જ્વાલામુખીથી મોટરમાર્ગે પર્વતોમાં થઈને કાંગડા જવાય છે. જ્વાલામુખી જવાનો એક બીજો માર્ગ પણ છે. તે રસ્તો રેલ્વેનો છે. અમૃતસરથી પઠાણકોટ થઈને જતાં પઠાણકોટથી વૈજનાથ-પપરોલા જતી ટ્રેનમાં જ્વાલામુખી રોડ સ્ટેશન આવે છે. ત્યાંથી મોટર દ્વારા લગભગ ૧3 માઈલ જતાં જ્વાલામુખી મંદિર આવે છે. કાંગડા પઠાણકોટથી લગભગ પ૯ માઈલ દૂર છે. ત્યાંથી એક માઈલ દૂર કાંગડા મંદિર સ્ટેશન છે. ત્યાંથી કાંગડાનું મંદિર દોઢેક માઈલ દૂર છે, ને પગે ચાલીને જઈ શકાય છે. કાંગડા સ્ટેશનથી મંદિર જવા મોટરો મળી શકે છે. મંદિર પાસે રહેવાની ધર્મશાળા છે.
કાંગડાનું મંદિર સુંદર બાંધણી માટે વખણાય છે. ઘણા લોકો તેને જોવા આવે છે. ત્યાંના મહામાયાના મંદિરને વજ્રેશ્વરી કહેવામાં આવે છે. એનું બીજું નામ વિદ્યેશ્વરી પણ છે. એકાવન શક્તિપીઠોમાં એની ગણના છે. મંદિરમાં દેવીની સામે રજતપીઠ પર યંત્ર છે. ત્યાં વરસમાં બંને નવરાત્રીઓ દરમિયાન ઘણા લોકો ભેગા થાય છે ને મેળો ભરાય છે.
ધર્મશાળાનું હવાખાવાનું પ્રસિદ્ધ સ્થળ કાંગડાથી ૧3 માઈલ જેટલું દૂર છે. ત્યાં કાંગડાથી મોટર દ્વારા એકાદ માઈલ દૂર ભાગસૂનાથ મહાદેવનું મંદિર છે. શિવરાત્રીને દિવસે ત્યાં મેળો ભરાય છે.