Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રત્યેક સાંજે મને આપણું પેલું પુરાણું પ્રેમમંદિર યાદ આવે છે,
સંધ્યાની સુંદર સુરખી જોઈને
તારા પ્રાણની સ્નેહલીલાનું સ્મરણ થાય છે,
ને કૈંનું કૈં થઈ જાય છે.

સ્ત્રી કે પુરુષ, વૃક્ષ કે વેલ, પંખી કે પુષ્પ,
ઉદધિની ઉત્તુંગ તરંગમાળા ને આકાશના તારા,
રસ્તાની ધૂળ કે ઝરણનું મૂળ,
સૌને જોઈને મને તારા રસાળ હૃદયનું સ્મરણ થઈ જાય છે
ને તેમાં તારી જ ઝાંખી થાય છે.

તારું જ સ્વર્ગીય સુખદ સંગીત
શબ્દોના સ્વરૂપમાં સાંભળુ છું,
ને જેને જેને જોઉં છું
તેમાં તારા જ દૈવી દૃષ્ટિપાતનું દર્શન કરું છું.

તારા જ પ્રેમના પરિમલને
શ્વાસપ્રશ્વાસમાં ધારણ કરું છું,
ને તારા જ પેલા અંતરના તારને ઝંકૃત કરનારા
શીતળ સુવાસિત સ્પર્શનો પ્રત્યેક સ્પર્શમાં અનુભવ કરું છું.

એ છે મારા જીવનની રહસ્યસૃષ્ટિ.
તું મારી આંખનાં આંસુ ને મારી પીડા માટે પ્રત્યેક પળે પૂછે છે,
પરંતુ આમાંથી તને તેનો ઉત્તર મળી રહેશે.

પણ તારે મારી દયા ખાવાની જરૂર નથી.
આ જ મારા જીવનનું અમૃત છે
ને આ જ મારી ધન્યતા !

- શ્રી યોગેશ્વરજી