથૂદક કરતાં વિશેષ પવિત્ર તીર્થ બીજું કોઈ જ નથી. સ્ત્રીપુરુષો દ્વારા જાણમાં અથવા અજાણમાં કરેલાં બધાં પાપ ત્યાંના સ્નાનમાત્રથી દૂર થાય છે; અને અશ્વમેઘ યજ્ઞના ફળની તથા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે."
આ રહ્યા એ ભાવાર્થના શ્લોક :
पुण्यमाहुः कुरुक्षेत्रं कुरुक्षेत्रासरस्वती ।
सरस्वत्याश्चैव तीर्थानि तीर्थेभ्यश्च पृथूदकम् ।
पृथूदकात्पुण्यतमं नान्यतीर्थ नरोत्तम ॥
अज्ञानाज्ज्ञानतो वापि स्त्रिया वा पुरुषेण वा ।
यत्किज्चिदशुभं कर्म कृतं मानुषबुद्धिना ॥
तत्सर्व नश्ये तत्र स्नानमात्रस्य भारत ।
अश्वमेघफलं चापि लभते स्वर्गमेव च ॥
આ શ્લોક કોઈને કદાચ અતિશયોક્તિ જેવા લાગે, તોપણ એમની દ્વારા એક વાત તો અવશ્ય ફલિત થાય છે અને એની સાથે સૌ કોઈ સમંત થશે કે, એ શ્લોકોના રચનારને મન એ તીર્થનો મહિમા ઘણો મોટો છે. જોકે લગભગ પ્રત્યેક તીર્થનો મહિમા એવો જ મોટો માનવામાં આવે છે એ સાચું છે, છતાં એ પણ એટલું જ સાચું છે કે, તીર્થયાત્રા ને તીર્થવાસનો લાભ જીવનની સંશુદ્ધિ અથવા જીવનની ઉત્તરોત્તર સુધારણા માટેના એક અગત્યના શક્તિશાળી સાધન તરીકે લેવામાં આવે તો એ મહિમા તદ્દન સાચો ઠરે છે, અને એમાં અતિશયોક્તિ જેવું જરા પણ નથી લાગતું.
પૃથૂદકનાં દર્શનીય સ્થળો આ પ્રમાણે ગણાવી શકાય :
પૃથ્વીશ્વર મહાદેવ : મહારાજા પૃથુએ સૌથી પહેલાં એ મંદિર બંધાવેલું. શંકરના એ મંદિરનો મુસ્લિમ શાસનમાં નાશ કરવામાં આવેલો. મરાઠાકાળમાં તેનું ફરી નિર્માણ થયું, અને મહારાજા રણજીતસિંહે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
સરસ્વતી દેવી : સરસ્વતી નદીના ઘાટ પર બનેલું સરસ્વતી દેવીનું નાનુંસરખું મંદિર છે. એ પણ મરાઠાકાળમાં બનાવાયેલું કહેવાય છે. મંદિરના દ્વાર પર ચિત્રકામવાળો દરવાજો છે.
સ્વામી કાર્તિક : એ મંદિર ઘણું પ્રાચીન છે તથા પૃથ્વીશ્વર મહાદેવના મંદિરની પાસે છે.
ચતુર્મુખ મહાદેવ : બાબા શ્રવણનાથના સ્થાનમાં આવેલું એ શિવમંદિર વિશાળ તથા પ્રાચીન છે. એનું ચાર મુખવાળું શિવલિંગ ખાસ જોવા જોવું છે. બાજુમાં હનુમાનજીની અષ્ટધાતુની સુંદર પ્રતિમા છે.
પૃથૂદક : એ સ્થળ સરસ્વતી નદીના તટ પર છે. રાજા પૃથુએ ત્યાં તપ કરેલું, એથી એનું નામ પૃથૂદક પડ્યું.
બ્રહ્મયોનિ : એ સ્થળ પૃથૂદકની સાથે જ જોડાયેલું છે. કહે છે કે, એ સ્થળે તપ કરીને મહર્ષિ વિશ્વામિત્ર, દેવાપિ, સિંધુ અને અગ્નિએ મુક્તિ મેળવેલી. વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ પણ ત્યાં જ થયેલા એવી કથા છે.
અવકીર્થતીર્થ : પૃથ્વીશ્વર મહાદેવ પાસેના એ સ્થળમાં યજ્ઞોપવીત સંસ્કાર કરાવવામાં આવે છે. એ તીર્થ બ્રહ્માએ બનાવેલું કહેવાય છે, તેથી યાત્રીઓ ત્યાં સ્નાન કરી, બ્રહ્માની પૂજા કરે છે. પ્રાચીનકાળમાં ઋષિ બકદાલ્ભ્યે ત્યાં સાધના કરેલી ને યજ્ઞનું અનુષ્ઠાન કરેલું.
યયાતિતીર્થ : સરસ્વતીના પવિત્ર તટ પરના એ સ્થળે રાજા યયાતિએ યજ્ઞ કરેલા તથા રાજાની ઈચ્છાનુસાર સરસ્વતી નદીએ દૂધ, ઘી તેમ જ મધ વહાવેલું. એને લીધે ત્યાંના ઘાટ દુગ્ધસ્ત્રવા ને મધુસ્ત્રવા નામથી ઓળખાય છે. નદીના બંને તટ પર ઘાટ બાંધેલા છે, ત્યાં પિંડદાન કરાય છે અને ચૈત્ર વદી ચૌદસે મેળો ભરાય છે.
રામતીર્થ : રામતીર્થ પરશુરામની સ્મૃતિ કરાવે છે. પરશુરામે ત્યાં યજ્ઞ કરેલા એમ કહેવાય છે. ત્યાં પરશુરામની, એમના પિતા જમદગ્નિની તથા એમના માતા રેણુકાની પૂજા થાય છે.
વિશ્વામિત્રતીર્થ : આ સ્થળે વિશ્વામિત્ર મુનિનો આશ્રમ હતો.
વશિષ્ઠ પ્રાચી : એ સ્થળમાં મુનિ વશિષ્ઠનો આશ્રમ હતો. એ સ્થળ હાલ તદ્દન જીર્ણ દશામાં છે. ત્યાં શંકર ભગવાનનાં ત્રણ મંદિર પણ વેરાન જેવાં પડી રહ્યાં છે. ઘાટની દશા પણ ખરાબ છે. ત્યાં બે મંદિરોની વચ્ચે જે નાની ગુફા છે તે વશિષ્ઠગુફા કહેવાય છે.
ફાલ્ગુનીતીર્થ અથવા સોમતીર્થ : કહે છે કે, પ્રાચીનકાળમાં ત્યાં ફળનું વિશાળ વન હતું. ત્યાં ફરલ નામે ગામ તથા એક સરોવર છે. સોમવતી અમાસે અને શ્રાદ્ધપક્ષમાં ત્યાં મેળો ભરાય છે. એની બાજુમાં પાણીશ્વર, સૂર્યતીર્થ ને શુક્રતીર્થ છે. યાત્રીઓ એમનું પણ દર્શન કરે છે. જૂના જમાનામાં દૃષદ્વતી નદી આ જ સ્થળે વહેતી હતી.