જે સ્થળનું વર્ણન અહીં કરી રહ્યો છું તે જ્વાલામુખીનું સ્થાન પંજાબમાં જ નહિ, દેશભરમાં પ્રખ્યાત છે. પરદેશી પ્રવાસીઓ પણ એના મહિમાથી આકર્ષાઈને એનું અવલોકન કરવા માટે અવારનવાર આવ્યા કરે છે. એ દૃષ્ટિએ જોતાં એની સુવાસ પરદેશ સુધી પહોંચી ગઈ છે. એ એક મોટું તીર્થસ્થાન ગણાય છે. વરસોથી મેં એના સંબંધી અનેક પ્રકારની કથાઓ સાંભળેલી ત્યારથી દિલ એના તરફ ખેંચાયલું તો ખરું જ. છેવટે એની મુલાકાત લેવાનો યોગ પણ આ વખતની અમારી પંજાબની યાત્રા દરમિયાન પ્રાપ્ત થયો.
કપુરથલામાં સનાતન ધર્મસભાના શાંત અને સુંદર સ્થળમાં રહેવાનો અવસર આવ્યો ત્યારે જ્વાળામુખીની યાત્રાનો માર્ગ સરળ થયો. જ્વાળામુખી કપુરથલાથી લગભગ ૯0-૯પ માઈલ દૂર છે. કપુરથલાથી જલંધર, જલંધરથી હોંશિયારપુર અને ત્યાંથી મોટરમાર્ગે જ્વાલામુખી સ્થળે જઈ શકાય છે. હોશિયારપુરથી આગળનો માર્ગ જંગલ તથા પર્વતીય પ્રદેશમાંથી પસાર થાય છે. એને શિવાલિક હીલ્સ કહેવામાં આવે છે. સુંદર લીલાછમ ખેતરો અને પર્વતમાળા પરથી પસાર થતી વખતે અંતર અનેરા આનંદનો અનુભવ કરે છે. રસ્તામાં નાનાંનાનાં પર્વતીય ગામો પણ આવે છે. એવા જ એક ગામમાં ચિત્તપૂર્ણી દેવીનું મંદિર છે. એ મંદિરની પ્રસિદ્ધિ પણ ઘણી છે. નાના છોકરાઓના વાળ ઊતારવાની બાધા પૂરી કરવા ત્યાં કેટલાય લોકો ભેગા થાય છે. દેવીનું નામ જ ચિત્તપૂર્ણી છે, એટલે બધા પ્રકારની ચિંતા અને ઈચ્છાઓથી પ્રેરાઈને ચિત્તની સંતૃપ્તિ માટે લોકો એનું શરણ લે છે.
ચિત્તપૂર્ણી દેવીના સ્થળથી પર્વતીય પ્રદેશમાં થોડેક આગળ વધીએ છીએ એટલે સુંદર પર્વતમાળાની વચ્ચે ઊંચાઈ પર ગામ અને મંદિર આવે છે. એ જ સ્થળ જ્વાલામુખી છે. જ્વાલામુખી ગામ પણ છે અને મંદિર પણ છે. નાનાસરખા મંદિરમાં સુવર્ણના બે મોટા વાઘ છે. મંદિરનું સુવર્ણશિખર રાજા રણજિતસિંહે તૈયાર કરાવેલું એમ કહેવાય છે. મંદિરમાં એક બાજુ જમીનમાંથી નિરંતર નીકળતા પાણીનો કુંડ છે, જ્યારે બીજી બાજુ મંદિરની અંદરના ભાગમાં જ્વાળા-દર્શન થાય છે. જમીનની અંદરના ભાગમાંથી જ્વાળાઓ નીકળે છે અને ઉપરની ફરતી દીવાલ પર પણ ત્રણ ઠેકાણે જ્વાળાઓ દેખાય છે. જ્વાળાઓ નાની છતાં આકર્ષક અને સ્થિર છે. ઉપર ગોરખનાથની ગુફા જેવી જગ્યા છે. એમાં પણ એક બાજુ જ્વાળાનું દર્શન થાય છે.
મંદિરમાં જમણા હાથ તરફ એક બીજું સ્થલ છે. ત્યાં અકબર બાદશાહે દેવીના મહિમાથી મંત્રમુગ્ધ થઈને દેવીને અર્પણ કરેલું છત્ર છે. કહે છે કે, અકબરે મંદિરની કુદરતી રીતે જલતી જ્યોત પર પાણી નાખ્યું છતાં એ જ્યોત ના તો ઓલવાઈ કે ના જરા પણ મંદ પડી. એટલે અત્યંત પ્રભાવિત થઈને એણે પોતાના ઐશ્વર્યનું પ્રદર્શન કરવા દેવીને સોનાનું છત્ર ચઢાવ્યું. એને એમ હતું કે મારા જેવું કીમતી છત્ર બીજું કોણ ચઢાવે તેમ છે. પરંતુ એના ગર્વનું ખંડન કરવાની દેવીની ઈચ્છા હોય તેમ, એ આંખુંયે છત્ર સોનાનું મટી ગયું. એ અત્યંત ભારેખમ છત્ર કઈ ધાતુનું છે તેની સમજ નથી પડતી. ગર્વના પ્રતીક જેવું એ છત્ર આજે પણ ત્યાં પડી રહ્યું છે.
જ્વાલામુખીમાં મંદિરના માર્ગ પર જે સુંદર ધર્મશાળા છે તેની બહાર રસ્તા પર એક સંતપુરુષનો ભેટો થઈ ગયો. તેઓ યુવાન ને તેજસ્વી હતા. તેમણે જેવાં સફેદ વસ્ત્રો પહેરેલાં એવું જ નિર્મળ તેમનું અંતર હતું, એવી છાપ એમને જોતાંવેંત જ પડ્યા વિના ના રહી. અમારામાનાં એક પંજાબી ભાઈએ પૂછયું : ‘બાબા, કહાં સે આ રહે હૈ ?’
બાબાએ સુમધુર સ્મિત કરીને કહ્યું : ‘સારા સંસાર એક પરમાત્મા કે પાસ સે હી આતા હૈ. મૈં ઉસ મેં અપવાદરૂપ કૈસે હો સકતા હૂં ?’
‘મૈં પૂછના ચાહતા થા કિ આપ પંજાબી હૈ, બંગાલી, યા બિહારી ?’
બાબા ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા : ‘તુમ્હારે મન મેં ઐસે હી સંકુચિત પ્રશ્ન ક્યોં પેદા હોતે હૈં ? ઉન સે તુમ્હેં ક્યા લાભ હો સકેગા ? પંજાબી, બંગાલી યા બિહારી કી અપેક્ષા અપને કો ભારતીય માનના ઔર કહના હી અચ્છા હૈ. મૈ ઐસા હી માનતા હૂં.’
પંજાબી ભાઈની ધર્મપરાયણ પત્નીએ પૂછ્યું : ‘બાબા, ક્યા ભગવતી દર્શન દેતી હૈં ?’
‘અવશ્ય દેતી હૈં.’ બાબાએ ઉત્તર આપ્યો : ‘.....લેકિન દર્શન કો ચાહતા હૈ કૌન ? દર્શન કે લિયે દિલ મેં સે રોના ચાહિયે. જૈસે બચ્ચા રોતા હૈ, ઉસી પ્રકાર રોને લગો તો માતા દૂર નહીં રહેગી. લોગ ધન કે લિયે રોતે હૈં, સંતાન કે લિયે રોતે હૈ, અપને રિશ્તેદાર કી મૃત્યુ પર રોતે હૈં, દુઃખ, મુસીબતેં ઔર ઘાટા પડને પર રોતે હૈં, ફિર દર્શન કૈસે હો સકેગા ?’
મને શ્રી રામકૃષ્ણ પરમહંસદેવનાં વચન યાદ આવ્યાં. એમણે પણ પોતાના વાર્તાલાપમાં એવું જ કહ્યું છે ને !
અમારી સાથેના કપુરથલાની સનાતન ધર્મસભાના કાર્યકરે પૂછયું : ‘સંસાર મેં ઈતની બુરાઈયાં બઢ રહી હૈં, ઉનકા ઈલાજ ક્યા ?’
‘ઈલાજ ? તુમ્હારા કામ અપને અંદર કી બુરાઈકો મિટાને કા હૈ. ભીતર કી બુરાઈ કો મિટાને સે બાહર કી બુરાઈ કો મિટાને કા માર્ગ અપને આપ મિલ જાયેગા. કેવલ દોષદર્શન કરને સે કુછ ભી નહીં હોગા.’
‘ઉસકા અર્થ ઐસા સમજના ચાહિયે કિ બાહર કી સેવા નિરર્થર હૈ !’
‘મૈંને ઐસા નહીં કહા. અપની અપની બુદ્ધિ ઔર શક્તિ કે અનુસાર સમાજ કી બાહર કી સેવા કરને મેં દોષ નહીં હૈ, લેકિન બાહરી સેવા કે નશે મેં પડકર ભીતર કી વ્યક્તિગત સેવા કો નહીં ભૂલના ચાહિયે. મેરે કહેને કા તાત્પર્ય ઉતના હી હૈ.’
કોઈએ એક બીજો પ્રશ્ન પૂછી કાઢ્યો : ‘ઈસ યુગ મેં જીવન કે શ્રેય કે લિયે કૌન સી સાધના કરની ચાહિયે ?’
બાબા બોલ્યા : ‘સભી યુગોં મેં સાધના તો એક સી હી હૈ. મન કો જિતના, હો સકે ઉતના નિર્મલ કરના ઔર ઈશ્વર મેં મન લગાના. ઈશ્વર મેં મન લગાને સે શાંતિ મિલેગી; ઔર મન જિતના ભી નિર્મલ બનતા જાયેગા, ઉતના હી ઈશ્વર મેં અધિક સુભીતે સે લગ સકેગા. ઉસ કે સાથસાથ અપને કર્તવ્યોં કે અનુષ્ઠાન મેં ભી પ્રમાદ નહીં કરના ચાહિયે.’
સંતપુરુષોએ ઠીક કહ્યું છે કે, સાધુપુરુષો જ તીર્થને તીર્થરૂપ બનાવે છે. તીર્થોની યાત્રા એમના સત્સંગથી મંગલંય બની જાય છે.
જ્વાલામુખીનું બજાર સ્વચ્છ અને મોટું છે. ચારે બાજુની પર્વતમાળાએ એ પ્રદેશને ઘેરી લીધો છે. આગળ જતાં મંદિરોની આગવી શિલ્પકળા માટે પ્રખ્યાત કાંગડાનો પ્રદેશ શરૂ થાય છે. ધર્મશાળાના હીલ સ્ટેશને પહોંચવાનો રસ્તો પણ અહીં થઈને જ આગળ વધે છે. જ્વાલામુખીના મંદિરની નીચેનો ભાગ ગૅસથી ભરેલો હોવાથી જ જ્વાળા સળગે છે અને એમાં ચમત્કારિક કે આશ્ચર્યજનક કશું જ નથી, એવું સ્પષ્ટીકરણ વાંરવાર કરવામાં આવ્યું હોવા છતાં, પ્રજાને માટે તો એનું આકર્ષણ આજે પણ એવું જ અસાધારણ છે.