મહેલ કે ઝૂંપડીમાં રહેવાથી જ કોઈ ભોગી
અને જંગલમાં રહેવાથી જ કોઈ જોગી થઈ જતું નથી :
મમતા અને અહંતાને ટાળવાથી જ યોગી થઈ શકાય છે એ યાદ રાખજે.
વાસણ કે પાતળમાં જમવાથી જ કોઈ ભોગી
અને હથેળીમાં લઈને ખાવાથી જ કોઈ જોગી થઈ જતું નથી :
જે વખતે જે સ્થિતિ મળે તેમાં નિશ્ચલતા અને શાંતિપૂર્વક જીવવાથી જ
યોગી થઈ શકાય છે એ યાદ રાખજે.
સુતરાઉ કે રેશમી વસ્ત્રો પરિધાન કરવાથી જ કાંઈ ભોગી
અને રસ્તે પડેલાં ચીથરાંની ગોદડી પહેરવાથી
કે નવસ્ત્રા રહેવાથી જ કોઈ જોગી થઈ શકતું નથી :
શરીરનું મર્યાદા માટે ઢાંકણ કરી, શીલ, સંયમ, શાંતિને ધારણ કરી,
જીવનનો આનંદ લેવાથી જ જોગી થઈ શકાય છે એ યાદ રાખજે.
પર્વત કે સરિતાના સુંદર શાંત પ્રદેશમાં ફરવાથી જ કાંઈ ભોગી
અને પંચાગ્નિનું સેવન કરીને બેસી રહેવાથી જ કોઈ જોગી થઈ શકતું નથી :
સુખ અને દુઃખ, માન અને અપમાનમાં સ્થિરતા જાળવીને
સમતાને ધારણ કરવાથી જ યોગી થઈ શકાય છે એ યાદ રાખજે.
ભેળું કરીને ખાવાથી કે નેતિ, ધોતિ, કે ખેચરી અને પ્રાણાયામ કરવાથી
કે જેમ તેમ વ્યવહાર કરવાથી જ કોઈ પરમહંસ થઈ જતું નથી
અને તેમ ન કરવાથી પરમહંસ મટી પણ જતું નથી.
પણ સાચા ને ખોટાંનો નિર્ણય કરવાથી અને
સત્યરૂપી ઈશ્વરને ઓળખી લેવાથી જ પરમહંસ થઈ શકાય છે એ યાદ રાખજે.
સારી પેઠે બોલવાથી જ ભોગી
અને મૌન ધારીને બેસી રહેવાથી જ કોઈ જોગી થઈ જતું નથી :
મન અને વાણીથી જે પર છે છતાં મન અને વાણી જેમાંથી પ્રેરણા મેળવે છે
તે પરમતત્વમાં સદા કાજે પ્રતિષ્ઠિત થવાથી યોગી થઈ શકાય છે એ યાદ રાખજે.
- શ્રી યોગેશ્વરજી

