if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Deities help Damayanti}

Damayanti was saved from hunter but she was still alone in the midst of the forest filled with wild animals. She had no idea where to look for Nal. Her search took her to an ashram located in the forest. Sages in the ashram consoled her. They told Damayanti that all her miseries would come to an end in due course of time. Thereafter sages disappeared. Their words filled Damayanti with new hope. She continued her search.
Damayanti met a group traveling to nearby kingdom. She accompanied them and reached the Kingdom of Chedi. There, she met the queen and narrated her story. However, she did not reveal her father and her husband's name. Queen asked Damayanti to stay with her. Damyanti agreed on a condition that she will not serve anyone nor will she talk with any male. Damayanti also put forth a condition that if any male look at her with bad intention, queen would see that he would be punished. Queen agreed to her terms and Damayanti began staying with Sunanda, queen's daughter. One can easily infer that Damayanti was extremely cautious and careful about her character.  

{/slide}

દુર્ભાવનાથી ભરેલા શિકારીના નાશ પછી દમંયતી એ એકાંત અરણ્યમાં આગળ વધી. અરણ્યમાં અસંખ્ય હિંસક ભયંકર પ્રાણીઓ વાસ કરતાં ને વિચરતાં. ક્યાંક ક્યાંક મ્લેચ્છ જાતિના દસ્યુ પણ જુદીજુદી મંડળીઓમાં જોવા મળતા. ભયાનક રૂપવાળા પિશાચ, નાગ અને રાક્ષસો પણ રહેતા. એવા ચિત્રવિચિત્ર ચિંતાજનક અરણ્યમાં નળની શોધ કરતી વિયોગવેદનાથી વ્યથિત દમયંતી વિચરવા લાગી.

નળનું નામનિશાન દેખાયું નહિ ત્યારે, થાકીને લોથપોથ થયેલી દમયંતી એક ઠેકાણે શિલા પર બેસીને વિલાપ કરવા લાગી. એનો વિષાદ પરાકાષ્ઠા પર પહોંચી ગયો. એના પ્રાણના પ્રત્યેક પરમાણુમાં પાર વગરની પીડા થવા માંડી. એને જીવનની જરી પણ મમતા ના હોવા છતાં પણ પોતાના પ્રાણપ્રિય પરમ પ્રેમાસ્પદ પતિ નળના પુનર્મિલનની આશામાં એ જીવનતંતુને ટકાવી રહેલી.

અનેક પ્રકારના પ્રેમપ્રલાપો કરતાં એણે એક સિંહને એની તરફ આવતો જોયો. એની પાસે પહોંચીને એ પ્રેમાસક્ત સ્વરે પરમ નિર્ભયતા પૂર્વક કહેવા લાગીઃ મૃગરાજ, તું સમસ્ત વનનો રાજા છે. હું વિદર્ભનરેશ રાજા ભીમની સુપુત્રી અને નિષધનરેશ મહારાજા નળની પત્ની છું. પતિના વિરહથી વ્યથિત થઇને એમને શોધી રહી છું. તેં એમના જોયા હોય તો મને એમની માહિતી આપીને શાંતિ પ્રદાન કર. નહિ તો મારું ભક્ષણ કરીને સર્વ પ્રકારના સંતાપ અને શોકમાંથી મુક્તિ આપ.

સિંહ શાંતિથી બીજી દિશામાં ચાલ્યો ગયો. એટલે દમયંતી વળી વિલાપ કરવા લાગી. એનું આક્રંદ અતિશયતા પર પહોંચ્યું. એણે એકદમ અસહાય બનીને પર્વતપંક્તિને પતિના સમાચાર પૂછયા. એને અને અખિલ અરણ્યને પોતાને મદદરૂપ બનવા માટે પ્રાર્થના કરી. એ પ્રાર્થનાના પ્રત્યુત્રરૂપે કે બીજા કોઇયે કારણે, ત્રણ દિવસપર્યંત લગાતાર ચાલ્યા પછી એણે અરણ્યમાં એક આશ્રમ જોયો. એ શાંત આહલાદક આશ્રમમાં પરમ પ્રતાપી પ્રાતઃસ્મરણીય તપસ્વીઓ તપ કરી રહેલા. એમના દેવદુર્લભ દર્શનથી પ્રસન્નતા પામેલી દમયંતીનું એમણે સમુચિત સ્વાગત કર્યું. દમયંતીએ એમના પૂછવાથી પોતાનો સઘળો વૃતાંત કહી સંભળાવ્યો એટલે એમણે એને આશ્વાસન આપતાં જણાવ્યું કે આગળ પર તને સુખશાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ થશે. અમે તપઃપૂતા દિવ્યદૃષ્ટિ દ્વારા દેખી શકીએ છીએ કે તને તારા પતિનો વહેલી તકે મેળાપ થશે ને શાંતિ મળશે. દુઃખના દિવસો વધારે નહિ ટકે. તારા પતિ શોક-સંતાપમાંથી મુક્તિ મેળવીને રાજ્યશ્રી દ્વારા અસીમ ઐશ્વર્યના અધિકારી બનશે. એ નીતિની મર્યાદામાં રહીને એટલું જણાવીને એ ઋષિઓ દમયંતીના આશ્ચર્ય વચ્ચે અગ્નિહોત્ર અને આશ્રમની સામગ્રી સાથે એકાએક અદૃશ્ય થઇ ગયા.

સાચા દિલની પ્રાર્થના ફળે છે ને સંતપ્તને સાંત્વના તથા શાંતિ આપે છે. આ પ્રસંગમાંથી એવો ધ્વનિ ઊઠે છે.

જીવાત્મા પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપથી, પરમ પ્રિયતમથી વ્યથિત થાય અને એમને માટે પ્રાર્થના કે પ્રવૃત્તિ કરે; તો દમયંતીની પેઠે પથપ્રદર્શન, પ્રેરણા ને શાંતિ પામે. એની આતુરતાને અવલોકીને એને દૈવી મહાપુરુષો દર્શન આપે ને બનતી બધી જ મદદ કરે.
*
દમયંતીને થયેલા એ આકસ્મિક અલૌકિક અનુભવથી એની શ્રદ્ધા વધી અને બળવત્તર બની.

એને નળના પુનર્મિલનમાં લેશ પણ સંદેહ ના રહ્યો.

અવનવી આશા, આકાંક્ષા, શ્રદ્ધાભક્તિ, તથા હિંમત સાથે એ અરણ્યમાં આગળ વધી.

અરણ્યમાં એને અચાનક એક સંઘનો સમાગમ થયો. એની સાથે આગળ વધવાનું સરળ બન્યું. પરંતુ એ સંઘ પર એક રાત જંગલી હાથીઓના ટોળાએ આક્રમણ કર્યું.

એને લીધે સંઘના અસંખ્ય માનવો નાશ પામ્યા. થોડાક વેદશાસ્ત્ર પારંગત કર્મકાંડી પંડિતો ઉગરવા પામ્યા. એમની સાથે દમયંતીએ આગળ પ્રયાણ કર્યું, અને ચેદિરાજના મહાનગરમાં પ્રવેશ કર્યો.

ત્યાં એને રાજમાતાનો મેળાપ થયો. રાજમાતાએ તેને સ્વેચ્છાથી પોતાની પાસે બોલાવીને તેનો પરિચય પૂછયો એટલે તેણે પોતાની સઘળી કથા કહી સંભળાવી. ફક્ત પોતાના પિતાનું ને પતિનું નામ ના કહ્યું.

રાજમાતાએ એને પોતાને ત્યાં રહેવા માટે જણાવ્યું ને કહ્યું કે મને તારા પ્રત્યે પ્રેમ છે. મારા માણસો તારા પતિની શોધ કરશે. અથવા તે પોતે જ કોઇકવાર અહીં આવી પહોંચશે. તું તારા પ્રિય પતિને અહીં  રહીને જ પામી શકીશ.

રાજમાતાના શબ્દોને સાંભળીને દમયંતી બોલી કે હું અહીં રહેવા માટેના તમારા આમંત્રણને સ્વીકારું છું, પરંતુ મારી શરતને પાળવી પડશે. હું કોઇનું ઉચ્છિષ્ટ ખાઇશ નહી, હું કોઇના પગ ધોઇશ નહીં, બીજા પુરુષો સાથે વાતચીત કરીશ નહીં. કોઇ પુરુષ મારા પ્રત્યે કુદૃષ્ટિ કરે અથવા મારી માગણી કરે તો તમારે તેને દંડ કરવો પડશે. એ જો અવારનવાર એવું કરે તો એનો વધ કરવો જોઇશે. મારા સ્વામીને શોધવા માટે હું બ્રાહ્મણોને ઇચ્છાનુસાર મળતી રહીશ.

દમયંતીની શરતને રાજમાતાએ માન્ય રાખી.

પોતાની સુપુત્રી સુનંદા સાથે દમયંતીને રહેવા માટે વ્યવસ્થા કરી.

દમયંતી ત્યાં નળનું સ્મરણ કરતી તથા નળના સુખદ સમાગમનાં સ્વપ્નાંને સેવતી ઋણાનુંબંધને અનુસરીને રહેવા લાગી.

એ ઘટના એના વ્યક્તિત્વની વિશેષતા બતાવે છે. એની જન્મજાત નીડરતા, તિતિક્ષા, સમયસૂચકતા અને આત્મજાગૃતિ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. એને પોતાની શીલરક્ષા કેટલી બધી પ્રિય હતી તેનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.