if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શક્તિના ઉપાસકોને વિંધ્યાચલના દર્શનનો લાભ નહિ મળ્યો હોય તોપણ એના દર્શનની ઈચ્છા તો એમના મનમાં હશે જ. દેવીભાગવતમાં દેવીના મહિમાનો પરિચય સારી પેઠે આપવામાં આવ્યો છે. એ આખોયે ગ્રંથ જુદીજુદી રીતે દેવીના મહિમાનું જયગાન કરે છે, ને જગદંબાની સર્વોત્તમ શક્તિને અંજલિ આપે છે. વિંધ્યાચલની યાત્રા કરતી વખતે, એમાં વર્ણવેલી દેવીની વીરતાની વાતો સ્વાભાવિક રીતે જ યાદ આવે છે, અને ત્યારે આપણું અંતર ગુંજી ઊઠે છે:

या देवी सर्वभुतेषु शक्तिरूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यैय नमो नमः ॥
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यैय नमो नमः ॥

"જે દેવી સર્વ જીવોમાં શક્તિરૂપે વસી રહી,
નમું તેને, નમું તેને, નમું તેને નમું નમું.
જે દેવી સર્વ જીવોમાં માતારૂપે વસી રહી,
નમું તેને, નમું તેને, નમું તેને નમું નમું."

મહિમા: માર્કંડેયપુરાણમાં વિંધ્યાચલવાસિની દેવીનો ઉલ્લેખ છે :

वैवस्वतेङन्तरे प्राप्ते अष्टाविंशतिमे युगे
शुभ्भो निशुभ्भश्चैवान्यावुत्पत्येते महासुरौ ।
नन्दगोपगृहे जाता यशोदागर्भसम्भवा
ततस्तौ नाशयिष्यामि विन्धयाचलनिवासिनी ॥

"હે દેવતાઓ, વૈવસ્ત મનવન્તરના યુગમાં શુંભ અને નિશુંભ નામના બે બીજા મહાન અસુરો પેદા થશે; એ વખતે નંદગોપના ઘરમાં યશોદાના ગર્ભ દ્વારા પ્રગટ થઈને વિંધ્યાચલમાં જઈને વાસ કરનારી હું એ બંને અસુરોનો નાશ કરીશ."

એ વિંધ્યવાસિની દેવી વિશે દેવી ભાગવતમાં દસમા સ્કંધમાં કહેવામાં આવ્યું છે કે, સ્વયંભુવ મનુએ એકવાર દેવીના દર્શનની ઈચ્છાથી પ્રેરાઈને ક્ષીરસમુદ્રના પ્રશાંત તટપ્રદેશ પર કઠોર તપશ્ચર્યા કરી. સો વરસની તીવ્ર તપશ્ચર્યાને અંતે દેવી પ્રસન્ન થયાં અને દર્શન આપીને વરદાન માગવાની સૂચના કરી. મનુએ દેવીમંત્રના જપ કરનારને ભોગ તથા મોક્ષ, જન્માંતરજ્ઞાન તથા વક્તૃત્વકળા જેવી બીજી શક્તિઓની પ્રાપ્તિ થાય એવું વરદાન માગ્યું. દેવીએ એ વરદાન આપવા ઉપરાંત એમને શત્રુરહિત રાજ્ય ભોગવવાનું પણ વરદાન આપ્યું, અને વિંધ્યાચલ પ્રતિ પ્રયાણ કર્યું. એ વિંધ્યવાસિની દેવીનું કથાશ્રવણ, દર્શન તથા પૂજનસેવન પરમ મંગલકારક મનાય છે. ભક્તો તથા શરણાગતના બધા મનોરથોને પૂરા કરવાની એમનામાં શક્તિ છે. એમનું સ્મરણ, મનન, શ્રવણ કે નિદિધ્યાસન સર્વપ્રકારે કલ્યાણકારક થઈ રહે છે. તેઓ સર્વ મંગલના મંગલરૂપ, સર્વ ઈચ્છાની પૂર્તિ કરનારાં, તથા ભક્તોની રક્ષા કરનારાં છે.

યાત્રાનો માર્ગ : ઉત્તર રેલવેના મુગલસરાય સ્ટેશનથી ૪0 માઈલ જેટલે દૂર આવેલા મિરજાપુરથી વિંધ્યાચલ ચારેક માઈલ દૂર છે. મિરજાપુરથી વિંધ્યાચલ મોટરમાર્ગે પણ જઈ શકાય છે. ઉપરાંત, મિરજાપુરથી ટાંગા કે રીક્ષા પણ મળે છે. વિંધ્યાચલ નાનું ગામ છે. સ્ટેશનથી થોડેક દૂર, લગભગ એકાદ માઈલ દૂર ગંગા છે. ત્યાં વિંધ્યાચલનું બજાર પણ જોવા મળે છે. ગંગાના તટપ્રદેશથી વિંધ્યવાસિની દેવીનું મંદિર નજીકમાં છે.

ધર્મશાળાઓમાં શિવનારાયણ બલદેવદાસ સિંધાનિયાની ધર્મશાળા, શેઠ ગિરધારીલાલની ધર્મશાળા તથા ચુનમુન મિશ્રની ધર્મશાળા, ને સારસ્વત ખત્રીઓની ધર્મશાળા મુખ્ય છે.

દર્શનીય સ્થળો : વિંધ્યાચલમાં વિંધ્યવાસિની, મહાકાલી અને અષ્ટભુજા દેવીનાં મંદિરો મુખ્ય મનાય છે. યાત્રીઓ એમના દર્શનથી પોતાને ધન્ય માને છે. એ ત્રણે દર્શનયાત્રાને ત્રિકોણયાત્રા કહે છે.

વિંધ્યવાસિની દેવીનું મંદિર ઊંચાઈ પર તથા વસતિની વચ્ચે આવેલું છે. એ દેવીને કૌશિક દેવી પણ કહેવામાં આવે છે. એ મંદિરમાં સિંહ પર ઊભેલાં દેવીની સુંદર મૂર્તિ છે. મંદિરના ચોકમાં બારભુજા દેવી, ખર્પરેશ્વર મહાદેવ તેમજ મહાકાલીની મૂર્તિ જોવા મળે છે. ઉત્તર તરફ ધર્મધ્વજા દેવી છે. ખાસ કરીને નવરાત્રીમાં ત્યાં મોટી મેદની જમા થાય છે.

મહાકાલીનું સ્થાન કાલીખોહ એ નામે ઓળખાય છે. વિંધ્યાચલથી તે બે માઈલ દૂર છે. એ સ્થાનની બાજુમાં ભૈરવજીનું સ્થાન છે. ત્યાંથી સૌથી વધારે પગથિયાં ચઢીએ એટલે ગેરુઆ તળાવ આવે છે, જેનું પાણી ગેરુઆ રંગનું છે. કેટલાક લોકો તે પાણીથી કપડાં રંગે છે. ત્યાં ભગવાન કૃષ્ણનું મંદિર છે, તથા નીચે સીતાકુંડ છે. એની નજીકમાં એક ઝરણું છે અને એની સામી બાજુએ અષ્ટભુજા મંદિર છે. એની પાસે મહાયોગી મચ્છંદરનાથની સ્મૃતિ કરાવતો મચ્છંદરકુંડ છે. અષ્ટભુજાથી થોડેક દૂર જંગલમાં મંગલા દેવીનું મંદિર છે, જેની સ્થાપના શ્રીરામે કરી હોવાનું કહેવાય છે.

અષ્ટભુજાનું મંદિર મહાકાલી મંદિરથી એકાદ માઈલ જેટલું દૂર છે. યશોદાની પુત્રીને લઈને વસુદેવ મથુરામાં આવ્યા તે પછી કંસે એ કન્યાને પથ્થર પર પછાડી. તે વખતે કન્યા આકાશમાં ચાલી ગઈ. ત્યાં એણે પોતાનું અષ્ટભુજારૂપ પ્રકટ કરીને કંસને કહ્યું કે, ‘તારો નાશ કરનાર તો ક્યારનો જન્મી ચૂક્યો છે.’ એ જ અષ્ટભુજા દેવી વિંધ્યાચલના આ મંદિરમાં વિરાજી રહી છે, એવી કથા છે.

યાત્રીઓ ત્યાં જયપુરિયા ભવન ધર્મશાળામાં ઊતરશે તો તેમને ઘણો સંતોષ થશે. વિંધ્યાચલ કાશી તથા પ્રયાગની વચ્ચે આવેલું હોવાથી એ બંને સ્થળેથી ટ્રેન કે મોટર દ્વારા ત્યાં પહોંચી શકાય છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.