॥ अथ योगसूत्रे प्रथमः समाधिपादः ॥
०१. अथ योगानुशासनम् ।
1. atha yoganusasanam
હવે યોગમાર્ગના વિચારની શરૂઆત કરીએ.
*
०२. योगश्चित्तवृत्तिनिरोधः ।
2. yogah chitta-vrutti nirodhah
ચિત્તની વૃત્તિઓના નિરોધને, અથવા ચિત્તની વૃત્તિઓ સંપૂર્ણપણે રોકાઇ જાય તેને, યોગ કહે છે.
*
०३. तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् ।
3. tada drashtuh svarupe avasthanam
નિરોધની એ દશામાં જે દૃષ્ટા છે તે આત્માની પોતાના સ્વરૂપ એટલે મૂળરૂપમાં સ્થિતિ થઇ જાય છે.
*
०४. वृत्तिसारूप्यम् इतरत्र ।
4. Vrutti sarupyam itaratra
યોગસાધના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ ના થાય ત્યાં સુધી, બીજા બધા જ વખત દરમિયાન, દૃષ્ટા આત્મા પોતાના ચિત્તની વૃત્તિઓના જેવું રૂપ ધારણ કરે છે. વૃતિઓની સાથે તે એકરૂપ બની જાય છે. તેને પોતાના અસલ સ્વરૂપનું જ્ઞાન કે ભાન રહેતું નથી, નિરોધમાં જ તેનું જ્ઞાન થઇ શકે છે. આ પરથી એમ પણ સમજી લેવાનું છે કે ચિત્તવૃત્તિનો નિરોધ જડ નથી પણ ચૈતન્યમય અથવા જ્ઞાનમય છે. આત્માને પોતાનું મૂળ સ્વરૂપ મેળવી આપનારો કે પોતાના સત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરનારો છે.
*
०५. वृत्तयः पञ्चतय्यः क्लिष्टा अक्लिष्टाः ।
5. vruttayah panchatayah klishta aklishta
ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની હોય છે, તથા દરેક વૃત્તિના ક્લિષ્ટ ને અક્લિષ્ટ બે ભેદ હોય છે. અવિદ્યા જેવા ક્લેશોને વધારનારી ને યોગમાર્ગમાં વિઘ્નરૂપ થનારી વૃત્તિ ક્લિષ્ટ કહેવાય છે ને ક્લેશને દૂર કરનારી તથા યોગમાર્ગમાં મદદરૂપ થનારી વૃત્તિ અક્લિષ્ટ કહેવાય છે. આ વાતને સમજી લઇ, સારી વૃત્તિની મદદથી પહેલા ખરાબ વૃત્તિને વશ કરી, સારી વૃત્તિનો પણ નિરોધ કરવો જોઇએ. એટલે યોગ થયો કહેવાય.