દિલમાં જરી જુઓ તો કોઇય ત્યાં રમે છે ?
એક જ તમારું આસન; ના અન્ય કો ગમે છે.
આરાધના તમારી અંતરમહીં હંમેશાં,
જીવન તમોને અર્પ્યું,બીજાનો માર્ગ છે ક્યાં ?
ચરણે તમારે મનડું મલકે ફરે ભમે છે ... દિલમાં જરી.
સુંદર સ્વરૂપ છોડી હૈયું હઠે ન ક્યાંયે
સંતપ્ત શાંતિ પામે કોઇક જેમ છાંયે,
અમૃત થકીય અદકાં ભોજન સદા જમે છે ... દિલમાં જરી.
ના ચાહના કશાની, ના વાસના નકામી,
તૃષ્ણા બધી તમારા વિણ છે ખરે વિરામી;
અંતર બધે તમારી ઝાંખી કરી નમે છે ... દિલમાં જરી.
ના ગુપ્ત ગુઢ કોઇ જગ્યા રહી હૃદયમાં
જ્યાં સ્થાન ના તમારું, જ્યાં અન્ય કો રમે છે;
'પાગલ' તમારે માટે આ પ્રાણ કૈંક દિનથી
આવો પ્રસન્ન થાયે, પીડા સદા ખમે છે ... દિલમાં જરી.
- શ્રી યોગેશ્વરજી