Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કોઇયે બોલાવનારું હોય ના સપ્રેમ,
બેસીશ ના તોય કદી શોકિતની જેમ;
મૂઢ બની ગ્લાનિ ભરી, કરતો ના ક્લેશ,
એનો પ્રેમ તારે માટે ઘટશે ના લેશ.

હાથને લંબાવી તારો કરશે સત્કાર,
મીઠા સ્વરે અંતરનો દૂર કરી ભાર.

આંસૂડાને લૂછનાર કોઇયે ના હોય,
પોકારને સાંભળે ના શાંત કરે કો'ય;
નિરાશ થઇને તોય બેસતો નહીં,
સાથ એનો તારાથી ન છૂટશે કહીં.

આંસૂને લૂછીને કરી દૂર સૌ પોકાર,
ન્હવડાવી દેશે તને ધન્યતાની ધાર.

લોકોની નિંદા ને ટીકા તિરસ્કાર તેમ,
અંતર કરી દે તારું શુષ્ક રણ જેમ;
ક્યાંયે ના આધાર મળે ઠરવાનું ઠામ,
યાદ કરી લેજે ત્યારે એહનો મુકામ.

મંદિરને તારે માટે ખુલ્લું મુકી રોજ,
રાહ જોશે, કરી લેજે તેની જરા ખોજ.

સંપત્તિ શ્રી ઐશ્વર્ય કે યશ યે સુકાય,
હૈયું ગુંગળાય,ક્યાંય પાય ના મૂકાય;
સુઝે નહીં કાંઇ, જડે કોઇ ના ઉપાય,
તોયે ના હતાશ થતો,દીન ભલે થાય.

તારો હશે એ તો, તને ભેટવા સદાય,
ચાહશે સ્નેહથી તને, તું છોને ના ચાહ્ય.

- શ્રી યોગેશ્વરજી