if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Damayanti's purity}

When Damayanti woke up, she realized that Nal left her behind. She cried and looked for Nal all over the place but could not find him. Search for Nal took her to a place where she came across a big snake.  She felt helpless as she found no way to escape but accidentally a hunter came by and saved her from the snake. Damayanti told her story to hunter on how she ended up alone in the forest.
Damayanti was extremely beautiful and her helplessness made her vulnerable. Hunter got attracted to Damayanti. When he heard Damayanti's story, he desired her and proposed. Damayanti was morally upright and so she immediately prayed to God that if she wholeheartedly loved only her husband, the hunter would die. Her prayer was heard and hunter died instantly. The moral of the story is that if a person is morally upright, God always help and protect that individual in his troubling time.   

{/slide}

મહારાજા નળ અને દમયંતીનું નામ કોણે નથી સાંભળ્યું ? ભારતના ધર્મકથાવિષયક સાહિત્યમાં રસ ધરાવનાર સૌ એમની કલ્યાણકારિણી કથાથી ઓછેવત્તે અંશે માહિતગાર છે. એ કથાને કહેવાયે વરસો વીતી ગયાં છે તો પણ આજે પણ એ એવી જ પ્રેરક અને પથપ્રદર્શક લાગે છે. મહાભારતના વનપર્વમાં એનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે.

કલિયુગના પ્રતિકૂળ પ્રભાવ નીચે આવીને નળે દમયંતીનો અરણ્યમાં રાત્રી દરમિયાન અસહાયાવસ્થામાં પરિત્યાગ કર્યો. એના પોતાના વસ્ત્રને લઇને પક્ષીઓ ઊડી ગયાં હોવાથી એણે દમયંતીના વસ્ત્રના અર્ધભાગને ફાડીને પોતાના અંગની રક્ષા કરી. ગાઢ નિદ્રામાંથી જાગેલી દમયંતીએ નળે પોતાનો પરિત્યાગ કર્યો છે એવું જાણીને ખૂબ જ વ્યથાપૂર્વક વિલાપ કરવા માંડયો. એની ચિંતા અને પીડાનો પાર ના રહ્યો. એનું સમસ્ત ચિત્તતંત્ર બેચેન બની ગયું. અરણ્યમાં આમતેમ પરિભ્રમણ કરતાં તથા પોકારો પાડતાં એ પોતાના પ્રાણપ્રિય પ્રિયતમને શોધવા લાગી.

પરંતુ એની શોધ નિષ્ફળ ગઇ, નળના સમાચાર કોઇ રીતે ક્યાંયથી ના મળ્યાં, એનો મધુમય મેળાપ ના થયો, ત્યારે વિરહજન્ય વેદના ને વિહવળતા વધી ગઇ.

આંખમાં અસ્ખલિત અશ્રુધારા સાથે અશાંતિપૂર્વક અરણ્યમાં આગળ વધતાં એની નજર એક મહાભયંકર અજગર પર પડી. એ અજગર પોતાનું મુખ ફાડીને એને ગળી જવાની લાલસાથી એની દિશામાં આગળ વધતો હતો. એ ખૂબ જ ભયંકર અને દયારહિત દેખાયો.

દમયંતી પોતાની સુરક્ષા માટે નળનું સ્મરણ કરતી વધારે ને વધારે વિલાપ કરવા લાગી. એની પવિત્રતા તથા સત્યનિષ્ઠા અને પ્રીતિને લક્ષમાં લઇને પરમાત્માની પરમપ્રબળ શક્તિએ  એની સુરક્ષાનો અકસીર ઉપાય કર્યો. જેનું કોઇ ના હોય તેના પણ પરમાત્મા તો છે જ. માનવની સારી રક્ષા કોણ કરે છે ? એનું ધર્મપાલન, સત્કર્માનુષ્ઠાન અને શીલ. એ બધું દમયંતીની વહારે આવ્યું. એના પોકારોને સાંભળીને અરણ્યમાં શિકારે નીકળેલો એક પારધિ એની પાસે આવી પહોંચ્યો. એણે સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને પારખી લઇને સુતીક્ષ્ણ શસ્ત્રની સહાયતાથી એ  મહાભયંકર અજગરનો તત્કાળ નાશ કરી નાખ્યો. દમયંતી ભયમુક્ત બનીને પોતાના સંરક્ષકને નિહાળી રહી.

પારધિની જિજ્ઞાસાના જવાબમાં એણે એની સમગ્ર જીવનકથા અથથી ઇતિ સુધી કહી સંભળાવી. પારધિએ એને આશ્ચર્ય સહિત સાંભળી તો ખરી, કિન્તુ એનું મન દમયંતીના અસાધારણ સૌન્દર્યને નિહાળીને મોહાયું. એની બુદ્ધિ બગડી. જેણે અજગરનો એક જ શસ્ત્રપ્રહારે નાશ કરી નાખ્યો અને એવી રીતે આજ સુધી અરણ્યના કેટલાય જીવોનો સંહાર કરેલો એ પારધિ દુર્વાસાના દુષ્પ્રહારની અસર નીચે આવી ગયો. કામ, ક્રોધ અને લોભનો શિકાર કરવાનું કામ ખરેખર કપરું છે. તે મનુષ્યનો સતત પ્રયત્ન તથા ઇશ્વરની પરમકૃપા માગી લે છે.

એણે દુર્ભાવથી પ્રેરાઇને, દમયંતીને એકલી જાણીને, એની આગળ અમંગલ માગણીને મૂકી. પરંતુ દમયંતી એકલી ક્યાં હતી ? એની સાથે ધર્મ અને ધર્મના અધિષ્ઠાતા ઇશ્વર હતા. એ એની રક્ષા કરવા તૈયાર હતા. પારધિના દુર્ભાવને જાણીને પોતાની પવિત્રતાની રક્ષાના પ્રયોજનથી પ્રેરાઇને એણે તરત જ ઉદગાર કાઢયા કે જો મેં નળસિવાય બીજા કોઇએ પુરુષને માનસિક રીતે પણ પ્રેમની નજરે નિહાળ્યો ના હોય તો આ દુષ્ટ શિકારી અત્યારે જ મૃત્યુ પામે.

એ ઉદગારો નીકળતાં જ શિકારી એ જ ક્ષણે ધરતી પર ઢળીને મૃત્યુ પામ્યો.

શિકારી ભયંકર હતો. કેટલાક શિકારી નિર્દોષ પશુપંખીની અને માનવની હત્યા કરે છે અને કેટલાક બીજાની સુખાકારી, શાંતિ, સમુન્નતિ, સમૃદ્ધિ તેમજ શાલવૃત્તિનો શિકાર કરવા ફરતા હોય છે. સ્વસ્થ સમાજને માટે એ બંને પ્રકારના શિકારીઓ શાપરૂપ અને ઘાતક છે. સત્યનું પાલન કરનારે એ બંનેમાંથી કોઇએ શિકારીથી ડરવાનું, ગભરાવાનું કે ડગવાનું નથી. મહાભારતના વનપર્વનો 63મો અધ્યાય આ કથાપ્રસંગ દ્વારા એવો સંદેશ આપે છે.

દમયંતીની પ્રીતિ તથા પવિત્રતાની પ્રતીતિ આ પ્રસંગ પરથી સહેલાઇથી થઇ રહે છે. આજની સ્ત્રીઓ એની કલ્પના કરી શકશે અને એમાંથી જીવનોપયોગી પ્રેરણાસામગ્રી પામી શકશે તો એમને ને સૌને સારુ શ્રેયસ્કર થશે. દમયંતી તન મન વચનથી એક નળને જ ભજતી અને ભજવા માગતી હતી. એણે એની નિષ્ઠા નળમાં જ કેન્દ્રિત કરેલી. એ દેહલાલસાનો શિકાર સ્વપ્ને પણ બનવા નહોતી માગતી, સાનુકૂળ સંજોગોમાં પણ. એને લીધે એની અંદર સતીત્વની સર્વોત્તમ શક્તિનો પ્રાદુર્ભાવ થયેલો. એ સર્વોચ્ચ સનાતની શક્તિથી એ પાપબુદ્ધિથી પ્રેરાયેલા પારધિના નાશ દ્વારા પોતાની સુરક્ષા સાધી શકી.

માનવની સાચી સુરક્ષા એના શીલથી જ થઇ શકે છે.

એવી રીતે પોતાની સુરક્ષા કોઇ પણ કરી શકે છે.

આજે પણ અને ભવિષ્યમાં પણ.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.