if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહોબાનું રેલવે સ્ટેશન માનિકપુર-ઝાંસી લાઈન પર માનિકપુરથી ૯પ માઈલ અને બદૌસાથી પ૯ માઈલ દૂર છે.

મહોબાની જાહોજલાલી એક વખત ઘણી ભારે હતી. એ પ્રખ્યાત વીર રાજા આલ્હા અને ઊદલની રાજધાનીનું શહેર હતું. એ બન્ને પૈકી આલ્હાને પાછળથી યોગસાધના પર પ્રીતિ થઈ અને એ અમર બની ગયા. એમ કહેવામાં આવે છે કે, આજે પણ કોઈ કોઈ ભાગ્યશાળી સ્ત્રીપુરુષોને એમના પ્રત્યક્ષ દર્શનનો લાભ મળે છે. લોકોમાં એવી વાત પણ પ્રચલિત છે કે, મૈહરની શારદાદેવી એમની ઈષ્ટદેવી છે અને આલ્હા દ્વારા એ દેવીના કંઠમાં દરરોજ તાજાં પુષ્પોની માળા પહેરાવવામાં આવે છે.

મહોબામાં ઘણાં મંદિરો છે. રેલવે સ્ટેશનથી થોડે દૂર કીર્તિસાગર નામના સરોવરની પાસે મદનસાગર છે. તેની ચારે તરફ દેવમંદિરો છે. મદનસાગરની વચ્ચેના બે ટાપુ પૈકીના એક પર ખખરામઠ નામે શિવાલય છે. એ સરોવરની એક બાજુએ કંઠેશ્વર મહાદેવ તથા ચંડિકા દેવીનાં સ્થાનો છે. કંઠેશ્વર મહાદેવનું સ્થાન એક ગુફામાં છે. એની બાજુમાં શંકરાચાર્ય ગુફા છે. ચંડિકા દેવીની મૂર્તિ લગભગ બાર ફૂટ ઊંચી અને અષ્ટાદશ ભુજાવાળી છે. ભક્તો દૂરદૂરથી દર્શન તથા સાધના માટે આવે છે.

મદનસાગરની પશ્ચિમે આવેલા ગોખાર પર્વત પર રહીને કેટલાય તપસ્વીઓએ તપશ્ચર્યા કરી છે. એ પર્વત પરની અંધારી ગુફા તથા ખીણમાંની ઓરડીઓનું અવલોકન કરવાથી ખાતરી થાય છે કે, પહેલાંના વખતમાં ત્યાં એકાંતપ્રેમી. સાધનાપરાયણ પ્રતાપી સાધકો કે સિદ્ધપુરુષો નિવાસ કરતા હશે. પર્વત આગળથી વસતિ તરફ જતાં લશ્કર-રાવણ નામના સ્થાનમાં બાર ફૂટ ઊંચી, દંડવાળી, ભૈરવની મૂર્તિનું દર્શન થાય છે. મહોબાથી પશ્ચિમે એક ડુંગર પર વનખંડીશ્વરનું સ્થાન છે. મોટાં પગથિયાં ચઢીને ત્યાં જઈ શકાય છે.

ખજુરાહો : મહોબાથી 33 માઈલ દૂરના હરપાલપુર સ્ટેશનથી ખજુરાહો જઈ શકાય છે. પન્ના, સતના, છત્રપુર તથા મહોબાથી પણ બસ દ્વારા જઈ શકાય છે. છેલ્લે થોડુંક પગે ચાલવું પડે છે.

ખજૂરાહોનાં પ્રાચીન ભવ્ય મંદિરો પોતાની કલાત્મકતા માટે વખણાય છે. ચંદેલનરેશોની રાજધાની મહોબા રહેતી. કલિંજરમાં એમનો કિલ્લો હતો, ને ખજૂરાહોમાં એમણે મંદિરો બંધાવ્યા. ખજૂરાહોમાં ત્રીસેક મંદિર છે, જેમાં આઠ તો જૈનમંદિર છે. પ્રત્યેક મંદિરની રચના ઊંચા ઓટલા પર કરેલી છે. મંદિરોમાં કંડરિયા મહાદેવનું મંદિર સૌથી વધારે વિખ્યાત છે. જોકે બીજાં થોડાં મંદિરો પણ એટલાં જ મોટાં, સુંદર અને આકર્ષક છે. એ મંદિરોમાં અસંખ્ય મૂર્તિઓ છે. એકલા કંડરિયા મહાદેવમાં જ, બે ફૂટથી ઊંચી મૂર્તિઓની ગણના કરવામાં આવે તો ८૭ર થાય છે, એમ કહેવાય છે. તો પછી, બધાં મંદિરોની નાનીમોટી મૂર્તિઓ તો કેટલી બધી હશે તેની કલ્પના જ કરવી રહી.

ત્યાંના કેટલાંક પ્રસિદ્ધ મંદિરોનાં નામ આ પ્રમાણે છે : વારાહ મંદિર, લક્ષ્મણ મંદિર, જગદંબા મંદિર, નંદિ મંદિર, વિશ્વનાથ મંદિર, ચિત્રગુપ્ત મંદિર, મતંગેશ્વર મહાદેવનું મંદિર. મતંગેશ્વરનું લિંગ અત્યંત વિશાળ ને મોટું છે. મંદિરોની વચ્ચેના ભાગમાં બાગ બનાવવામાં આવ્યો હોવાથી, એ આખુંયે સ્થાન ઘણું રમણીય લાગે છે.

ખજૂરાહોમાં યાત્રીઓના રહેવા માટે મધ્યપ્રદેશની સરકારે હોટલની વ્યવસ્થા કરી છે. તે ઉપરાંત બીજી સગવડો પણ મળી શકે છે. નાની ડુંગરમાળાઓ, લીલાંછમ ખેતરો અને અસંખ્ય વૃક્ષોવાળો એ પ્રદેશ પ્રવાસીઓનાં મનને મુગ્ધ કરે છે. ભારતીયો જ નહિ, પરંતુ વિદેશીઓ પણ ખજૂરાહોનાં મંદિરોનું અવલોકન કરવા આવતા હોય છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.