if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તુલસીદાસની સ્મૃતિ : રામાયણ જેવા મહાન ગ્રંથના રચયિતા સંત તુલસીદાસે તો કેટલાંય વરસો કાશીમાં વિતાવેલાં. એમની સ્મૃતિમાં ગંગાતટ પર તુલસીઘાટનું દર્શન થઈ શકે છે. એ પ્રતાપી સંતપુરુષે અહીં રહીને ભાતભાતની કાવ્યરચનાઓ કરી, અને સમાજને ચરણે ધરી. ત્યાં એમના દ્વારા સ્થપાયેલી હનુમાનજીની મૂર્તિ છે. એ મંદિરમાં એમની ચરણપાદુકા, રામાયણની પ્રતિલિપિ તથા બીજાં સ્મારકો છે. એ મંદિરમાં ભગવાન કપિલની મૂર્તિ પણ જોવા મળે છે. તુલસીદાસે એ જ સ્થાનમાં સંવત ૧૬८0માં શરીર છોડ્યું, એ હકીકત ઘાટના પથ્થર પર અંકિત છે :

"સંવત સોલહસેં અસી, અસિગંગ કે તીર,
શ્રાવણ શ્યામા તીજ શનિ, તુલસી તજ્યો શરીર."

ભગવાન વિશ્વનાથની કાશીનગરીમાં અસિ ઘાટની બાજુએ આવેલા તુલસીઘાટ પર, ત્યાંના પૂજારીએ એક સાચી બનેલી કથા કહી બતાવી. એ કથાને સંત તુલસીદાસના જીવન સાથે સંબંધ  છે. સંત તુલસીદાસ જ્યારે તુલસીઘાટ પર નિવાસ કરતા, એ વખતે કાશીમાં રાજા ટોડરમલ રહેતા અને સંત તુલસીદાસ પ્રત્યેના પ્રેમાદરથી પ્રેરાઈને એમના સત્સંગ માટે અવારનવાર આવ્યા કરતા. બંને વચ્ચે જ્ઞાનસંબંધી રસભરી ચર્ચા થતી.

તુલસીઘાટથી થોડેક દૂર લીલોતરી જેવું દેખાય છે, ત્યાં રાજા ટોડરમલની પુષ્કળ જમીન હતી. એ જમીનમાં, કોણ જાણે કેમ પણ, કશું નોંધપાત્ર પાકતું નહિ. આથી ટોડરમલને ચિંતા થતી. એક વરસ તો એમાં કશું જ ના પાક્યું. ટોડરમલને થયું કે ભગવાનના પ્યારા ભક્ત કે સંતપુરુષના આશીર્વાદ ઊતરે તો જમીનમાં પલટો આવે ને કાંઈક પાકે. ટોડરમલે સંત તુલસીદાસને પોતાના અંતરની વ્યથા વર્ણવી બતાવી અને આશીર્વાદ આપવાની પ્રાર્થના કરી.

તુલસીદાસે કહ્યું : ‘મારામાં કશો ચમત્કાર કરવાની શક્તિ તો નથી, પરંતુ એ જમીનમાં ભગવાનનું નામ લઈને રાઈ વાવો. ભગવાન બધું સારું કરશે.’

ટોડરમલને એમના વચનમાં વિશ્વાસ હતો. એમણે જમીનમાં રાઈ વાવી. પરિણામે, રાઈ એટલા બધા મોટા પ્રમાણમાં પાકી કે વાત નહિ. રાજા ટોડરમલને એ રાઈ વેચવાથી હજારો રૂપિયાની પ્રાપ્તિ થઈ. એ રૂપિયા લઈને તેઓ તુલસીદાસજીની સેવામાં હાજર થયા ને બોલ્યા : ‘આ ધન તમારા કહેવાથી કમાયો છું એટલે મારું નથી, પણ તમારું છે. તમારા આશીર્વાદના પરિણામે જ જે પ્રાપ્ત થયું છે તેનો તમે સ્વીકાર કરશો.’

તુલસીદાસે કહ્યું : ‘હું ધનની સાથે સંબંધ નથી રાખતો. મારે આ ધન નથી જોઈતું. હું તો ભગવાન શ્રીરામના કૃપાધનથી જ સંતુષ્ટ છું.’

ટોડરમલે વારંવાર વિજ્ઞપ્તિ કરી જોઈ, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. તુલસીદાસજીએ એ ધનનો સ્વીકાર કરવાની સાફ શબ્દોમાં ના જ પડી.

હવે શું થાય ? ટોડરમલ તો એ ધન રાખવા ઈચ્છતા જ ન હતા. એમણે એ ધન તુલસીદાસજીના ચરણોમાં સમર્પિત  કરી દીધું હતું. !

આખરે એમણે એક વચગાળાનો રસ્તો કાઢ્યો. એને માટે તુલસીદાસજીની સમંતિ પણ મેળવી લીધી. એ સમગ્ર ધનનો ઉપયોગ કરીને એમણે તુલસીઘાટ પર સંત તુલસીદાસ માટે પથ્થરનું મજબૂત વિશાળ મકાન બનાવી દીધું. એ મકાન તુલસીદાસજીને અર્પણ કર્યું, એટલે તુલસીદાસજી એમાં રહેવા માંડ્યા. જીવનના છેલ્લા દિવસો સંત તુલસીદાસે ત્યાં જ પસાર કર્યા. ત્યાં એમણે હનુમાનજીની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ કરી.

આજે ત્યાં સંત તુલસીદાસ અને રાજા ટોડરમલ તો નથી, પરંતુ ભગવતી ભાગીરથીના પ્રશાંત તટ પર ઊભેલું એ ભવ્ય સ્મારક છે. એમાં તુલસીદાસજીનું એકાંત નિવાસસ્તાન તથા હનુમાનજીની મૂર્તિ પણ છે. એ જોઈને બધી ઈતિહાસ-કથા આપણી આંખ સામે તાજી થાય છે.

કાશીના ઘાટોમાં પાંચ ઘાટ મહત્વના મનાય છે : મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેધ ઘાટ, અસિસંગમ ઘાટ, પંચગંગા ઘાટ અને વરણાસંગમ ઘાટ. બધા મળીને ત્યાં પ0 થી ૬0 ઘાટ છે.

રહેવાનાં સ્થળો : કાશીમાં રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે. તેમાં રેવાબાઈની ગુજરાતી ધર્મશાળા ખાસ ઉલ્લેખનીય છે. ભારતવર્ષનું સૌભાગ્ય છે કે, પશ્ચિમી સભ્યતાની અસર નીચે આવીને એણે ધર્મશાળાઓને બદલે હોટલોની ખર્ચાળ વ્યાપારી પ્રથાની શરૂઆત નથી કરી. નહિ તો, તીર્થોની યાત્રા ઘણી મોંઘી થાત અને એ યાત્રા ગરીબોની કે મધ્યમ વર્ગની નહિ, પરંતુ એકલા અમીરોની જ બની જાત. તીર્થોમાં ક્યાંક ક્યાંક હોટલોનો આરંભ થવા માંડ્યો છે ખરો, પરંતુ જનતાના જીવનસંસ્કાર સાથે સંબંધ ધરાવતી ધર્મશાળાઓ પણ વધતી જાય છે. ભારતીય સંસ્કૃતિએ શીખવેલા અતિથિસત્કારના સંદેશનો સાક્ષાત્કાર કરાવનારી એ ધર્મશાળાઓ ખરેખર આશીર્વાદરૂપ છે.

બીજાં સ્થળો: કાશીમાં અનેક મંદિરો અને કુંડો છે. ભાવિક લોકો એમના દર્શનનો તથા સ્નાનાદિનો લાભ લે છે. વિશ્વનાથ તથા જ્ઞાનવાપિનો ઉલ્લેખ આગળ આવી ગયો છે. તે ઉપરાંત અક્ષયવટ, અન્નપૂર્ણા, ગોપાલ મંદિર, કાશીકરવત, સિદ્ધિદા દુર્ગા, દુર્ગાજી, સંકટમોચન (જેની હનુમાનજીની મૂર્તિ સંત તુલસીદાસે સ્થાપેલી છે), કપાલમોચન(સરોવર), ગોરખનાથ મંદિર જેવાં સ્થળો જોવાલાયક છે. કાશીમાં જૈનોનાં તીર્થો પણ છે. ત્યાંના ભદૈની લત્તામાં જૈનોના સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથજી તથા ભેલપુર લત્તામાં ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથજી જન્મેલા. એમની સ્મૃતિમાં ત્યાં મંદિરો બાંધવામાં આવ્યાં છે. કાશી, એવી રીતે કોઈ સાંપ્રદાયિક શહેર નથી. એણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને સમાવી લીધા છે અને સૌને આશ્રય આપ્યો છે.

પરિક્રમા :પંડાઓના કથન પ્રમાણે, કાશીની પરિક્રમા ૪૭ માઈલ જેટલી છે. એમાં કેટલીય ધર્મશાળાઓ ને દુકાનો આવે છે. પરિક્રમા ગમે ત્યારે થઈ શકે છે, છતાં માગશર તથા ફાગણમાં એનો લાભ વધારે લેવાય છે. અધિક માસમાં લોકો ખાસ પરિક્રમા કરે છે. સામાન્ય રીતે પાંચ દિવસમાં પૂરી થનારી એ પરિક્રમા અત્યંત આનંદદાયક થઈ પડે છે. મણિકર્ણિકાઘાટ પર ગંગાસ્નાન કરી, પહેલે દિવસે છ માઈલ ચાલી, યાત્રી કંડવા સ્થાને વિશ્રામ કરે છે, જ્યાં કર્દમેશ્વર મંદિર છે. બીજે દિવસે ત્યાંથી ચાલી, દસ માઈલ દૂર સીમચંડીમાં રોકાય છે. ત્રીજે દિવસે વરણા નદી પર ચૌદ માઈલ દૂર આવેલા સ્થાન રામેશ્વરમાં પહોંચે છે.  ચોથે દિવસે ત્યાંથી ચૌદ માઈલ દૂર આવેલા કપિલધારામાં, અને પાંચમે દિવસે ત્યાંથી છ માઈલ ચાલી, મણિકર્ણિકાઘાટ પર સ્નાન કરી, દેવદર્શન કરીને પરિક્રમા પૂરી કરે છે:

કાશીમાં મણિકર્ણિકાઘાટ પર તૈલંગ સ્વામી જેવા સમર્થ પુરુષ વાસ કરતા. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવે એમને જોઈ કહેલું કે, તૈલંગ સ્વામીના રૂપમાં મેં સાક્ષાત્ વિશ્વનાથનાં દર્શન કર્યા. કાશીમાં ફરતી વખતે એવી કેટલીય સ્મૃતિઓ તાજી થાય છે. કાશી સિદ્ધોની, સાધકોની તથા વિદ્વાનોની ભૂમિ છે. એણે અનેક આર્ત્ત અને અનાથોને આશ્રય આપ્યો છે, અને સંતપ્તોને શાંતિ ધરી છે. આજે પણ ત્યાં કેટલાય લોકો શાંતિ મેળવવા વસી રહ્યા છે. એ જોઈને શ્રી આદ્ય શંકરાચાર્યે આપેલી અંજલિ સાથે સૂર પુરાવવાનનું મન થાય છે:

यत्र देवपतिनाङपि देहिनां मुक्तिरेव भवतीति निश्चितम् ।
पूर्वपुण्यनिचयेन लभ्यते विश्वनाथनगरी गरीयसी ॥
स्वर्गतस्सुखकरी दिवौकसां शैलराजतनयातिवल्लभा ।
ढुण्ढिभैरवविदारिताशुभा विश्वनाथनगरी गरीयसी ॥

"દેવોના સ્વામી શંકર દ્વારા જ્યાં માનવોની મુક્તિ ચોક્કસ થાય છે અને જે પૂર્વનાં પુણ્યો વિના નથી મળતી તે, ભગવાન શંકરની કાશીનગરી ખરેખર ઉત્તમ છે."

"દેવતાઓને સ્વર્ગથી પણ વધારે સુખદ લાગતી, હિમપુત્રી પાર્વતીને અત્યંત પ્રિય, ઢુંઢિ તથા ભૈરવ જેવા દેવો જ્યાં સમસ્ત પ્રકારનાં અશુભનો નાશ કરે છે તે, ભગવાન શંકરની કાશીનગરી ખરેખર ઉત્તમ છે."

કાશીમાં તાજેતરમાં સત્યનારાયણ માનસ મંદિર બંધાયું છે. તેમાં તુલસીદાસની મૂર્તિ પણ છે અને ઉપર તથા નીચેની દીવીલો પર તુલસીકૃત રામાયણ પણ લખવામાં આવ્યું છે. એ મંદિર કાશી હિંદુ વિશ્વવિદ્યાલય જતાં રસ્તામાં આવે છે.

વિશ્વનાથ મંદિરની બાજુના જયપુરિયા સ્મૃતિભવનમાં યાત્રીઓને ઊતરવાની ઘણી સારી વ્યવસ્થા છે. એ સ્થળ ઘણું સરસ ને સ્વચ્છ છે. ત્યાં રૂમ દીઠ રોજના બે રૂપિયા ચાર્જ લેવાય છે. ત્યાં તૈયાર જમવાનું પણ મળી શકે છે. એ ઉપરાંત, વારાણસી સ્ટેશન તરફ જતાં રસ્તામાં બીજી કેટલીય ધર્મશાળાઓ પણ છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.