રિબાલસર : રિબાલસરનું બીજું નામ રેવાસર પણ છે. એના નામ પરથી સૂચિત થાય છે તે પ્રમાણે, ત્યાં એક મોટું સરોવર છે. એની બાજુમાં માનીપાની નામે બૌદ્ધ મંદિર છે. એની બાજુમાં એક ધર્મશાળા તેમ જ લક્ષ્મીનારાયણ, શંકર ને મહર્ષિ લોમશનું મંદિર છે.
સરોવરમાં જમીનના સાત તરતા ટુકડા છે. તેમાંનાં વૃક્ષો પર મૂર્તિઓ છે. તે ટુકડાઓને કિનારે લાવીને યાત્રીઓને દર્શન કરાવવામાં આવે છે. સરોવરની એક બાજુએ ગુરુદ્વારા છે. ત્યાં ધાર્મિક શ્રદ્ધાનો જાણે કે ત્રિવેણીસંગમ થયો છે.
મહર્ષિ લોમશની તપોભૂમિ ઉપરાંત, એ ગુરુ ગોવિંદસિંહની પણ સાધનભૂમિ મનાય છે. એ સ્થાન જ્વાલામુખીથી પપ માઈલ દૂર છે. મંડીથી તે ૧પ માઈલ દૂર છે. મંડી શહેરથી ત્યાં જવા માટે સાધનો મળી શકે છે. ત્યાં રહેવા માટે ધર્મશાળાની વ્યવસ્થા છે.
કુલ્લુ : અમૃતસરથી પઠાણકોટ થઈને યોગીન્દ્રનગર સુધી ટ્રેનમાં જઈને, ભૂમંતર સુધી મોટર દ્વારા જઈ શકાય છે. ત્યાંથી છ માઈલનો પાકો રસ્તો મોટર દ્વારા કાપતાં, બિયાસ નદીના તટ પર વસેલું કુલ્લુ શહેર આવે છે. પઠાણકોટથી તે ૧૭પ માઈલ દૂર છે. પઠાણકોટથી ત્યાં જવા માટે મોટર પણ મળે છે, જે મંડી થઈને કુલ્લુ જાય છે. કુલ્લુમાં રામચંદ્રજીનું મંદિર, ધર્મશાલા, બજાર, પોસ્ટઑફિસ અને પોલીસચોકી છે.
કુલ્લુ શહેર સમુદ્રસપાટીથી ૪,૭00 ફૂટ ઊંચું હોવાથી ઘણું રમણીય લાગે છે. હિમાચ્છાદિત પર્વતો એને આજુબાજુથી વીંટળાઈને એની શોભામાં વધારો કરે છે. વિજયાદશમી પર્વે ત્યાં દશ દિવસનો મેળો ભરાય છે ત્યારે આજુબાજુના પર્વતીય પ્રદેશની પ્રજા ઉમંગથી ભેગી થાય છે.
ઘણા લોકો ત્યાંના કુદરતી સૌન્દર્યથી આકર્ષાઈને ત્યાં હવા ખાવા જાય છે. કુલ્લુ ખીણનું છેલ્લું બસ-સ્ટેશન મનાલી છે. ત્યાંથી દોઢેક માઈલ દૂર વશિષ્ઠાશ્રમ છે. ત્યાં મહર્ષિ વશિષ્ઠની મૂર્તિ, શ્રીરામજી મંદિર અને ગરમ પાણીના ત્રણ કુંડ છે. ત્યાંનો પ્રદેશ મહર્ષિ ધૌમ્યનો તપસ્યા-પ્રદેશ ગણાય છે.
નૃમુંડ : નૃમુંડ, સિમલાથી તિબેટ જતા માર્ગે મોટરમાં ૯0 માઈલ જતાં રામપુર ખુશહર સ્થાનથી સતલજ પાર કરીને સાતેક માઈલ આગળ જતાં આવે છે. ત્યાં અંબિકા દેવીનું મંદિર તથા ધર્મશાળા છે. કહે છે કે, ત્યાં પરશુરામે તપ કરીને દેવીની સ્થાપના કરેલી. એ સિદ્ધપીઠ મનાય છે.
શહેરમાં લક્ષ્મીનારાયણ, ચંડીદેવી, ઈશેશ્વવર મહાદેવ તેમ જ વિશ્વેશ્વરનાં તથા બીજાં મંદિર છે. ત્યાંની એક ગુફામાં પરશુરામની રજતમૂર્તિ છે. ગુફાની આગળ મંદિર છે. બહાર હિડિંબાની વિકરાળ મૂર્તિ છે.
નૃમુંડથી ચારેક માઈલ દૂર માર્કંડેય મુનિનો આશ્રમ છે. શહેરથી બે માઈલ પરની પર્વતીય ગુફામાંની અંધારી કંદરામાં પથ્થર નાખવાથી ડમરુ વાગતું હોય એવો અવાજ સંભળાય છે. ગુફામાં શંકર ભગવાનના લિંગ પર આપોઆપ જલબિંદુ પડ્યાં કરે છે. અંદર હનુમાનજી તથા પર્વતની પ્રતિમા પણ જોઈ શકાય છે.