ગીતાના પહેલા અધ્યાયના પહેલા જ શ્લોકમાં કુરુક્ષેત્રનો ટૂંકો પરિચય વાચકને પ્રાપ્ત થાય છે. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે : "હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં મારા પુત્રો તથા પાંડવો લડવાની ઈચ્છાથી એકઠા થયા હતા, તેમણે શું કર્યું ?"
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥
આ શ્લોકમાં જેમ કુરુક્ષેત્રનો એક પરંપરાગત પ્રાચીન તીર્થધામ તરીકે ઉલ્લેખ છે તેમ, એના ઐતિહાસિક મહત્વનો પણ નિર્દેશ કર્યો છે. એ શ્લોક વાંચતાં કે સાંભળતાવેંત જ દૃષ્ટિપટ આગળ રથમાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનું ચિત્ર ખડું થાય છે. કૌરવો અને પાંડવોની, યુદ્ધ માટે તૈયાર થઈને ઊભેલી સેનાઓની વચ્ચે ધનુર્ધારી અર્જુનનો રથ ભગવાને એના પોતાના કહેવાથી ઊભો રાખ્યો. અર્જુને બંને સેના પર નજર નાખી, અને એનું મન યુદ્ધ વિશે ઉપરામ બની ગયું. ત્યાં ભેગા થયેલા મિત્રો, સ્વજનો તથા પૂજ્યજનોને જોઈને, લાગણીવશ બનીને, એણે યુદ્ધ નહિ કરવાનો વિચાર રજૂ કરીને, ગાંડીવ મૂકી દીધું, ને રથમાં બેસી ગયો.
અર્જુન તો હતોત્સાહ બની ગયો, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ એમ હતોત્સાહ બને તેવા ક્યાં હતા ? અર્જુનને કર્તવ્યાભિમુખ કરવા માટે, એના એકાએક ઉત્પન્ન થયેલા મોહને ખંખેરી નાખવાના ઉદ્દેશથી, ભગવાને જ્ઞાનની પતિતપાવની ગંગા વહેતી કરી. એ ગીતાબોધને પરિણામે અર્જુનનો મોહ મટી ગયો. કુરુક્ષેત્ર નામ સાંભળતાં અને એની ભૂમિ પર પગ મૂકતાં એ આખોય ઈતિહાસ આપણી આંખ આગળ તાજો થાય છે, અને વીતી ગયેલા કાળની નાનીમોટી કેટલીય કડીઓ, એક પછી એક, તાદૃશ્ય થાય છે. કુરુક્ષેત્ર અત્યંત પ્રાચીન તીર્થસ્થાન છે એ સાચું, પરંતુ ભારતવર્ષની મોટા ભાગની જનતા તો એને ‘ગીતાના અલૌકિક અક્ષરામૃતની અવતારભૂમિ’ તરીકે જ ઓળખે છે; અને એની મહત્તા એને મન એ દૃષ્ટિએ જ વધારે છે. વરસોથી એવી રીતે સંદેશાવાહક ભગવાન શ્રીકૃષ્ણની સાથે કુરુક્ષેત્ર નામ સંકળાયેલું હોવાથી એના મહિમા ને ગૌરવમાં તથા એની લોકપ્રિયતામાં વધારો થયો છે. અર્જુનની પેઠે કર્તવ્યવિમુખ થયેલા, મોહગ્રસ્ત માનવોને મોહમાંથી મુક્તિ આપી, નવો પ્રકાશ પૂરો પાડી, ફરી કર્તવ્યપરાયણ બનવાની શક્તિ એ ધરાવે છે અને એને માટેનો સંદેશ પૂરો પાડે છે. કુરુક્ષેત્રની યાત્રાની સફળતા, એ સંદેશને ઝીલીને જીવનમાં નવું બળ પેદા કરવામાં અને પોતાની કાયાપલટ કરવામાં રહેલી છે, એનું સ્મરણ આ તીર્થધામમાં પ્રવેશ કરતી વખતે થયા વિના નથી રહેતું.
દિલ્હીથી અમૃતસર જતી રેલ્વેમાં રસ્તામાં કુરુક્ષેત્ર સ્ટેશન આવે છે. સ્ટેશન એકંદરે નાનું છે, પરંતુ બહુ મહત્વનું છે. સૂર્યગ્રહણના અવસર પર કુરુક્ષેત્રમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડે છે, તે વખતે કુરુક્ષેત્રની રોનક ફરી જાય છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વેળાના સ્નાનનો ને સત્કર્મનો મહિમા મોટો મનાતો હોવાથી, એ વિશેષ અવસર પર ત્યાં મોટો મેળો ભરાય છે. ધર્મપ્રેમી લોકો એ વખતે ત્યાં હજારોની સંખ્યામાં ઊમટી પડીને સ્નાનપાન, પાઠપૂજા, દેવદર્શન, દાન તથા મંત્રાનુષ્ઠાન કરે છે. સૂર્યગ્રહણના ખાસ સ્નાન માટે આજુબાજુના વિસ્તારના લોકો તો આવે જ છે, પરંતુ દૂરદૂરના પ્રદેશની પ્રજા પણ આવી પહોંચે છે. સોમવતી અમાસના સ્નાન માટે પણ લોકો ઘણી મોટી સંખ્યામાં આવતા હોય છે.
જ્યોતિસર : ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જ્યાં ગીતાનો ઉપદેશ આપેલો એ સ્થળનું દર્શન કરીને પ્રત્યેક પ્રવાસીને આનંદ થાય છે. એ સ્થળ આજના કુરુક્ષેત્ર સ્ટેશનથી લગભગ પાંચ માઈલ દૂર પેહેવા જતા પાકા રસ્તા પર આવેલું છે. સરસ્વતી નદીના તટ પર આવેલું એ સ્થળ જૂના વખતથી જ્યોતિસર નામે ઓળખાય છે. તે સ્વાભાવિક રીતે જ ઘણું મંગલ મનાય છે. થાનેસર શહેરથી એ સ્થળ ત્રણેક માઈલ દૂર છે. ત્યાં, ભગવાન શ્રીકૃષ્ણના સદુપદેશનો સનાતન સાક્ષી બનીને સરસ્વતી નદીનો એ પ્રાચીન નિર્મળ પ્રવાહ વહી રહ્યો છે. બાકી તો, ત્યાં એક પ્રાચીન સરોવર છે અને પાસે કેટલાંક જૂનાં વડનાં વૃક્ષો છે. એમાંનો એક વડ ‘અક્ષય વટવૃક્ષ’ કહેવાય છે. બાજુમાં એક શિવમંદિર તૂટીફૂટી અવસ્થામાં જોઈ શકાય છે. કાશ્મીરના મહારાજા તરફથી એની પાસે લગભગ દોઢસો વરસ પહેલાં, એક શિવમંદિરની રચના કરવામાં આવેલી, તથા બીજું મંદિર લગભગ ૬0 વરસ પહેલાં બનાવાયેલું. ઈ.સ. ૧૯ર૪માં દરભંગાના મહારાજાએ અક્ષયવટની આજુબાજુ પાકો ચોતરો બનાવી, ભગવાન શ્રીકૃષ્ણના નાનકડા મંદિરની સ્થાપના કરી. એવી રીતે, વિધર્મીઓનાં અવારનવારનાં આક્રમણોનો ભોગ બનેલા એ ઐતિહાસિક સ્મૃતિસ્થાનને સાચવી રાખવાના પ્રયાસો ધર્મનિષ્ઠ તથા સંસ્કૃતિપ્રેમી પુરુષો તરફથી આજ સુધી કરાતા રહ્યા છે. ભારતનું એ સૌભાગ્ય છે કે એની સંસ્કૃતિમાં રસ લેનારા અને એનાં સ્મારકો કરવામાં ગૌરવ ગણનારા પ્રતાપી પુરુષો એને ખોળે પાકતા રહે છે. કુરુક્ષેત્ર સ્ટેશનથી જ્યોતિસરના એ સુંદર સ્થળમાં જવા માટે રીક્ષા, ટાંગા તથા બસની વ્યવસ્થા છે.
કુરુક્ષેત્ર ‘બ્રહ્માની ઉત્તરવેદી’ નામથી પહેલાં પ્રખ્યાત હતું. યજુર્વેદમાં એનું વર્ણન જોવા મળે છે. કૌરવપાંડવોના પૂર્વજ મહારાજ કુરુના નામ પરથી એ કુરુક્ષેત્ર તરીકે ઓળખાયું. મહારાજા કુરુના કાળમાં એ અધ્યાત્મવિદ્યાનું મહાન કેન્દ્ર હતું અને એને એવું બનાવવામાં મહારાજા કુરુનો બહુ મોટો યોગ હતો એમ કહેવાય છે. ‘વામનપુરાણ’ના બાવીસમાં અધ્યાયમાં એવો ઉલ્લેખ છે કે, મહારાજા કુરુએ પવિત્ર સરસ્વતી નદીના તટ પર આવેલા એ સ્થાનમાં અધ્યાત્મવિદ્યા તથા સદાચારયુક્ત ધર્મની ખેતી કરવાનો નિર્ણય કર્યો. એ પોતાના સુવર્ણરથમાં બેસીને ત્યાં આવી પહોંચ્યા. લાંબે વખતે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ એમને વરદાન માંગવા કહ્યું તો એમણે કહ્યું : ‘પ્રભુ, મેં જેટલી ભૂમિનો વિકાસ કર્યો છે તે બધી ભૂમિ પુણ્યક્ષેત્ર કે ધર્મક્ષેત્ર બનીને મારા નામે વિખ્યાત થાય; ભગવાન શંકર અહીં બધા દેવતાઓ સાથે વાસ કરે; અને આ સ્થળમાં કરેલું સ્નાન, ઉપવાસ, તપવ્રત, યજ્ઞ-બધું જ ધર્માચરણ અક્ષય બની જાય; આ સ્થળમાં જે માણસનું મૃત્યુ થાય તે પોતાના પુણ્યપાપના પ્રભાવથી મુક્ત થઈને સ્વર્ગની પ્રાપ્તિ કરે.’ ભગવાને એમની માંગણી મંજૂર રાખી. ત્યારથી એ ક્ષેત્ર કુરુક્ષેત્રના નામે જાણીતું થયું. ભૃગુઋષિએ ત્યાં યજ્ઞોની વ્યવસ્થા કરી હોવાથી એને ભૃગુક્ષેત્ર પણ કહેવાય છે.
કુરુક્ષેત્રના પાવન પ્રદેશમાં પ્રાતઃસ્મરણીય વૈદિક ઋષિવરોએ વેદની રુચાઓનું જયગાન કર્યું, તથા મહર્ષિ વિશ્વામિત્ર અને વશિષ્ઠે તપ દ્વારા દૈવી જ્ઞાનની પ્રાપ્તિ કરી. પાંચમા વેદ તરીકે ઓળખાતા મહાભારતના ગ્રંથની રચના પણ મહર્ષિ વ્યાસે આજ પુણ્યક્ષેત્રમાં કરી હતી એવું કહેવાય છે. કુરુક્ષેત્રમાં પુણ્યસલીલા સરસ્વતી નદીના તટપ્રદેશ પર ઋષિમુનિઓના એકાંત શાંત આશ્રમો હતા. એમાં રહીને અસંખ્ય વિદ્યાર્થીઓ ધર્મ, તત્વજ્ઞાન, સંસ્કૃતિ તથા બીજા વિષયોનું શિક્ષણ મેળવતા. મહાભારતના યુદ્ધના કાળથી માંડીને સમ્રાટ હર્ષના કાળ સુધી એ પ્રદેશ બધી રીતે સમુન્નતિના શિખર પર પહોંચેલો હતો. બૌદ્ધોના સમયમાં પણ એ પ્રદેશ સાંસ્કૃતિક દૃષ્ટિએ સર્વોત્તમ હતો. ઈ.સ. પૂર્વે 3ર૬ થી માંડી ઈ.સ. ૪८0 સુધી, પહેલાં એના પર મૌર્ય રાજાઓનું આસન રહ્યું અને પછીથી ગુપ્ત રાજાઓનું. રાજા હર્ષના રાજદરબારને શોભાવનાર મહાકવિ બાણભટ્ટે પોતાના પ્રખ્યાત પુસ્તક ‘હર્ષચરિત’માં લખ્યું છે કે, ‘થાનેસર સરસ્વતી નદીના તટ પર વસેલું છે, ને ધર્મ, સંસ્કૃતિ તથા વેપારનું મોટું કેન્દ્ર છે.’ ઈ.સ. ૬ર૯ થી ૬૪પ સુધી ભારતમાં વાસ કરનાર અને કેટલાંક વરસો સુધી રાજા હર્ષના અતિથિ તરીકે રહેનાર ચીની યાત્રી હ્યુ-એન-સંગે પણ લખ્યું છે કે, ‘ધાર્મિક પરંપરા તથા પ્રગતિને લીધે થાનેસર ઉત્તર ભારતમાં સર્વોત્તમ સ્થાનની પ્રાપ્તિ કરી ચૂક્યું છે. એ હકીકતનો સ્વીકાર કર્યા વિના રહેવાય તેમ નથી.’
કુરુક્ષેત્રનો પ્રદેશ પરંપરાગત રીતે એવો ઉત્તમ છે. આજે એની અવસ્થા જરા જુદી છે. તેમ છતાં ત્યાં શિક્ષણ કેન્દ્રો ખોલવાની ને નિરાશ્રિતોને વસાવવાની પ્રવૃત્તિ ચાલે છે. એ ભૂમિને સંસ્કૃતિ તથા શિક્ષણના સુંદર કેન્દ્રમાં ફેરવવાની અને જનસેવાની પ્રવૃત્તિઓથી ધમધમતી કરવાની જરૂર છે. કોઈપણ સ્થળની ભૂતકાળની ગાથા ગમે તેટલી ભવ્ય કે મહિમાવંતી હોય, તોપણ, કેવળ એના જ આધાર પર એ સુખી, સમૃદ્ધ અને મહાન ના બની શકે. એ ભવ્યતાને, મહિમાને ટકાવી રાખવા એને વર્તમાનકાળને અનુરૂપ પ્રગતિશીલ પગલાં ભરવા જોઈએ. તો જ તે કાળની કૂચમાં પોતાનું સ્થાન ટકાવી કે સુરક્ષિત રાખી શકે. એ દૃષ્ટિએ જોતાં ત્યાં કુરુક્ષેત્ર યુનિવર્સિટી સ્થપાય છે એ આવકારદાયક છે. એ યુનિવર્સિટી ઘણાં મોટા વિસ્તારમાં પથરાયેલી છે.