ભજન છે ભગવાનનું, સેવન વળી સંસારનું,
એક સુખ ને શાંતિ આપે, અન્ય દુ:ખપ્રદ જાણવું.
ભજનથી ક્લેશો શમે ને તાપ ત્રય અંતે ટળે,
અશાંતિ મહીં શાંતિ, ફોરમ સુખદ પ્રસરી વળે.
ભજનને જીવન, વિષયની રતિ જ મૃત્યુ માનવું,
એક સુખ ને શાંતિ આપે, અન્ય દુ:ખપ્રદ જાણવું.
જીવ, વિષમય વિષયના રસમાં જતો ડૂબી નહીં,
પ્રકૃતિના નાદે જતો ભગવાનને ભૂલી નહીં.
ભજન કરતાં ભાવથી છે પરમપદને પામવું,
એક સુખ ને શાંતિ આપે, અન્ય દુ:ખપ્રદ જાણવું.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)