મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરોની જેમ અમૃતસર પણ પંજાબનું એક મોટું વ્યાપારી કેન્દ્ર છે. અલબત્ત, મુંબઈ અથવા અમદાવાદ જેટલું મોટું તો નહિ, પરંતુ એ બાજુના પ્રદેશના પ્રમાણમાં એ ઘણું મહત્વનું અને મોટું છે. ગરમ અને સુતરાઉ કાપડના તથા બીજા નાનામોટા ઉદ્યોગોના કેન્દ્ર તરીકે એની પ્રસિદ્ધિ ઘણી છે. ભારતની એ તરફની સરહદ પરનું એ છેલ્લું મોટું શહેર છે. દેશના સંરક્ષણની દૃષ્ટિએ એનું ઘણું મહત્વ છે; કારણ કે ત્યાંથી પંદરેક માઈલ દૂર ભારતની હદ પૂરી થાય છે. અમૃતસર એકંદરે ઠંડુ ગણાય છે. ખાસ કરીને શિયાળામાં ઠંડી વિશેષ હોય છે. દિલ્હીથી પોષ મહિનામાં અમૃતસર આવવા નીકળ્યાં ત્યારે અમને કહેવામાં આવેલું કે, અમૃતસરની ઠંડીની આગળ દિલ્હીની ઠંડી કાંઈ જ વિસાતમાં નથી. એટલે અમૃતસર પહોંચ્યા પછી અમે ઠંડીનો વધારે અનુભવ કર્યો ત્યારે અમે કશું આશ્ચર્ય ના અનુભવ્યું. કેમ કે, એ માટે અમારી માનસિક તૈયારી હતી જ.
દરબાર સાહબ : અમૃતસરનાં જોવા જેવાં પ્રખ્યાત સ્થળોમાં સૌથી પહેલું સ્થળ શીખોનું સુવર્ણમંદિર ‘દરબાર સાહબ’ છે. એ મંદિરની અમે મુલાકાત લીધી તેના બીજા દિવસે ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતી હતી. દર્શનાર્થીઓની ભીડ માતી ન હતી. એમની શ્રદ્ધાભક્તિનો પરિચય પામી શકાતો હતો. ભારતવર્ષના કોઈ પણ મંદિર કે તીર્થસ્થાનમાં જાઓ, શ્રદ્ધાભક્તિના નાનામોટા મનૂનાઓ તો જોવા મળવાના જ. મંદિરોની રચનાએ તથા વિશાળતાએ નહિ, પરંતુ એ શ્રદ્ધાભક્તિએ જ મંદિરો સજીવ ને સમર્થ બનાવ્યાં છે. દેશની એકતાની અભિવૃદ્ધિ કરવામાં તેમજ એ એકતાને અવિભાજ્ય બનાવવામાં પણ મંદિરો તથા તીર્થોએ કાંઈ ઓછો ભાગ નથી ભજવ્યો. દેશની રાષ્ટ્રીય ને સાંસ્કૃતિક અસ્મિતાને અકબંધ રાખવામાં એમનો ફાળો મહત્વનો છે. એમણે દેશની મોટી સેવા કરી છે. એમની આગળ જાતિ, ધર્મ, વય કે વિદ્યાના ભેદ ગૌણ બન્યા છે. એમની આ રચનાત્મક બાજુને ખાસ લક્ષમાં લેવાની છે.
શીખોના ગુરુ રામદાસના વખતમાં રાજા રણજીતસિંહના શાસન દરમિયાન એ સુંદર મંદિરની સ્થાપના કરવામાં આવેલી. મંદિર વિશાળ પણ એટલું જ છે. એની આજુબાજુ જે સરસ સરોવર છે તેને લીધે એ વધારે સુંદર લાગે છે. અંદર ‘ગુરુ ગ્રંથસાહબ’માંથી પાઠ થાય છે, ગીત ગવાય છે. ભાવિક લોકો એનો લાભ લે છે.
એ મંદિરની પ્રતિમૂર્તિ જેવું જ બીજું મંદિર કોઈ હિંદુ ધર્મપ્રેમી ધનિકે સુવર્ણમંદિરથી થોડે દૂર બાંધ્યું છે. તેને દુર્ગાના કહે છે. તે પણ જોવા જેવું છે. ત્યાં બીજા મંદિરોની સાથે દુર્ગાનું મંદિર તથા તળાવ છે.
સુવર્ણમંદિરમાં દીન, દુઃખી ને ક્ષુધાર્તજનો માટે ખાસ વ્યવસ્થા છે. ત્યાં મફત ભોજન આપવામાં આવે છે. એવી વ્યવસ્થા શીખોના લગભગ પ્રત્યેક ગુરુદ્વારામાં જોવા મળે છે. જેમને તેની આવશ્યકતા હોય છે તેઓ તેનો લાભ લેતા હોય છે. શીખ ગુરુઓએ શૂરવીરતાની સાથે શુદ્ધિ, સંયમ તથા સેવાભાવનો સંદેશ પણ પૂરો પાડ્યો છે. ‘સેવાભાવ’ના એ લોકપયોગી સંદેશને ઝીલવાનો એવી રીતે ત્યાં પણ પ્રયત્ન થાય છે, એ જોઈને તુલસીદાસજીની પ્રસિદ્ધ પંક્તિઓ સહજપણે યાદ આવી જાય છે :
"તુલસી ઈસ સંસાર મેં કર લીજે દો કામ :
દેને કો ટુકડો ભલો, લેને કો હરિનામ."
દયાધર્મ અને ઈશ્વરનું ભક્તિપૂર્વકનું નિરંતર નામસ્મરણ : ધર્મના એ મુખ્ય હાર્દને એ સંતપુરુષે એવી રીતે સરળ અને લોકભોગ્ય ભાષામાં વહેતું કર્યું છે. ગુરુ નાનકદેવે પણ એ સર્વોપયોગી સંદેશ પૂરો પાડ્યો છે. જે કામ કરે તે જ ખાય એ વાત એમને ઝાઝી અસર નથી કરી શકી. સંસારમાં એવા માણસો પણ છે, જેઓ અપંગ હોવાથી કામ નથી કરી શકતા. બીજા એવા પણ છે, જેમને પ્રયત્ન કરવા છતાં કામ નથી મળતું. કોઈ કુદરતી કે બીજા કોઈ કોપનો ભોગ બન્યા છે, તેથી લાચાર ને નિરાધાર છે. એમને મદદ કરવી એ સમજુ માણસનો ધર્મ છે. એવી મદદ અનિવાર્ય ને ઉપયોગી છે. કેટલીકવાર માણસો વખાના માર્યા, નિરૂપાયે, જીવનને ટકાવી રાખવાનો આધાર લેતા હોય છે. એવા માણસો તરફ સહાનુભૂતિથી જોવાની દૃષ્ટિ કેળવવી જ જોઈએ. સંતોએ તો રામનામ લેવાને પણ કામ જ માન્યું છે, અને તેમણે જરૂર હોય તેમને ભોજન પૂરું પાડવાને કર્તવ્ય ગણ્યું છે.
શીખ ગુરુઓનો ઈતિહાસ ઘણો જ મૂલ્યવાન અને પ્રેરણાપ્રદ છે. પ્રજાને શક્તિશાળી, બહાદુર અને સેવાપરાયણ બનાવવામાં એમણે કીમતી ફાળો આપ્યો છે એ હકીકતની નોંધ લીધા વિના ચાલે તેમ નથી. સુવર્ણમંદિરમાં ફરતી વખતે એ આખોય ઈતિહાસ અમારી દૃષ્ટિ સામે તરવરવા લાગ્યો. એ પ્રતાપી ગુરુઓને અમે મનોમન પ્રણામ કર્યા.
કંપની બાગ : અમૃતસરના કંપની બાગની મુલાકાત જરૂર લેવા જેવી છે. એને જોઈને આશ્ચર્ય થયા વિના નથી રહેતું. એની વિશાળતાને લીધે કે બીજા ગમે તે કારણે કહો, પણ તેની માવજતનું ધ્યાન જોઈએ તેટલું નથી રખાતું એ હકીકત છે. તેમ છતાં એ આખોય બાગ પ્રવાસીઓ માટે રસપ્રદ ને આકર્ષણનું કેન્દ્ર તો બની જ રહે છે. બાગની અંદર ઠેકઠેકાણે કેટલાય ભાગોમાં પહોળા તથા લાંબા પાકા રસ્તા બાંધેલા છે એ એની વિશેષતા છે. એ રસ્તાઓ દ્વારા શહેરના વિભિન્ન ભાગોમાં પહોંચી શકાય છે.
રામતીર્થની જગ્યા : રામતીર્થ સ્થાન તદ્દન એકાંત છે. ત્યાં વિશેષ વસતિ કે ગામ નથી. વચ્ચે વિશાળ તળાવ છે અને એની આજુબાજુ છે ખૂબ જ નાનાં થોડાંક દેવસ્થાનો. કોઈ જાતનું વિશેષ કુદરતી સૌન્દર્ય પણ અહીં નથી દેખાતું. આજુબાજુની બધી જમીન પણ ઉજ્જડ જેવી છે. તુલસીકૃત રામાયણમાં વાલ્મીકિ મુનિની વાત આવે છે. અયોધ્યાકાંડમાં કરાયેલા ઉલ્લેખ પરથી જાણવા મળે છે કે, અયોધ્યાકાંડમાંથી વનવાસ માટે નીકળ્યા પછી રામ, લક્ષ્મણ અને સીતા ત્રણે મહર્ષિ વાલ્મીકિના આશ્રમે ગયાં હતાં. મહર્ષિએ જ તેમને તેમના નિવાસ્થાન તરીકે ચિત્રકૂટને પસંદ કરવાની સૂચના કરેલી. તે પછી શ્રી રામચંદ્રજી ચિત્રકૂટ ગયેલા. અયોધ્યાથી પ્રયાગરાજ તથા ચિત્રકૂટના માર્ગમાં જ વાલ્મીકિ મુનિનો આશ્રમ હતો એ સુવિદિત છે. લવ-કુશનો જન્મ પણ ત્યાં જ થયેલો. અહીંના રામતીર્થ સાથે એમના જન્મની કથા કેવી રીતે જોડાઈ ગઈ તે તો કથા કહેનારા જ કહી શકે.
જલિયાંવાલા બાગ: અમૃતસરનો જલિયાંવાલા બાગ એક ચિરસ્મરણીય સ્થળ છે. તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખવામાં આવ્યું છે. ઈ.સ. ૧૯રપમાં રોલેટ ઍક્ટ પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે બ્રિટિશ સરકારે કરવા ધારેલા એ કાયદાની વિરુદ્ધમાં ભારતના ખૂણેખૂણેથી વિરોધનો વંટોળ ઊઠ્યો. અમૃતસર જેવું પંજાબનું પ્રમુખ સ્થળ પણ એમાંથી બાકાત કેવી રીતે રહી શકે ? અહીંના વિશાળ જલિયાંવાલા બાગમાં વિશાળ સભાનું આયોજન થયું. તે વખતે એકઠી થયેલી શસ્ત્રવિહીન જનતા પર બ્રિટિશ અમલદાર જનરલ ડાયરની સૂચનાથી ગોળીઓની ઝડી વરસી. એમાં કેટલાય માણસો મૃત્યુ પામ્યા ને કેટલાય ઘાયલ થયા. એ ગોળીઓનાં નિશાન આજે પણ બાગની દીવાલ પર જોઈ શકાય છે. એ અમાનુષી કૃત્યના વિરોધમાં આખા દેશે એકીસ્વરે અવાજ ઊઠાવ્યો હતો.
જલિયાંવાલા બાગના પ્રવેશદ્વાર પાસે દીવાલ પર નોંધ કરી છે કે, આ માર્ગે થઈને જનરલ ડાયરે બાગમાં પ્રવેશ કરેલો; તો અંદરના એક લેખમાં એના ક્રૂર કૃત્યની કહાણી રજૂ કરવામાં આવી છે. એ ગોળીબાર કોઈ એક જાતિ પર નહિ, પરંતુ સ્ત્રી, બાળકો અને બધી જ જાતિના પ્રતિનિધિઓ પર કરવામાં આવેલો. દેશની એ વખતની એકતા અને આત્મબલિદાનની ભાવના કેટલી બધી પ્રબળ હતી તેનો ખ્યાલ તથા દેશની આઝાદીની લાંબી લડતમાં કેવી રીતે આફતો આવી અને કેવી કેવી કુરબાનીઓ કરવી પડી તેનો આછોપાતળો ચિતાર પણ તેના પરથી મળી રહે છે. રાષ્ટ્રભક્તિ, અંતરંગ એકતા, ને ત્યાગની ભાવના કોઈ પણ દેશની મુખ્ય શક્તિઓ છે. એ ત્રણે બાબતમાં આઝાદી પછી આજે આપણે ક્યાં ઊભા છીએ તેનો એ સ્થળે વિચાર કરતાં હૈયું હાલી ઊઠ્યું ને કાળજામાં કરુણા ફરી વળી.