if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તીર્થનો મહિમા : ચિત્રકૂટ નામ સાંભળાતાવેંત જ પેલી પ્રસિદ્ધ પ્રેમભરપૂર પંક્તિઓનું સ્મરણ થાય છે :

"ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીર;
તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર."

એ પંક્તિઓનો અર્થ સ્પષ્ટ છે. કહે છે કે, રામભક્ત તુલસીદાસજી રામના કૃપાપાત્ર હનુમાનજીના આદેશાનુસાર, રામના દર્શનની એકમાત્ર ઈચ્છાથી પ્રેરાઈને, ચિત્રકૂટ આવ્યા. ત્યાં આવીને એમણે તીવ્ર તપ કરવા માંડ્યું. રામના દર્શન માટેની એમની આતુરતા અત્યંત અસાધારણ હતી. એ આતુરતાને લક્ષમાં લઈને રામ અને લક્ષ્મણ એક દિવસ એમની સામે પ્રકટ થયા. એ વખતે ચિત્રકૂટમાં મેળો ભરાયો હતો, ને ઘાટ પર બેસીને તુલસીદાસજી ચંદન ઘસતા હતા. સુંદર રાજકુમારોના રૂપમાં આવીને એમણે કહ્યું : ‘બાબા, હમેં તિલક કરો.’ રાજકુમારોની અદ્દભુત સ્વરૂપવાન મંગલ મુખાકૃતિ જોઈને મુગ્ધ બની તુલસીદાસજી ભાન ભૂલી ગયા. એ વખતે, કહે છે કે, એમને સાચી વસ્તુસ્થિતિથી વાકેફ કરવા માટે હનુમાનજીએ પેલી પ્રેમભરપુર પંક્તિઓ કહી હતી.

સંત તુલસીદાસે ચિત્રકૂટમાં સારો સમય પસાર કર્યો હતો. એના પરિણામરૂપે એમને ચિત્રકૂટ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એ પ્રેમના પ્રતિભાવો એમણે રચેલા રામાયણમાં પડી ચૂક્યા છે.

રામાયણના અયોધ્યાકાંડમાં મહર્ષિ વાલ્મીકિ રામને ચિત્રકૂટમાં રહેવાની સૂચના કરતાં કહે છે :

સૈલુ સુહાવન કાનન ચારૂ, કરિ કેહરિ મૃગબિહગ બિહારુ;
નદી પુનીત પુરાન બખાની, અત્રિપ્રિયા નિજ તપ બલ આની;
સુરસરિ ધાર નાઉં મંદાકિની, જો સબ પાતક પોતક ડાકિની;
ચલહુ સફલ શ્રમ સબ કર કરહૂ, રામ દેહુ ગૌરવ ગિરિવરહૂ.

"હે રામ, ચિત્રકૂટ પર્વત ઘણો સુંદર છે. ત્યાં સુંદર વન છે. તેમાં હાથી, વાઘ, હરણ તથા જુદાંજુદાં પંખીઓ વિહાર કરે છે. અનસૂયાએ પોતાના તપના પ્રભાવથી પ્રકટાવેલી પુરાણપ્રસિદ્ધ મંદાકિની નામની, સમસ્ત પાપોનું નિવારણ કરવારી નદી પણ ત્યાં વહી રહી છે. અત્રિ જેવા અસંખ્ય મુનિઓ શરીરને સંયમમાં રાખીને ત્યાં યોગ અને જપતપ કરી રહ્યા છે. તેમનો શ્રમ તમે ત્યાં જઈને સફળ કરો, ને ચિત્રકૂટને ગૌરવ આપો."

પછી રામચંદ્રજી જ્યારે ચિત્રકૂટ ગયા ત્યારે તુલસીદાસજી રામાયણમાં એનું વર્ણન કરતાં કહે છે કે, "લક્ષ્મણ અને સીતાની સાથે રામચંદ્રજી, મદન જાણે મુનિવેશમાં ઋતુરાજ વસંત અને રતિની સાથે હોય તેવા લાગતા હતા." આ રહ્યા એ વર્ણનના મૂળ શબ્દો :

લખન જાનકી સહિત પ્રભુ રાજત રુચિર નિકેત,
સોહ મદનુ મુનિવેશ જનુ રતિ રિતુરાજ સમેત.

ભગવાન રામ જ્યારે એ પવિત્ર પર્વત પર રહેતા હશે ત્યારે એની શોભા કેટલી બધી અપાર હશે ! એનું સૌભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હશે. રામની પહેલાં પવિત્ર પાણી આદેશાનુસાર ભરતકૂપમાં નાખવામાં આવેલું એવી દંતકથા છે. તેથી એ કૂપને સર્વે તીર્થોના સારસ્વરૂપ કહેવામાં આવે છે. ત્યાં મંદિર છે. કૂપથી થોડે દૂર ભરતજીનું મંદિર છે.

ચિત્રકૂટ જેવા સરસ સ્થળનો સાચો આનંદ એની એકાદ-બે દિવસની ઊડતી મુલાકાત લેવાથી નહિ મળે. એનો સાચો આનંદ અને લાભ લેવા માગનારે તો રોજના વ્યવસાયી જીવનમાંથી લાંબો સમય કાઢીને ત્યાં રહેવું પડે. એના મહિમાનો સાચો અનુભવ પણ ત્યારે જ થઈ શકે.

ચિત્રકૂટની આજુબાજુ પણ જુદાંજુદાં કેટલાંય તીર્થો છે. એમાં વાલ્મીકિ આશ્રમ, વિરાધકુંડ, શરભંગ આશ્રમ, સુતીક્ષ્ણ આશ્રમ મુખ્ય છે. તુલસીકૃત રામાયણમાં એ ઋષિમુનિઓ તથા સ્થાનોનું વર્ણન કરેલું છે. વખતના વીતવાની સાથે એ બધાં સ્થાનોમાં ફેરફાર થયો હોય એ બનવા જોગ છે, છતાં એમની કથાવાર્તામાં રસ લેનાર ભાવિક સ્ત્રીપુરુષો આજે પણ એમનું, જેવી છે તેવી સ્થિતિમાં, દર્શન કરીને આનંદ પામે છે.

વાલ્મીકિ મુનિના આશ્રમનું એક સ્થાન કામતાનાથથી પંદર માઈલ દૂર પશ્ચિમે લાલપુર ડુંગર પર બેછોઈ ગામમાં છે અને બીજું સ્થાન સીતાપુરની બાજુમાં છે. પ્રયાગથી ચિત્રકૂટ તરફ જતી વખતે ભગવાન શ્રીરામ રસ્તામાં વાલ્મીકિના આશ્રમમાં રહેલા. મહર્ષિએ જ એમને ચિત્રકૂટમાં રહેવાની સૂચના કરેલી.

અનસૂયા આશ્રમથી ત્રણેક માઈલ દૂર એક ઝરણું છે. ત્યાં ગુફામાં હનુમાનજીની મૂર્તિ છે. ત્યાંથી દોઢ માઈલ પર વિરાધકુંડ છે. ભગવાન રામ ચિત્રકૂટથી એ જ માર્ગે આગળ ગયેલા. એ માર્ગ ભયંકર છે. અનસૂયાથી શરભંગ આશ્રમ સુધીના અરણ્યમાં જંગલી જનાવરોનો ભય રહેતો હોવાથી, ભોમિયા વિના આગળ વધવું જોખમભરેલું છે. વિરાધકુંડની જગ્યામાં વિરાધ રાક્ષસનો નાશ કરી, ખાડો ખોદીને તેને દાટી દીધેલો. લક્ષ્મણે ખોદેલો એ ખાડો ઘણો મોટો છે. ઘોર વનમાં આવેલા એ સ્થળને શોધતાં ભારે મુશ્કેલી પડે છે.

વિરાધખુંડથી ટિકરિયા ગામ થઈને જંગલના રસ્તે દસેક માઈલ જતાં શરભંગ આશ્રમ આવે છે. ત્યાં કુંડ તથા રામમંદિર છે. શરભંગ ઋષિએ શ્રીરામના દર્શનથી ધન્ય બનીને ચિતા તૈયાર કરીને પોતાનું શરીર બાળી નાખેલું.

સુતીક્ષ્ણ મુનિ અગસ્ત્ય મુનિના શિષ્ય તથા રામના એકનિષ્ઠ ભક્ત હતા. એમની સ્મૃતિ આપનારો સુતીક્ષ્ણ આશ્રમ શરભંગ આશ્રમથી દસેક માઈલ દૂર છે. ત્યાંના લોકોનું કહેવું છે કે, અહીં શ્રીરામે થોડો વખત નિવાસ કરેલો. પર્યટનપ્રેમી, શ્રદ્ધાભક્તિવાળા યાત્રીઓ એ એકાંત સુંદર સ્થાનની મુલાકાત લઈ શકે છે.

ચિત્રકૂટની પ્રખ્યાતિ એક મહાન તીર્થ તથા તપોભૂમિ તરીકે હતી જ. રામાયણના વર્ણન પરથી એ સંબંધી કશી શંકા નથી રહેતી. રામના વખતમાં પણ એ ભૂમિમાં અનેક વીતરાગ, પરમાત્મપરાયણ ઋષિમુનિઓ નિવાસ કરતા. વનમાં એમના આશ્રમો હતા. અત્રિ મુનિનો આશ્રમ એ સૌમાં અગ્રગણ્ય હતો. એ પછી પણ, વખતના વીતવાની સાથે એ સુંદર તીર્થપ્રદેશમાં તુલસીદાસ જેવા બીજા કેટલાય સંતપુરુષો અને ભક્તોએ નિવાસ કર્યો છે. આજે પણ એ ભૂમિ ભક્તો કે સંતોથી રહિત નથી જ. એના મહિમાથી મુગ્ધ બની કેટલાય સાધકો ને સિદ્ધો ત્યાં વાસ કરે છે. કેટલાય દર્શનાર્થી દર વરસે એના દર્શન માટે આવી પહોંચે છે. ચિત્રકૂટમાં હિમાલય જેવી ભવ્યતા તથા વિવિધતા નહીં હોવાથી, હિમાલયનો પ્રવાસ કરી ચૂકેલો પ્રવાસી એમાં એટલા બધા આકર્ષણનો અનુભવ નહિ કરે; છતાં પ્રત્યેક તીર્થ, પર્વત ને દેવસ્થાનને પોતાની આગવી વિશેષતા અને પોતાનું આગવું આકર્ષણ હોય છે. એ દૃષ્ટિએ જોઈએ તો, ચિત્રકૂટની યાત્રા અત્યંત આનંદદાયક થઈ પડે છે. એ ભૂમિનો પ્રવાસ કરતાં ભગવાન શ્રીરામનાં સંસ્મરણો આપણા અંતરની આંખ આગળ પ્રત્યેક પગલે તાજાં થાય છે, અને અંતર એક પ્રકારના ઊંડા, અનિર્વચનીય આનંદનો અનુભવ કરે છે.

ચિત્રકૂટની તીર્થભૂમિ સાથે શ્રીરામ ઉપરાંત બીજા પ્રતાપી મહાપુરુષોનાં નામ પણ સંકળાયેલાં છે. મહાભારતમાં કહ્યું છે કે, ભગવાન રામનાં ચરણકમળના સ્પર્શથી સુશોભિત ચિત્રકૂટમાં ધર્મરાજ યુધિષ્ઠિરે વિધિપૂર્વક શાસ્ત્રોક્ત રીતે તપશ્ચર્યા કરી, તેમજ દમયંતીના વીર પતિ મહારાજા નળે પણ પોતાનાં અશુભ કર્મોનો નાશ કરીને પોતાનું ખોવાયલું રાજ્ય પાછુ મેળવ્યું. એવી રીતે આપણે પણ આ પવિત્ર તીર્થમાં તપશ્ચર્યા કરી, સમસ્ત પ્રકારના અમંગલમાંથી મુક્તિ મેળવી, ખોવાયેલા આત્મિક રાજ્યને આજે પણ પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. વાલ્મીકિકૃત રામાયણમાં મહર્ષિ વાલ્મીકિ પણ એ વાતની પુષ્ટિ કરતાં કહી ગયા છે કે, ચિત્રકૂટનાં સુંદર શાંત શિખરોનું જ્યાં સુધી માણસ નિરીક્ષણ કરે છે ત્યાં સુધી તે કલ્યાણની કેડી પર ચાલ્યા કરે છે અને એના મનમાં ઈશ્વર સિવાય બીજા કોઈ સાંસારિક વિષયોનો મોહ પેદા થતો નથી.

માર્ગ : ચિત્રકૂટ માનિકપુર-ઝાંસી લાઈન પર આવતું રેલવે સ્ટેશન છે. પ્રયાગથી ચિત્રકૂટ જઈ શકાય છે. પ્રયાગથી ૬3 માઈલ ને ત્યાંથી ચિત્રકૂટ સ્ટેશન ર૪ માઈલ છે. ચિત્રકૂટ સ્ટેશને વાહનનો અભાવ હોવાથી, પ્રવાસીઓ એની પાસેના કરવી સ્ટેશને ઊતરીને, ત્યાંથી બસ કે ટાંગા દ્વારા ચિત્રકૂટ જઈ શકે છે.

ચિત્રકૂટમાં સંત તુલસીદાસ જ્યાં રહ્યા હતા તે બે સ્થાનો ખાસ જોવા જેવાં છે. એક સ્થાન છે રામઘાટ પાસે ગલીમાં, ને બીજું સ્થાન છે કામતાનાથ કે કામદગિરિની પ્રદક્ષિણા કરતી વખતે આવતી ચરણપાદુકા પાસે. ચિત્રકૂટમાં વહેતી નદી નાનકડી છતાં નિર્મળ ને સુંદર છે.

ચિત્રકૂટમાં કામદગિરિની પરિક્રમાનો તથા બીજાં નાનાંમોટાં તીર્થોનું દર્શન કરવાનો મહિમા ઘણો મોટો છે. ત્યાનાં તીર્થોના દર્શનનો ઉપક્રમ પાંચેક દિવસમાં પૂરો થાય છે. ચિત્રકૂટની મુખ્ય વસતિ ત્યાં છે. ત્યાં પયોષ્ણી કે પયસ્વિની પર ચોવીસ ઘાટ છે, જેમાં રામઘાટ, કૈલાસઘાટ, રાઘવપ્રયાગ ને ધૃતકુલ્યાઘાટ મુખ્ય છે. વનવાસ દરમિયાન શ્રીરામ રામઘાટની બાજુમાં પર્ણકુટિ બાંધીને નિવાસ કરતા હતા, એમ કહેવાય છે.

સીતાપુરથી દોઢેક માઈલનો દૂર કામતાનાથ કે કામદગિરિ નામનો ડુંગર ખૂબ જ પવિત્ર મનાય છે. રસ્તો પાકો હોવાથી યાત્રીઓને પરિક્રમા કરવામાં કાંઈ મુશ્કેલી નથી પડતી. પરિક્રમામાં જુદાંજુદાં અનેક મંદિરો આવે છે. ચરણપાદુકા, જાનકીકુંડ તથા સ્ફટિકશિલા જેવાં થોડાંક સ્થળોમાં ચરણચિહ્ન પણ જોવા મળે છે. સ્ફટિકશિલાથી પાંચેક માઈલ દૂર ડુંગર પર અત્રિ અને અનસૂયાનો આશ્રમ છે. એ સ્થાન એકદમ એકાંત છે. એની આજુબાજુ જંગલ હોવાથી યાત્રીઓ દર્શન કરીને પાછા વળી જાય છે.

બાલાજી મંદિર : ચિત્રકૂટમાં આવેલા બાલાજીના મંદિર વિશે એક કથા સાંભળવા મળી : ઔરંગઝેબ આજુબાજુનાં બીજાં દેવમંદિરો તોડતો તોડતો એ મંદિર પાસે આવી પહોંચ્યો, ને એને તોડવાની તૈયારી કરવા લાગ્યો. એ વખતે એવો ચમત્કાર બન્યો કે એની સાથેના બધા માણસોને ઝાડા થઈ ગયા, એથી માણસો ગભરાઈ ગયા. ત્યાંના લોકોએ ઔરંગઝેબને મંદિરના પૂજારીની સલાહ લેવાનું સૂચન કર્યું. પૂજારીએ ઔરંગઝેબને મંદિર તોડ્યા વિના પાછા જવા કહ્યું. ઔરંગઝેબે એ સૂચનાનો અમલ કર્યો ત્યારે એના માણસોના ઝાડા આપોઆપ મટી ગયા. એ ઘટનાની અસર એના પર એવી ભારે થઈ કે દિલ્હીથી એણે ખાસ ફરમાન બહાર પાડ્યું, ને તે મુજબ એ મંદિરને થોડાંક ગામ ભેટ કર્યા. અંગ્રેજ સરકારના શાસનકાળ દરમિયાન પણ મંદિર એ ગામડાંની આવકનો ઉપયોગ કરતું હતું.

ચિત્રકૂટમાં જાનકીકુંડ, ગુપ્તગોદાવરી, રામશય્યા તથા ભરતકૂપ પણ જોવાલાયક છે. ભરતકૂપ સીતાપુરથી લગભગ ચાર માઈલ અને ભરતકૂપ સ્ટેશનથી એકાદ માઈલ દૂર છે.

ચિત્રકૂટમાં જયપુરિયા ભવન, આગ્રાવાળી ધર્મશાળા, માજીની ધર્મશાળા તથા કલકત્તાવાળાની ધર્મશાળામાં રહી શકાય છે. જાનકીકુંડ, સ્ફટિકશિલા, અનસૂયા તથા ગુપ્તગોદાવરીમાં ઊંડી, અંધારી ને મોટી ગુફાઓ તથા કુંડ છે.

હનુમાનધારા : હનુમાનધારા નામે એક બીજું સુંદર સ્થળ પણ ઉલ્લેખનીય છે. એ સ્થળે પહોંચવા માટે 3૬0 જેટલાં પગથિયાં ચઢવાં પડે છે. વધારે વૃદ્ધ, અશક્ત અને શ્વાસરોગવાળાએ ત્યાં જવાનું સાહસ ન કરવું. ઉપર હનુમાનજીની મૂર્તિ ને ઝરણું છે. પંડાઓ કહે છે કે, લંકાને બાળ્યા પછી હનુમાનજીના શરીરમાં પેદા થયેલા દાહને શાંત કરવા માટે શ્રીરામે એ ઝરણું પ્રકટાવેલું. એનાથી થોડે ઉપર સીતારસોઈ નામે સ્થળ છે. હનુમાનધારા જવા માટે ચઢવાનું શરૂ થાય છે ત્યાં એક અત્યંત વિશાળ, પુરાતન, ઊંડો કૂવો છે. તેમાં નીચે ઊતરવાનાં ને બીજી બાજુ ઉપર ચઢવાનાં પગથિયાં બાંધેલા છે. એ કૂવો એક અજાયબી જેવો હોઈ ખાસ દર્શનીય છે.

મંદાકિની નદીના તટ પર પાકા ઘાટ બાંધેલા છે. તેમાંના કોઈ પણ ઘાટ પર બેસીને ઈશ્વરસ્મરણમાં મન પરોવવાથી પુષ્કળ આનંદ આવે છે. મંદાકિનીના ઘાટ પરની તથા જાનકીકુંડ પરની કુદરતી સુંદરતા કોઈને પણ મુગ્ધ કરશે અને આનંદ આપશે. ચિત્રકૂટમાં સંતસાધુઓના ઘણાય આશ્રમો છે. જાનકીકુંડ પર રણછોડદાસજી મહારાજનો આશ્રમ છે. ત્યાં રહેવાની વ્યવસ્થા પણ થઈ શકે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.