શ્રીમદ્ ભાગવતમાં ગોપીગીતના વર્ણનમાં ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણને કહે છે :
जयति तेङधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि ॥
"હે પ્રભુ, તમારા જન્મથી વ્રજની ભૂમિનો જયજયકાર થઈ ગયો છે. તે ભૂમિ તમારા અલૌકિક અવતરણથી વિજયવતી તથા સુશોભિત બની ગઈ છે, ને લક્ષ્મીદેવીનો કાયમનો વાસ થયો છે."
એ શબ્દો શ્રીરામના સંબંધમાં પણ લાગુ પાડી શકાય છે કે, એમના જન્મથી અયોધ્યાની ભૂમિ પણ વધારે મહિમાવંતી બની છે. મહાપુરુષો જ્યાં જન્મે છે તે ભૂમિને વધારે ગૌરવવંતી કરે છે. એ ગૌરવ દેશ તથા કાળની અસરથી અતીત હોઈ કાયમને માટે જીવંત રહે છે. એ વાતની પ્રતીતિ કરાવતાં ભાવિક સ્ત્રીપુરુષોનાં ટોળાં આજે પણ અયોધ્યાના દર્શન માટે ઊમટે છે, ને રામચંદ્રજીની ધૂન બોલાવતાં, સીતારામનો જયજયકાર કરતાં અયોધ્યાના માર્ગો પર ફરી વળે છે. અયોધ્યામાં પ્રવેશતાંવેંત, રામ-સીતાએ લોકહૃદયમાં જે સ્થાન જમાવ્યું છે એનો પરિચય થાય છે.
મહાકવિ કાલિદાસે એમના મહાકાવ્ય ‘રઘુવંશ’માં રઘુકુળના રાજાઓનું રસમય વર્ણન કર્યું છે. અયોધ્યા એ પ્રતાપી રાજાઓની રાજધાનીનું નગર હતું. એની શોભા અને સમૃદ્ધિ અપાર હતી. ઈક્ષ્વાકુ, દીલીપ અને અજ જેવા ચક્રવર્તી રાજાઓએ અયોધ્યાને સંપત્તિમાં સ્વર્ગ સમાન કરી દીધેલી. શ્રીરામનો જન્મ થવાથી એ ખૂબ જ મહિમાવંતી બની ગઈ. એમ, એને ભારતની મોક્ષ આપનારી સાત પ્રધાન પુરીઓમાં સ્થાન મળ્યું. ભારતનાં લોકપ્રિય તીર્થધામોમાં એની આગળ પડતી ખાસ ગણના થવા લાગી. કહે છે કે, ભગવાન રામના સ્વધામગમન વખતે અયોધ્યાના નાનામોટા બધા જ જીવો એમની સાથે દિવ્યધામમાં જવાથી, અયોધ્યાપુરી વેરાન બની ગઈ, એટલે રામના પુત્ર કુશે એને ફરી વસાવી.
એ વાતને પણ લાંબો વખત વીતી ગયો. કાળદેવતાના દરબારમાં કશું એકસરખું નથી રહેતું. એમાં પરિવર્તન પર પરિવર્તન થયા જ કરે છે. મોટાંમોટાં સામ્રાજ્યોનો ઉદય અને અસ્ત થયા કરે છે, તો પછી સામાન્ય કે અસામાન્ય એવાં શહેરોનું તો પૂછવું જ શું ? સર્જન-વિસર્જનની સોગઠાંબાજી રમતો કાળદેવતા પોતાનું કામ કર્યા જ કરે છે. અયોધ્યાપુરી પણ એનાથી અસ્પૃશ્ય કેવી રીતે રહી શકે ? કહે છે કે, એકવાર પરદુઃખભંજન રાજા વીર વિક્રમાદિત્ય સંજોગોવશાત્ ફરતાં ફરતાં અહીં સરયૂ નદીના તટ પર આવી પહોંચ્યા. એમની સેનાએ ત્યાં મુકામ કર્યો. એ વખતે ત્યાં જંગલ હતું. મહારાજને એ ભૂમિમાં રસ પડ્યો. ત્યાં રહેતા કેટલાક સિદ્ધપુરુષો દ્વારા એમને જાણવા મળ્યું કે એ ભૂમિ પ્રાચીનકાળમાં અયોધ્યાની ભૂમિ હતી. એ સિદ્ધપુરુષોની સૂચના પ્રમાણે રાજાએ ત્યાં મંદિરની રચના કરીને જળાશયો બંધાવ્યા. એ દૃષ્ટિએ જોતાં આજની અયોધ્યાપુરી રાજા વિક્રમાદિત્યે બંધાવેલી છે. આક્રમણકારી અને અધર્મી માનવોએ આજ સુધી અનેકવાર એનો નાશ કર્યો છે. એથી એણે ઘણું સોસવું પડ્યું છે. તેમ છતાં મૃત્યુંજય બનીને એ સૌની સામે સ્મિત કરતી આજે પણ ઊભી છે. એની રચના બદલાતી રહી છે, પરંતુ એની ભૂમિ અને એમાં પ્રવાહિત સરયૂ તો એની એ જ છે.
શ્રીરામને એમના જીવનકાળ દરમિયાન વાનરોએ ઘણી મદદ કરેલી, એ હકીકતનું સ્મરણ કરાવતા હોય તેમ અયોધ્યામાં ઘણા વાનરો છે. એમનાથી સુરક્ષિત રહેવા માટે દુકાનો તથા મકાનો પર જાળીઓ રાખવામાં આવે છે. સરયૂતટે પણ વાનરો ફર્યા કરે છે. નદીમાં સ્નાન કરવા જાઓ ને જરાક ગફલતમાં પડો તો તે કપડાં લઈને નાસી જાય. અમારું કપડું લઈને એક વાંદરું એવી રીતે જ સરયૂતટના એક વૃક્ષ પર ચઢી ગયેલું. એની આગળ ચણા નાખ્યા ત્યારે જ એણે રાજી થઈને કપડું છોડી દીધું.
અયોધ્યામાં સરયૂ નદીનો પટ ઘણો નયનાભિરામ ને વિશાળ છે. તટ પર કેટલાંક મંદિરો છે. એથી એની શોભામાં વધારો થાય છે.
અયોધ્યાની પુણ્યભૂમિમાં જેમ રામ, સીતા ને હનુમાનની સ્મૃતિ તાજી થાય છે તેમ, એમના એકનિષ્ઠ ભક્ત તુલસીદાસ પણ દૃષ્ટિ સમક્ષ હાજર થાય છે. શ્રીરામની પ્રેમભક્તિમાં તરબોળ બની એમની સાથે એ એકાકાર થઈ ગયા હતા. પોતાના જીવનના ઉત્તરાર્ધનો બહુમૂલ્ય વખત એમણે અહીં વિતાવેલો અને એમના અમર ગ્રંથ રામાયણની રચના પણ આ જ પુણ્યભૂમિમાં રહીને એમણે કરેલી. રામાયણમાં મુખમાં એમણે જે શબ્દો મૂક્યા છે તે અયોધ્યા પ્રત્યેના એમના પ્રેમ ને ભક્તિભાવનો પડઘો પાડે છે :
જદ્યપિ સબ વૈકુંઠ બખાના, વેદપુરાનવિદિત જગુ જાના;
અવધપુરી સમ પ્રિય નહીં સોઊ, યહ પ્રસંગ જાનઈ કોઉ કોઊ;
"વેદ ને પુરાણ તથા જગતમાં સૌએ વૈકુંઠને વખાણ્યું છે ને શ્રેષ્ઠ માન્યું છે, તોપણ એ વાતની ખબર કોઈકને જ છે કે વૈકુંઠ મને અયોધ્યા જેવું વહાલું નથી."
ઉપરાંત, શ્રી તુલસીદાસે અયોધ્યાનગરીનું પરમ મહાત્મ્ય આ રીતે ગાયું છે :
અવધપ્રભાવ જાનઈ તબ પ્રાની, જબ ઉર બસહિં રામ ધનુપાની;
કવનિઉ જનમ અવધ બસ જોઈ, રામપરાયન સો પરિ હોઈ.
"ધનુર્ધારી રામ જ્યારે હૃદયમાં વાસ કરે છે ત્યારે જ જીવ અયોધ્યાના પ્રભાવને જાણી શકે છે. કોઈ પણ જન્મમાં અયોધ્યામાં રહેનાર વ્યક્તિ રામપરાયણ બની જાય છે."
સંત તુલસીદાસે એ શબ્દોમાં જરૂરી સંકેત પણ કરી લીધો છે કે, અયોધ્યામાં રહીને રામપરાયણ બનવું, રામના ચરણમાં પ્રેમ કરવો એ જ કરવા જેવું કર્તવ્ય છે. તીર્થોની યાત્રાનું ફળ એ જ છે કે, જીવ પરમાત્મામાં પ્રીતિ કરે. અયોધ્યામાં રહીને પણ જેના હૃદયમાં રામની મંગલ મૂર્તિ નથી વસી તેનો અયોધ્યાવાસ નિષ્ફળ છે. એ શબ્દોના મર્મને સમજીને અયોધ્યામાં આવનારે જીવનને ઈશ્વરપરાયણ બનાવવાનું વ્રત લોવાનું છે.
દર્શનીય સ્થળો : અયોધ્યા ઉત્તરપ્રદેશનાં બનારસ, લખનૌ, પ્રયાગ, ગયા ને ગોરખપુર સાથે પાકી સડકથી સંકળાયેલું છે. એનાં જોવા જેવાં સ્થળોમાં લક્ષ્મણઘાટ, સ્વર્ગદ્વાર, નયાઘાટ અને અહલ્યાબાઈઘાટ જેવા થોડાક ઘાટ છે. લક્ષ્મણઘાટના મંદિરમાં પાંચેક ફૂટ ઊંચી લક્ષ્મણજીની મૂર્તિ છે. સ્વર્ગદ્વારની બાજુમાં નાગેશ્વરનું મંદિર છે, જેની માહિતી મેળવીને રાજા વિક્રમાદિત્યે અયોધ્યાને ફરી વસાવી, એવી કથા પણ પંડાઓ તરફથી કહેવામાં આવે છે. યાત્રી ત્યાં પિંડદાન કરે છે. અહલ્યાબાઈઘાટથી થોડે દૂર ત્રેતાનાથજીનું મંદિર છે, જેમાં શ્રીરામ ને સીતાજીની મૂર્તિનું દર્શન થાય છે. નયાઘાટની બાજુમાં સંત તુલસીદાસજીનું મંદિર છે, અને થોડેક દૂર મહાત્મા મનીરામનો આશ્રમ છે.
એ ઉપરાંત, બીજાં દર્શનીય સ્થળોમાં મણિપર્વત, જન્મસ્થાન, કનકભવન, હનુમાનગઢી વગેરે છે. મણિપર્વત અયોધ્યાના સ્ટેશનની પાસે અને તુલસીચૌરાથી એકાદ માઈલ દૂર આવેલી ટેકરી છે. એના પર મંદિર છે. સમ્રાટ અશોકના ર00 ફૂટ ઊંચા સ્તૂપનો અવશેષ પણ ત્યાં જોવા મળે છે. કનકભવન સૌથી સુંદર, વિશાળ તથા ભવ્ય એવું, ઓડછાના રાજાએ બનાવેલું, અયોધ્યાનું મુખ્ય મંદિર છે. એને ‘સીતાનો મહેલ’ અથવા ‘રામનું અંતઃપુર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કનકભવનથી આગળ જતાં શ્રીરામનું જન્મસ્થાન આવે છે. એની તદ્દન પાસે જ મસ્જિદ છે. કહે છે કે, ત્યાંના પ્રાચીન મંદિરોનો બાબરે વિધ્વંસ કરાવેલો અને તે સ્થળે મસ્જિદ સ્થાપેલી. ધાર્મિક અસહિષ્ણુતા અને કટ્ટરતાની ઝાંખી કરાવતી એ આજે પણ ત્યાં ઊભી છે. મુલસમાન રાજાઓનું એવું ઝનૂન ઈતિહાસમાં બીજે ક્યાંય જોવા નથી મળ્યું. એમણે ધર્મને નામે કરેલી ભાંગફોડ અજોડ છે.
હનુમાનગઢી સરયૂતટથી એકાદ માઈલ દૂર શહેરમાં છે. એ સ્થાન ઊંચે ટેકરી પર છે. ત્યાં હનુમાનજીનું મંદિર છે. એક બીજી છ ફૂટ જેટલી ઊંચી હનુમાનજીની મૂર્તિ પણ ત્યાં જોવા મળે છે. તે ફૂલથી ઢંકાયેલી રહે છે. ત્યાં મંદિરની આજુબાજુ સાધુસંતોને માટે રહેવાની જગ્યા છે.
અયોધ્યાની દક્ષિણે સોળ માઈલ ને ફૈજાબાદથી લગભગ દસ માઈલ નંદિગ્રામ છે. રામ વનમાં રહ્યા ત્યારે ભરતે એ સ્થાનમાં રહીને તપસ્વીનું જીવન વિતાવેલું. ત્યાં ભરતનું મંદિર તથા ભરતકુંડ છે. એ સ્થાનની મુલાકાત લેતાં ભરતના બંધુપ્રેમની ત્યાગ ને તપની છબી આપણી નજર આગળ હાજર થાય છે. એ ત્યાગભાવની સાથે આધુનિક કાળના મનુષ્યની સ્વાર્થખોરી, લોભવૃત્તિ, ભોગલાલસા ને કૌટુંબિક અવદશાની સરખામણી કરતાં કાળજું કરુણ ને ખિન્ન બને છે.
અયોધ્યામાં રામનવમીને દિવસે મોટો મેળો ભરાય છે. બીજો મેળો શ્રાવણ સુદમાં ભરાય છે. ઊતરવા માટે ત્યાં કેટલીય ધર્મશાળાઓ છે. તેમાં સ્વર્ગદ્વારઘાટ પર મુંબઈવાળા કરમીદાસની ધર્મશાળા પણ છે. રામનવમીના મેળામાં યાત્રીઓ ઘણી મોટી સંખ્યામાં ભેગા થઈને રામ ને સીતાનાં ગુણગાન ગાય છે. આખુંય વાતાવરણ ભક્તિભાવથી ભરપૂર બની જાય છે. બપોરે બાર વાગ્યે શ્રીરામ-જન્મનો સમય થતાં મંદિરોમાં ઘંટાનાદ થાય છે ને નગારાં વાગે છે, ત્યારે કોઈ કોઈ ભાવિક સ્ત્રીપુરુષો ભગવાન રામને અંતરના અનુરાગની અંજલિ આપતાં ગાઈ ઊઠે છે :
જય જય સુરનાયક જનસુખદાયક પ્રનતપાલ ભગવંતા,
ગોદ્વિજહિતકારી જય અસુરારિ સિંધુસુતા પ્રિય કંતા;
પાલન સુર ધરની અદ્દભુત કરની, મરમ ન જાનઈ કોઈ,
જો સહજ કૃપાલા દીનદયાલા, કરઉ અનુગ્રહ સોઈ.
જય જય અવિનાશી સબ ઘટ બાસી વ્યાપક પરમાનંદા,
અબિગત ગોતીતં ચરિત પુનીતં માયારહિત મુકુંદા;
જેહિ લાગિ બિરાગી અતિ અનુરાગી બિગતમોહ મુનિવૃંદા,
નિસિબાસર ધ્યાવહિ ગુનગુન ગાવહિ જયતિ સચ્ચિદાનંદા.
જેહિ સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ, સંગ સહાય ન દૂજા,
સો કરઉ અઘારી ચિંત હમારી, જાનિઅ ભગતિ ન પૂજા;
જો ભવભયભંજન મુનિમનરંજન ગંજન બિપતિરૂથા,
મનબચનક્રમબાની છાંડિ સયાની સરન સકલ સુરજૂથા.
સારદશ્રુતિસેષા રિષય અસેષા જા કહું કોઈ નહિ જાના,
જેહિ દીન પિઆરે વેદ પુકારે દ્રવઉ સો શ્રીભગવાના,
ભવબારિધિમંદર, સબબિધિસુંદર, ગનુમંદિર સુખપુંજા,
મુનિસિદ્ધ સકલ સુર પરમભયાતુર નમત નાથ પદકંજા.