if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

‘વામનપુરાણ’માં મળતા વર્ણન પ્રમાણે, કુરુક્ષેત્રમાં સાત નદીઓ તથા સાત વનોનો સમાવેશ થતો હતો. સાત નદીઓ સરસ્વતી, વૈતરણી, આપગા, મધુસ્ત્રવા, કૌશિકી, દૃષુદ્રતી, તથા હરણ્યવતી. આજે તો ચોમાસામાં ફક્ત સરસ્વતી નદી કોઈક ઠેકાણે (થાનેસર, જ્યોતિસર, પેહેવા જેવા સ્થળોમાં) વહેતી દેખાય છે. બીજી બધી જ નદીઓ લુપ્ત થઈ ગઈ છે. સાતવનના નામ આ પ્રમાણે છે : કામ્યકવન, અદિતિવન, વ્યાસવન, ફલકીવન, સૂર્યવન, મધુવન અને શીતવન. એ વન પણ હવે તો નથી રહ્યા. એમની જગ્યાએ ખેતરો તથા ગામડાઓ થઈ ગયા છે. કાળદેવતા પોતાનું કામ કર્યે જાય છે. એને લીધે જળને ઠેકાણે સ્થળ ને સ્થળને ઠેકાણે જળ થતું રહે છે. આ સંસારમાં કશું પણ સ્થાયી ક્યાં છે ? મોટા-મોટાં સામ્રાજ્યો માટીમાં ભળી ગયા છે, તો પછી નાનાનાનાં વન તથા નગરોનો શો હિસાબ ? એવો વિચાર કરતા સમજુ માણસને વૈરાગ્ય થયા વિના નથી રહેતો. એ વનની જગ્યાએ થયેલા અને આજે જોવા મળતાં ગામો પરથી એમની સ્મૃતિ તાજી થાય છે. કામ્યક વનની જગ્યામાં કમોસિ નામે ગામ છે,  જે જ્યોતિસરથી ત્રણેક માઈલ દૂર છે. અદિતિવનની જગ્યામાં અમીન ગામ છે, જે કુરુક્ષેત્ર સ્ટેશનથી પાંચેક માઈલ દૂર છે. વ્યાસવન પર વારસા ગામ છે. ફલકીવનના સ્થાનમાં ફરલ ગામ તથા ફલ્વુતીર્થ છે, જે પેહેવા સ્ટેશનની પાસે છે. સૂર્યવનના સ્થળમાં સંજુમા ગામ તથા સૂર્યકુંડતીર્થ છે. મધુવનના સ્થળમાં મોહિના ગામ છે, જ્યારે શીતવનના સ્થળમાં શિવન ગામ છે.

દર્શનીય સ્થળો: કુરુક્ષેત્રના જોવા જેવા સ્થળોમાં એક બ્રહ્મસર છે. બ્રહ્મસરને જ કુરુક્ષેત્ર કહેવામાં આવે છે. તે કુરુક્ષેત્ર સ્ટેશનથી એકાદ માઈલના અંતર પર છે. એક જમાનામાં બ્રહ્મસર વિશાળ સરોવર હતું. આજે બ્રહ્મસર અથવા કુરુક્ષેત્ર સરોવર ઘણું પવિત્ર મનાય છે. તેમાં બે દ્વીપ છે. તેમાં મંદિરો અને બીજાં કેટલાંક સ્થાનો છે. ભગવાન વિષ્ણુનું પ્રાચીન મંદિર ખાસ ઉલ્લેખનીય છે. ચંદ્રકૂપનું પવિત્ર તીર્થસ્થાન પણ જોવા જેવું છે. સરોવર-તટ પર પ્રાચીન મંદિર, મઠ ને ધર્મશાળાઓ છે. કાલી કમલીવાલાની ધર્મશાળામાં તેમજ શ્રવણનાથની હવેલીમાં યાત્રીઓ તથા સાધુસંતોને ઊતરવાની વ્યવસ્થા છે. એ બાજુ ગૌડીય મઠ તથા ગીતાભવન પણ છે. ત્યાં શીખોનું ગુરુદ્વારા પણ છે. ગુરુ નાનકદેવ તથા બીજા કેટલાક શીખ ગુરુઓએ કુરુક્ષેત્રની તીર્થભૂમિની મુલાકાત લીધેલી. ગુરુ નાનકદેવની સ્મૃતિમાં સરોવરના કિનારા પર એક ગુરુદ્વારાની રચના કરવામાં આવી છે. સરોવરની બાજુમાં બિરલા તરફથી એક ગીતામંદિરની રચના થઈ છે.

સંનિહિત નામે બીજું સરોવર છે, જે ઘણું નાનું છે. એની ત્રણ બાજુએ ઘાટ બાંધેલા છે. એની પાસે લક્ષ્મીનારાયણનું પ્રાચીન મંદિર છે. સૂર્યગ્રહણના અવસર પર યાત્રીઓ એ સરોવર આગળ મોટી સંખ્યામાં એકઠા થાય છે. ત્યાં શ્રાદ્ધાદિ કરવાની પ્રથા પણ ચાલી આવે છે. ત્યાં જન્માષ્ટમી, વામનદ્વાદશી તથા દશેરાના દિવસો દરમિયાન મેળો ભરાય છે.

થાનેસર શહેરની તદ્દન પાસે થાનેસર નામે તીર્થ છે. ત્યાં નાનું સરખું સરોવર છે, જેના કિનારા પર ભગવાન સ્થાણ્વીશ્વરનું મંદિર છે. કહે છે કે, મહાભારતના યુદ્ધમાં વિજયી થવાની કામનાથી પ્રેરાઈને પાંડવોએ ત્યાં શકર ભગવાનની પૂજા કરીને એમની પાસેથી આશીર્વાદ મેળવેલા.

કુરુક્ષેત્ર સરોવરથી ત્રણેક માઈલ દૂર બાણગંગા નામે એક બીજું સ્થળ છે. પંડાઓ એના સંબંધી એવી કથા કહે છે કે, ભીષ્મ પિતામહ એ જ સ્થળમાં બાણશય્યા પર સૂતેલા. એ વખતે એમને તરસ લાગી એટલે અર્જુને બાણ મારીને જમીનમાંથી પ્રકટાવેલી પાણીની ધારા સીધી એમના મુખમાં જ મોકલી આપી. અત્યારે ત્યાં એ સુંદર સરોવર તથા નાનુંસરખું મંદિર છે. એ સ્થળ જોઈને ભીષ્મની યાદ તાજી થાય છે.

થાનેસર તીર્થથી થોડેક દૂર ભદ્રકાલી માતાનું પ્રાચીન મંદિર છે. તે જોવા જેવું છે. કહેવાય છે કે, પાંડવોએ વિજયી થવા માટે ત્યાં દેવીની આરાધના કરેલી.

ભગવાન વિષ્ણુની નાભિમાંથી પેદા થયેલા કમળમાંથી બ્રહ્માની ઉત્પતિ થયેલી એ કથા તો જાણીતી છે. એ ઉત્પત્તિસ્થાન થાનેસર શહેરની નજીક છે. તેને નાભિકમલતીર્થ કહેવામાં આવે છે. ત્યાં પણ સરોવર તથા વિષ્ણુ ભગવાનનું ને બ્રહ્માનું નાનકડું મંદિર છે.

ભીષ્મ પિતામહ જ્યાં શય્યા પર સૂતેલા તે સ્થાન પણ પંડાઓ બતાવે છે. એ સ્થાન થાનેસરથી લગભગ દોઢ માઈલ દૂર આવેલું છે, જેને ભીષ્મશય્યા કહે છે. ત્યાંના સરોવરમાં યાત્રીઓ સ્નાન કરે છે, ને બાજુમાં બેસીને ધર્મકર્મ પણ કરતા હોય છે.

સરસ્વતી નદીના તટ પર જ્યાં મહર્ષિ માર્કંડેય તથા દધીચિના આશ્રમો હતા ત્યાં હાલ મારકંડાતીર્થ તથા દધીચિતીર્થ છે. માંર્કંડેય મુનિ મહાન તપસ્વી હતા. તેમણે એ તીર્થસ્થાનમાં રહીને તપ કરેલું. મહર્ષિ દધીચિએ દધીચિતીર્થમાં વૃત્રાસુરને મારવા માટેનું વજ્ર બનાવવા સારુ પોતાનું શરીર દેવોને અર્પણ કરેલું.

મહાભારતના યુદ્ધ દરમિયાન, યુદ્ધના મેદાનમાંથી ભાગી જઈને દુર્યોધન એક સરોવરમાં સંતાઈ ગયેલો એવી કથા મહાભારતમાં આવે છે. પાંડવોએ એને ત્યાંથી બહાર કાઢેલો. એ જગ્યાએ મુનિ પરાશરનો આશ્રમ પણ હતો. એ સ્થાન કરનાલથી કૈથલ જતી સડકથી આશરે છ માઈલ દૂર છે. ત્યાં એક મોટું સરોવર છે. ફાગણ સુદ અગિયારસે ત્યાં મેળો ભરાય છે. થાનેસરથી દક્ષિણમાં ર0 થી ર૬ માઈલ દૂર આવેલું એ સ્થાન દર્શનાર્થીઓને આજે પણ સંદેશ આપે છે કે, માણસ આકાશમાં જાય, પૃથ્વી પર ફરે, કે પાણીમાં છુપાવા મથે, તોપણ કાળ તેને નથી છોડતો. જ્યાં પણ હોય ત્યાંથી યોગ્ય કે નિશ્ચિત સમયે શોધી કાઢીને તે તેનો કોળિયો કરે જ છે. એ સ્થાનને પરાશ અથવા દ્વૈપાયન હદ કહે છે.

એ ઉપરાંત, અભિમન્યુનું જ્યાં મૃત્યું થયેલું તે થાનેસરથી પાંચેક માઈલ દૂર આવેલું અમીન ગામ, તેની ઊંચી ટેકરી પાસેની ખાઈમાં જ્યાં કર્ણનું મૃત્યું થયેલું તે કર્ણવધનું સ્થાન, તથા અમીન ગામથી આશરે અડધો માઈલ દૂર જયદ્રથના નાશનું સ્થાન જયધર, અને એવાં કેટલાંક ઐતિહાસિક સ્થાનો પણ ત્યાં જોવા જેવાં છે. કુરુક્ષેત્રની યાત્રા એ રીતે ઘણી પ્રેરક, માહિતીપ્રચૂર, ઐતિહાસિક અને આનંદદાયક થઈ પડે છે. ભારતના ભવ્ય ભૂતકાળની સાથે સંબંધ ધરાવતું એ ક્ષેત્ર ખરેખર દર્શનીય છે. એ વાતનો સ્વીકાર કર્યા વિના નથી રહી શકાતું કે, યાત્રી ત્યાં ભક્તિભાવવશ થઈને જાય છે ખરો, પરંતુ સગવડના અભાવે વધારે નથી રહી શકતો. જમવા માટે ત્યાં સારા ભોજનાલયની વ્યવસ્થા પણ નથી દેખાતી, એટલે જેવું ખાવાનું મળે તેવું ચલાવી લઈને કે પછી ખાવાનું હાથે બનાવીને સંતોષ માનવો પડે છે. બિરલા મંદિરની ધર્મશાળામાં રહેવાની સગવડ ઘણી સારી હોવાથી ત્યાં ઊતરવાનું સારું છે. કુરુક્ષેત્રનો સ્ટેશન વિસ્તાર તથા થાનેસર ગામ તદ્દન સાધારણ હોવાથી યાત્રીઓનું આકર્ષણ કે મનોરંજન કરી શકે તેવાં નથી, પરંતુ જ્યોતિસરની જગ્યા સારી છે. એને ગીતાતીર્થ પણ કહે છે. ત્યાં સુંદર મોટું તળાવ કે સરોવર છે, પાકો ઘાટ છે, અને રથમાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની મૂર્તિ છે. થોડાક વખત પહેલાં નિજસ્વરૂપમાં વિલીન થઈ ચૂકેલા સ્વામી સત્યાનંદ સરસ્વતીએ એ સ્થાનને નવો આકાર આપવામાં તેમજ સુંદર બનાવવામાં ઘણો મોટો ફાળો આપેલો. એ સ્થાનથી થોડે દૂર નહેર હોવાથી એ વધારે રમણીય લાગે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.