કાન્યકુબ્જ : કાન્યકુબ્જને કનૌજ પણ કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં એ એક અત્યંત સમૃદ્ધ શહેર હતું, ને એની ઘણી પ્રસિદ્ધિ હતી, પરંતુ હવે તો એની સમૃદ્ધિ ને જાહોજલાલીનો અંત આવ્યો છે. કાળના પરિવર્તનની સાથે એ ભૂમિની ભવ્યતામાં પણ મોટું પરિવર્તન થયું છે.
કાનપુરથી પચાસેક માઈલ ટ્રેનમાં જઈએ તો એ સ્ટેશન આવે છે. પહેલાં ગંગા એને અડીને વહેતી હતી, પરંતુ હવે તો એ ચાર-પાંચ માઈલ દૂર જતી રહી છે.
કાન્યકુબ્જને અશ્વતીર્થ પણ કહે છે. એની પાછળનો ઈતિહાસ એવો છે કે, ત્યાંના મહારાજા ગાધિની પુત્રી સાથે મહર્ષિ ઋચિકે લગ્ન કરેલું. રાજાએ વિવાહના બદલામાં હજાર શ્યામ કર્ણવાળા ઘોડાઓની માગણી કરી. વરુણદેવને પ્રાર્થના કરીને મહર્ષિએ એમની કૃપાથી ઘોડા ત્યાં પ્રકટ કરી દીધા. મહારાજા ગાધિના પુત્ર વિશ્વમિત્ર થયા, ને મહર્ષિ ઋચિકના પુત્ર જમદગ્નિ ઋષિ થયા.
કાન્યકુબ્જમાં સિંહવાહિની દેવી, ગૌરીશંકર, ક્ષેમકરી દેવી તથા ફૂલમતી દેવીનાં મંદિર છે.
બિઠૂર : કાનપુરથી રર માઈલ દૂર અને કનૌજથી આશરે 3८ માઈલ દૂર આવેલા મંધના સ્ટેશનથી બિઠૂર માટેની ટ્રેન મળે છે. બિઠૂર સ્ટેશન પાસે પહેલાં નવી વસતિ, ને પછી જૂની વસતિ જોવા મળે છે. બિઠૂર એક સરસ તીર્થસ્થાન છે. ત્યાં બ્રહ્માઘાટ જેવા ગંગાના કેટલાય ઘાટ અને અનેક મંદિરો છે. મંદિરોમાં વાલ્મીકેશ્વર મહાદેવ મુખ્ય છે. કેટલાકનું માનવું છે કે, સ્વાયંભુવ મનુની રાજધાની અહીં જ હતી અને ધ્રુવનો જન્મ પણ આ જ સ્થળે થયેલો.
બિઠૂરથી સાતેક માઈલ દૂર વૈલારુદ્રપુર ગામ છે. એનું પ્રાચીન નામ દ્રૈલવ કહેવાય છે. મહર્ષિ વાલ્મીકિની જન્મભૂમિ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. વનવાસનાં વરસો દરમિયાન સીતા અહીં જ વાલ્મીકિ મુનિના આશ્રમમાં રહેલાં. લવકુશનો જન્મ પણ આ જ સ્થળે થયેલો, એમ ત્યાંના લોકો તરફથી કહેવામાં આવે છે. ત્યાં એક જૂના જમાનાનો વાલ્મીકિ કૂવો પણ જોવા મળે છે.
બિઠૂરનું ઐતિહાસિક મહત્વ ખાસ યાદ રાખવા જેવું છે. મહર્ષિ વાલ્મીકિએ રચેલા રામાયણના ઉત્તરકાંડમાં આવે છે કે, શોકમગ્ન બનેલા લક્ષ્મણે સીતાને મસ્તક નમાવીને કહ્યું : ‘ગંગાતટ પરનું આ બ્રહ્મર્ષિઓનું શાંત સુંદર તપોવન છે. આ સ્થળ અત્યંત પવિત્ર મનાય છે. તમે વિષાદમુક્ત થઈને આ સ્થળમાં વાસ કરો એવી શ્રીરામની આજ્ઞા છે. પિતા દશરથના પરમ મિત્ર યશસ્વી ઋષિ વાલ્મીકિનો અહીં આશ્રમ છે. એમાં તમે સુખપૂર્વક નિવાસ કરજો.’
સીતાની નિર્વાસનભૂમિ : લક્ષ્મણે ત્યજાયેલી સીતાને જે સ્થળે છોડેલી તે સ્થળ બિઠૂર, સીતાની નિર્વાસનભૂમિ કહેવાય છે. એનું બીજું નામ બ્રહ્માવર્ત પણ છે. ત્યાં સીતાજીનો ત્યાગ કરવામાં આવ્યો હોવાથી તે ‘પરિહર ક્ષેત્ર’ ગણાયું. આજે ગ્રામભાષામાં એ ‘પરિમલ’ નામથી પ્રખ્યાત છે. કાનપુરથી ઉત્તર-પૂર્વ દિશામાં દસેક માઈલને અંતરે ગંગાકિનારે બ્રહ્માવર્ત નામનો કસ્બો છે, જે બિઠૂર નામથી જાણીતો છે. ગંગામાં સ્નાન કરવાના ઉદ્દેશથી ત્યાં ભાવિક સ્ત્રીપુરુષો મોટી સંખ્યામાં એકઠાં થાય છે.
મહર્ષિ વાલ્મીકિએ પોતાના આશ્રમમાં સીતાને આશ્રય આપ્યો હતો ને કાળક્રમે ત્યાં લવકુશનો જન્મ થયો હતો, એ વાત જાણીતી છે. રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે લવ અને કુશે એ યજ્ઞના ઘોડાને વાલ્મીકિના આશ્રમ પાસે પકડીને બાંધી દીધેલો. પરિણામે આશ્રમથી થોડેક દૂર ભયંકર યુદ્ધ થયું. લવ અને કુશે એ ભીષણ યુદ્ધમાં અદ્દભુત વીરતાથી મોટામોટા મહારથીઓને હરાવીને વિજય મેળવ્યો. છેવટે રામ પોતે યુદ્ધભૂમિ પર હાજર થયા. લવ-કુશની સાથે શ્રીરામનો મેળાપ નિર્દેશતા એ ઐતિહાસિક સ્થળને રણમેલ કહેવામાં આવે છે. એમાંથી અપભ્રંશ થયેલ ‘રમેલ’ શબ્દનો પ્રયોગ આજે થઈ રહ્યો છે. ત્યાં રહેતી પ્રજાને પણ રમેલ કહેવામાં આવે છે.
ધ્રુવજીની સ્મૃતિ : બિઠૂરની પવિત્ર ભૂમિનો સંબંધ પ્રાતઃસ્મરણીય મહાન ભક્ત ધ્રુવની જીવનકથા સાથે પણ જોડાયેલો છે. અહીં આવેલા બ્રહ્મેશ્વરથી અડધો માઈલ દૂર દક્ષિણ દિશાએ ધ્રુવટીલા નામે ટેકરી છે. ત્યાં ધ્રુવેશ્વર નામનું મંદિર છે. એમાં ભક્ત ધ્રુવની કાળા પથ્થરની નાનકડી મૂર્તિ છે. એ ટેકરી પર ધ્રુવના પિતા રાજા ઉત્તાનપાદનો મહેલ હતો અને એમાં ધ્રુવનો જન્મ થયેલો, એવી વાત પ્રચલિત છે.
પુરાણ કથા : પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે, બ્રહ્માએ બિઠૂરમાં બેસીને જગતની રચના કરેલી. એ વિરાટ કાર્યને સાંગોપાંગ પાર ઉતારવા માટે એમણે બ્રહ્મેશ્વર નામના શિવલિંગની સ્થાપના કરીને એની પ્રેમપૂર્વક પૂજા કરી હતી. બ્રહ્માએ ત્યાં કરેલા સૃષ્ટિરચનાના કાર્યની અને એમણે ત્યાં કરેલા દીર્ઘકાળના નિવાસની સ્મૃતિમાં આ સ્થળમાં ‘બ્રહ્માની ખૂંટી’ કરવામાં આવી છે. યાત્રીઓ એનું દર્શન કરી શકે છે.
બ્રહ્મેશ્વરથી એકાદ માઈલ દૂર મહર્ષિ વાલ્મીકિનો આશ્રમ આવેલો છે. એ સ્થળે રહીને જ વાલ્મીકિએ રામાયણની રચના કરી હતી.
દેશભક્તોની આશ્રયભૂમિ: તીર્થ તરીકેના મહિમાની સાથેસાથે આ ભૂમિને ઊછળતા રાષ્ટ્રપ્રેમથી ભરેલા હૃદયવાળા મહાન આત્માઓની પુણ્યભૂમિ તરીકેનો યશ પણ પ્રાપ્ત થયો છે. ઈ.સ. ૧८પ૭ના સ્વાતંત્ર્યસંગ્રામમાં મહત્વનો ભાગ ભજવનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને નાનાસાહેબને આ ભૂમિનો લાભ બાલ્યાવસ્થાથી પ્રાપ્ત થયેલો.
ઈ.સ. ૧८પ૧માં પોતાનું મૃત્યુ થયું તે પહેલાં ઈ.સ.૧८3૯માં બાજીરાવ પેશ્વાએ અંગ્રેજોને લખી જણાવેલું કે ‘મારા મોટા પુત્ર ધોંડોપંત નાનાસાહેબને આ લેખ દ્વારા હું પેશવાઈ પદનો અધિકારી બનાવું છું. બ્રહ્માવર્તની વ્યવસ્થા તથા રાજ્યલક્ષ્મી હું એના હાથમાં સુપરત કરું છું.’
પરંતુ બાજીરાવનું ભાગ્ય વાંકું હોવાથી, અંગ્રેજ સરકારે એના લેખને કબૂલ ના રાખ્યો, અને એથી આગળ વધીને એમને મળતી આઠ લાખ રૂપિયાની નિવૃત્તિરકમ પણ બંધ કરી દીધી. નાનાસાહેબથી એ અપમાન ના સહી શકાયું. એવા અન્યાયી અંગ્રેજ શાસકોને દેશમાંથી હાંકી કાઢવાનો અને એમની સત્તાનો અંત આણવાનો એમણે નિર્ણય કર્યો. કહે છે કે, ઈ.સ. ૧८પ૭ ના આઝાદી જંગના ફણગા એમાંથી જ ફૂટયા હતાં. એ પ્રસંગના પરિણામરૂપે જ એ જંગની યોજના બની. એ યોજના તૈયાર કરવામાં નાનાસાહેબનો તથા તાત્યા ટોપેનો મુખ્ય હાથ હતો. એ યોજના બ્રહ્માવર્તમાં નાનાસાહેબના રાજપ્રાસાદમાં તૈયાર થયેલી. દેશની આઝાદીના એ યાદગાર ઐતિહાસિક જંગમાં પ્રાણને હાથમાં લઈને લડનારા એ વીરપુરુષોની સ્મૃતિમાં એ ભૂમિમાં દર વરસે મેની દશમી તારીખે ઉત્સવ થાય છે. તે વખતે પ્રજા એમને અનુરાગભરી શ્રદ્ધાંજલિ અર્પે છે અને એમનાં જીવનમાંથી પ્રેરણા મેળવે છે.
ઈતિહાસના કથન પ્રમાણે, બાજીરાવ પેશ્વા ઈ.સ. ૧८૧८માં બિઠૂરમાં રહેવા આવ્યા અને અંગ્રેજો દ્વારા અપાતી પેન્શનની રકમ પર જીવન ચલાવવા લાગ્યા. એમણે પોતાની અંગત મિલકતનો સદુપયોગ કરીને આ ભૂમિમાં મંદિરો તથા ઘાટોની રચના કરી. એમણે પોતાના આશ્રયે આવેલા મહારાષ્ટ્રના માધવ નારાયણ ભટ્ટ નામના બ્રાહ્મણ પુત્રને, પોતાને સંતાન ના હોવાથી દત્તક લીધો. પાછળથી એ પુત્રની પ્રસિદ્ધિ નાનાસાહેબ પેશ્વા તરીકે થઈ.
બાજીરાવની સાથે બિઠૂરમાં પાંડુરંગ ભટ્ટ યેવલેકર પણ પોતાના કુંટુંબ સાથે આવેલા. તે ભારે મોટા પંડિત હતા. તેમની પહેલી પત્નીથી રામચંદ્ર ને ગંગાધર નામના જે બે પુત્રો હતા તેમાંના રામચંદ્રને તાત્યા ટોપે તરીકે પ્રસિદ્ધિ મળી.
પેશવાઈના અંત પછી, કાશીમાં પોતાના શેષ જીવનના અંતિમ દિવસો પસાર કરી રહેલા બાજીરાવ પેશ્વાના ભાઈ ચિમણાજી અપ્પાના આશ્રયે મોરોપંત તાંબે રહેતા હતા. ચિમણાજી અપ્પાનું અવસાન થતાં મોરોપંત તાંબે પોતાના પરિવાર સાથે બિઠૂરમાં બાજીરાવના આશ્રયે આવી પહોંચ્યાં. મોરોપંતની પુત્રી મનુ બાજીરાવને ઘણી પ્રિય હોવાથી તેને તે છબીલી કહીને બોલાવતા. તેનું લગ્ન બાજીરાવ પેશ્વાની વગને લીધે ઈ.સ. ૧८૪રમાં ઝાંસીના રાજા ગંગાધરરાવની સાથે કરવામાં આવેલું. એ છબીલી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નામથી અમર બનીને અનેકની પ્રેરણાદાત્રી બની ગઈ.
બિઠૂરની યાત્રા એવી રીતે ધાર્મિક ને રાષ્ટ્રીય બંને જાતનાં સંસ્મરણોથી ભરેલી છે. એટલા માટે જ બિઠૂર ગંગા ને યમુનાના સુખદ સંગમ જેવું લાગે છે. એ ભૂમિમાં ફરતી વખતે ભારતીય ઈતિહાસનાં અતીતકાળનાં સંસ્મરણો અંતરઆંખ આગળ ઊભાં થાય છે.

