Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હું તો જુગોજુગની તમારી દાસી !

તમારો છે નેહ લાગ્યો, તમારા વિના મને,
ખાવી ગમે પહેલાં ફાંસી ....હું તો

તમે એક મારા સાથી, તમારી જ સાથે બાંધ્યા,
મીંઢળ મેં તો પ્રેમ બાંધી,
તમારો છે પ્રાણ વ્હાલા, તમારી સંગિની હું તો,
પ્રેમનગરની વાસી....હું તો

ભવના સાગરમાં ભૂલી પડેલી તમોને પામી,
ધન્યતા રહી છે ન બાકી;
સાચે વ્હાલા, મેં તો તનમન ને અંતરની,
આ માળા તમોને ચઢાવી !....હું તો

પોકારું પ્રેમ થકી, તમારી જ મૂર્તિ તમને,
બતાવું હૈયું ઉઘાડી;
અંતર્યામી તમે તો સમજી લો સાનમાં રે,
જુગોજુગની તમારી દાસી. ...હું તો

- શ્રી યોગેશ્વરજી