હવે મારે સાધન શું કરવું ?
શું સ્મરવું, શું વદવું મારે, કોને ક્યાં ભજવું,
કોને ગ્રહવું ધ્યાને ધરવું; કોને ને તજવું ? ... હવે.
શાપ મળ્યો છે મોટો મુજને, લેશ નથી ડરવું;
અંત સમય શું કરવું, કોને મનડું આ ધરવું ? ... હવે.
પૂર્વ જન્મના પુણ્યોદયથી જીવન મળ્યું મધૂરું,
મરણ મળે મંગલ એનાથી, કોને તો વરવું ? ... હવે.
વેદ પાઠ કે યજ્ઞ ન કરવા, તીર્થે ના ફરવું,
મંગલ મુક્તિ માર્ગ બતાવો, ભવજલને તરવું ? ... હવે.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

