if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

યોગી ભર્તુહરિએ પોતાના ‘વૈરાગ્યશતક’માં કહ્યું છે :

कदा वाराणस्याममरतटिनीरोधसि वसन्
वसानः कौपीनं शिरसि निदधानोङज्जलिपुटम् ।
अये गौरीनाथ त्रिपुरहर शभ्भो त्रिनयन
प्रसीदेत्याक्रोशन्निमिषमिव नेष्यामि दिवसान् ॥

"ગંગાના તટ પર કાશીમાં વાસ કરતો હું, કેવળ કૌપીન પહેરીને, મસ્તક પર હાથ જોડીને, ‘હે ગૌરીનાથ, હે ત્રિપુરહર, હે શંભુ, હે ત્રિનયન, હવે મારા પર પ્રસન્ન થાઓ’ એવા પોકાર પાડતાં, મારા દિવસોને એક ક્ષણની જેમ ક્યારે પસાર કરીશ ?"

उद्यानेषु विचित्रभोझनविधिस्तीव्रातितीव्रं तपः
कौपीनावरणं सुवस्त्रमभितो भिक्षाटनं मणडनम् ।
आसन्नं मरणं च मंगलसमं यस्यां समुत्पद्यते
तां काशीं परिहृत्य हन्त विबुधैरन्यत्र किं स्थीयते ॥

"જ્યાં ઉદ્યાનોમાં ફળફૂલનાં ભાતભાતનાં ભોજન મળે છે, જ્યાં તીવ્રમાં તીવ્ર તપ કરવાની અનુકૂળતા છે, જ્યાં કૌપીનના એકમાત્ર વસ્ત્રથી ચલાવી શકાય તેમ છે, જ્યાં ભિક્ષા માટે ફરવાનું ભૂષણરૂપ મનાય છે, અને જ્યાં મરણ પાસે આવે તોપણ મંગલ થઈ પડે છે, તે કાશીને છોડીને વિદ્વાનો બીજે શા માટે વાસ કરે છે ?"

‘નારદપુરાણ’માં ઉલ્લેખ આવે છે :

वाराणसी तु भुवनत्रयसारभूता
रम्या नृणां सुगतिदा किल सेव्यमाना ।
अत्रागता विविधदुष्कृतकारिणोङपि
पापक्षये विरजसः सुमनः प्रकाशाः ॥

"કાશી ત્રિભુવનના સારરૂપ છે, સુંદર છે, ને સેવન કરનાર મનુષ્યોને સદા ઉત્તમ ગતિનું દાન દેનારી છે. જુદાંજુદાં કુકર્મ કરનાર પણ અહીં આવીને નિર્મળ બને છે તથા પાપમાંથી મુક્તિ મેળવીને દેવતાની પેઠે પ્રકાશી ઊઠે છે."

સંતશિરોમણિ તુલસીદાસે પોતાની લોકભાગ્ય ભાષામાં લખ્યું છે :

મુક્તિ જન્મ મહિ જાનિ, ગ્યાનિ ખાન અઘ હાનિ કર,
જહં બસ શંભુભવાનિ, સો કાશી સેઈઅ કસ નર.

"જન્મમરણથી મુક્ત કરનારી, જ્ઞાનના ભંડારરૂપ, પાપ-વિનાશિની, શંકર અને પાર્વતીનું નિવાસસ્થાન એવી કાશીને શા માટે ન સેવવી ?"

જેના મહિમાનું મહાપુરુષો ને શાસ્ત્રોએ આમ મુક્ત રીતે વર્ણન કર્યું છે અને જેને અનુરાગની અનેકવિધ અંજલિઓ આપી છે, તે વારાણસી અથવા કાશીના દર્શનની ઈચ્છા પ્રત્યેક ભારતવાસી રાખતો હોય છે. પ્રત્યેક સમજુ અને સંસ્કૃતિપ્રિય ભારતવાસીને એકવાર એની મુલાકાત લેવાનું મન જરૂર થાય છે. એ માટેનાં સ્વપ્ન મોટા ભાગના માણસો સેવતા હોય છે, અને એ સ્વપ્નું સિદ્ધ થતાં એમને અપાર આનંદ થાય છે. કાશીએ લોકહૃદયમાં એવું સ્થાન મેળવ્યું છે. એ ભગવાન શંકરની નિવાસભૂમિ તો ગણાય છે જ, વધુમાં પંડિતો, વિદ્વાનો, તપસ્વીઓ તથા ત્યાગીઓની પણ આશ્રયભૂમિ મનાય છે. એ ભૂમિનો સંબંધ ચિરકાળથી જેમ ધર્મની સાથે છે, તેમ વિદ્યાની સાથે પણ એટલો જ ગાઢ છે. એનાથી આકર્ષાઈને દર વરસે કેટલાય લોકો એની યાત્રા કરે છે. કેટલાંક તો ત્યાં આજીવન રહેવા માટે આવી પહોંચે છે. काश्यां हि मरणात्मुक्तिः -અર્થાત્ ‘કાશીમાં મરણ-મુક્તિ મળે છે.’ એ શાસ્ત્રવચનમાં વિશ્વાસ રાખીને મરણની અને એના દ્વારા વિના પરિશ્રમે મળનારી તાત્કાલિક મુક્તિની પ્રતીક્ષા કરતા કેટલાક લોકો ત્યાં જીવન વિતાવે છે. મરણનો કાળ લંબાતાં કેટલીકવાર કોઈક કંટાળે છે ને સ્થળપરિવર્તન કરે છે, છતાં મરણની કામના કરતા કેટલાક ત્યાં રહે છે પણ ખરા. કાશીનું એવું અજોડ આકર્ષણ છે. મોક્ષ આપનારી સાત પુરીઓમાં એ મુખ્ય છે. ‘કાશીખંડ’માં કહ્યા પ્રમાણે કાશીનાં બાર નામ છે: કાશી, વારાણસી, અવિમુક્ત, આનંદકાનન, મહાસ્મશાન, રુદ્રાવાસ, કાશિકા, તપઃસ્થલી, મુક્તિભૂમિ, શ્રીશિવપુરી, મુક્તિક્ષેત્ર તથા ત્રિપુરારિરાજનગરી.

કાશીનગરીમાં પ્રવેશ કરતાંવેંત આપણું અંતર એક પ્રકારના અનેરા આનંદથી નાચી ઊઠે છે. એના મહિમાનું વર્ણન ઋગ્વેદ તેમજ શતપથ બ્રાહ્મણમાં પણ જોવા મળે છે. એના પરથી પ્રતીતિ થાય છે કે, એ એક અત્યંત પ્રાચીન નગરી છે. પુરાણોમાં તો એનો ઉલ્લેખ છે જ. સ્કંદપુરાણમાં કહ્યું છે :એકવાર શંકરે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું. એ મસ્તક એમની હથેળી સામે જોડાઈ ગયું. એ બદરીનારાયણ તથા કુરુક્ષેત્ર જેવાં તીર્થોમાં બાર વરસ ફરતાં રહ્યા, છતાં એ મસ્તક હાથથી છૂટું ના પડ્યું. પરંતુ કાશીની સીમમાં પ્રવેશતાંવેંત જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી. મસ્તક છૂટું પડી ગયું. મસ્તક જે સ્થળે છૂટયું તે સ્થળ કપાળમોચન-તીર્થ કહેવાયું. ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરીને એમણે એ સ્થળવાળી કાશીને પોતાના નિત્યનિવાસ તરીકે માગી લીધી. પ્રભુની આંખના આનંદાશ્રુ જ્યાં પડ્યાં તે સ્થાન બિંદુસરોવર નામથી પ્રસિદ્ધિ પામ્યું, અને પ્રભુ પોતે બિંદુમાધવ કહેવાયા. આધુનિક દૃષ્ટિએ વિચારીએ તો, એટલું તો જરૂર સમજી શકાય કે, પોતાના ધાર્મિક ને પવિત્ર વાતાવરણથી ઈશ્વરની ઝાંખી કરવાની પ્રેરણા પૂરી પાડનારી એ ભૂમિમાં યમનિયમપૂર્વક રહીને માણસ ગમે તેવાં મોટા પાપોમાંથી મુક્તિ મેળવીને કલ્યાણસ્વરૂપ બની શકે છે.

વખતના વીતવાની સાથે કાશીના બાહ્ય સ્વરૂપમાં ફેર પડ્યો છે, પરંતુ એની ધરતી તથા ગંગા તો એ જ છે. વ્યાસ, શંકરાચાર્ય અને ભર્તૃહરિ જેવા મહાપુરુષોએ આ ભૂમિને પવિત્ર પદરજથી પવિત્ર કરી છે; અને આજે પણ એ ભૂમિમાં વિદ્વાનો ને મહાપુરુષોની કમી નથી.

વરણા અને અસિ નામની બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં કાશી વસેલું હોવાથી એ વારાણસી પણ કહેવાય છે. ભગવતી ભાગીરથીના તટ પર વસેલા નગરનો વિસ્તાર દિવસે દિવસે વધતો જાય છે. એમાં એટલા બધાં મંદિરો છે કે એને ‘મંદિરોનું નગર’ કહીએ તોપણ કોઈ જાતની અતિશયોક્તિ નથી થતી. કાશીમાં મઠો, સદાવ્રતો ને ધર્મશાળાઓ પણ સારા પ્રમાણમાં છે. સ્નાન કરવા માટે મણિકર્ણિકાઘાટ અને દશાશ્વમેઘઘાટ પ્રખ્યાત છે. ત્યાંથી નજીકમાં ભગવાન વિશ્વનાથનું મંદિર તથા અન્નપૂર્ણાનું મંદિર આવેલાં છે.

વિશ્વનાથ મંદિર : ભગવાન વિશ્વનાથનું મંદિર નાનું, સાંકડું ને જરાક ગંદુ હોવા છતાં કાશીનું મુખ્ય મંદિર છે. એની બાજુમાં જ મસ્જિદ છે. ભગવાન શંકરના દર્શન માટે યાત્રીઓ સારા પ્રમાણમાં એકઠા થાય છે. ભીડ અને એનાં અનિષ્ટોથી બચવું ભારે થઈ પડે છે. મંદિર પરનો સોનાનો કળશ પંજાબના વીર રાજા રણજીતસિંહે અર્પણ કર્યો છે. એ રાજા વીર હોવાની સાથેસાથે ધર્મપરાયણ હતો. એ સાંપ્રદાયિક સંકુચિતતાથી મુક્ત હતો એની પ્રતીતિ કરાવવા દેવમંદિરોને શણગારવાનાં આવાં કેટલાંય કામો એણે કરી બતાવ્યાં છે. સામે સભામંડપ છે, જેમાં વિશાળ ઘંટ અને અનેક દેવમૂર્તિઓ છે. મંદિરના પ્રાંગણની એક બાજુ સૌભાગ્યગૌરી તથા ગણેશજીનાં, ને બીજી બાજુ શૃંગારગૌરી, અવિમુક્તેશ્વર તથા સત્યનારાયણ ભગવાનનાં મંદિર છે. વિશ્વનાથ મંદિરના વાયવ્ય ખૂણામાં લગભગ દોઢસો શિવલિંગ છે. મંદિરની બાજુમાં જ્ઞાનવાપિ નામે કૂવો છે. ઔરંગઝેબે જ્યારે મંદિર તોડવાની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે વિશ્વનાથ એમાં જતા રહ્યા. પછી એમાંથી એમને બહાર કાઢીને વર્તમાન મંદિરમાં એમની સ્થાપના કરવામાં આવી. યાત્રીઓ જ્ઞાનવાપિના જળનું આચમન કરીને સાનંદ ધન્યતા અનુભવે છે.

વિશ્વવિદ્યાલય : કાશીમાં મહામના માલવીયજીએ સ્થાપેલી સંસ્થા હિંદુ વિશ્વવિદ્યાલય ખાસ દર્શનીય છે. શ્રી બિરલાની મદદથી એમાં વિશ્વનાથનું વિશાળ મંદિર રચવામાં આવ્યું છે. ભારતમાતાનું  સુંદર મંદિર પણ જોવા જેવું છે. વિદ્યાર્થીઓ અને જનતા એને માટે પ્રેમ જગાવીને પોતાનું સર્વસ્વ અર્પણ કરવાનું વ્રત લે તો કેવું સારું ? પ્રત્યેક વ્યક્તિનું હૃયય ભારતમાતાનું મંગલ મંદિર બને તો દેશ અવશ્ય સુખી બને. ભારતની પ્રજા ભારતમાતાના જીવતાજાગતા મહામૂલા મંદિરરૂપ છે. તેની સેવાપૂજાનું વ્રત ધારણ કરવાની જરૂર છે.

આ નગરી હરિશચંદ્રની જીવનકથા સાથે સંકળાયેલી છે. સત્યવાદી રાજા હરિશચંદ્ર પાસેથી જ્યારે ઋષિ વિશ્વામિત્રે સમસ્ત રાજ્ય દાનમાં લઈ લીધું ત્યારે રાજાએ આ જ શહેરનું શરણ લીધેલું. અહીં જ એમણે  એક બ્રાહ્મણને ત્યાં પોતાની પત્નીને દાસી તરીકે વેચેલી અને ઋષિને દક્ષિણા આપવા માટે પોતે ચંડાળને ત્યાં રહેવાનું પસંદ કરેલું. મહાન સંત કબીરે પણ કાશીમાં વાસ કરેલો, જેની સ્મૃતિરૂપે ત્યાં કબીરચૌરાની જગ્યા છે. ત્યાં કબીરની ગાદી તથા ટોપી છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.