જે નિર્ગુણ નિરાકાર તે બની જાય સાકાર,
જે ગુણાતીત ગુણસ્વામી તે બને છે ગુણાકાર;
જે પરબ્રહ્મ પરમશક્તિ એ કરવાથી અનુરક્તિ,
પ્રકટે છે બનતાં વ્યક્તિ એની કરુણાનો ના પાર .. જે.
એ સર્વસમર્થ ન એને બદ્ધ કરે કોઈ કેમે,
કોઈ પોકારે પ્રેમે વાત કરે વિશ્વાધાર ... જે.
જળમાંથી બરફ બને છે ને તરંગ સિંધુ ધરે છે,
સાંપડતાં સ્નેહ કરે છે એ પૂરણ પ્રેમાગાર ... જે.
જો કોઈ એને ચાહે, સ્નાન કરે પ્રેમ પ્રવાહે,
કેમ બને ના જો કોઈ હો કરનારું સાકાર ... જે.
- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

