Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જઈ રહી સાગરપાર મારી, પ્રસન્નતાથી ભરપૂર નાવડી;
ઉત્સાહનાં ગીત ભરી અમીભર્યાં, દોડી રહી, કલાંત બને નહીં ઘડી,
પ્રવાસ એનો પરિપૂર્ણ થાયે, ત્યારે જ તે શાંતિનું ગીત ગાયે.

મોજાં ભલેને બળવાન આવે, બલી બની માર્ગ થકી હઠાવે;
ઉત્તુંગ આવે ગિરિ ટેકરાયે, હતાશ થાયે નવ કો ઉપાયે.
મર્દાનગીની મહેફિલ માંડી, ધપ્યે જતી ભીતિ બધીય છાંડી.

શું જોમ ઊર્મિ મધુ હૈયું એનું, ના સાધનાના વિણ કામ કેનું;
પ્રકાશ ને આશ અનંત પ્રેરણા, બાંધી ઉરે ને દિનરાત વેણું.
વાગી રહી ધ્યેય તણી જ જેના, પ્રાણે, રડે અંતર કેમ તેનું ?

ડરે નહીં વાદળથી કદી તે, ના વીજળી કે વરસાદથી યે ;
કરા પડે તોય ન ભીતિ તેને, સુકાન ને સારથિ યોગ્ય સાચે.
મળી ગયાં, ઠેઠ જઈ કિનારે, મળી જશે તે રસગીત ન્યારે.

ભલો થઈ અંતર-બીન-તારે, ઊભો રહીને કવિ હે, કિનારે;
આશાતણું ગીત સદાય ગાજે, ગાઈશ ના તું ગમગીન વાણી,
ના હાનિ કોને કરતો હણાઈ.

- શ્રી યોગેશ્વરજી