એવો દિવસ પણ આવે, જ્યારે હું લોકોનો શિરમુકુટ બનું.
પ્રતિષ્ઠાના ફોરમફુવારા મારી ચારેતરફ દિશા ને પ્રદિશામાંથી ઊડ્યા કરે
ને મારું જીવન દેવદુર્લભ મહામૂલ્યવાન મહિમા ધારણ કરે;
તો પણ શું ?
મારા સ્વરૂપને, મારા જીવનના સર્વસ્વ એવા તને ને તારા પ્રેમને તો હું નહિ જ ભૂલું !
પ્રખ્યાતિનું એવું પુનિત પ્રભાત પ્રકટી ઊઠે,
જ્યારે આખા વિશ્વમાં હું વંદનીય ગણાઉં;
મારું દર્શન, સ્પર્શન ને સંભાષણ બીજાને માટે આશીર્વાદરૂપ બને;
મને જોવા માટે અનેકનાં અંતર આતુર ને તલપાપડ બને,
ને કવિજન મારી પ્રશસ્તિ કરીને તથા બીજા અનેકાનેક
મારા પથ પર પ્રશંસાનાં પુષ્પો પાથરીને પોતાને કૃતાર્થ કરે ને મને અંજલિ ધરે;
તો પણ શું ?
મારા સ્વરૂપને, મારા જીવનના સર્વસ્વ એવા તને ને તારા પ્રેમને તો હું નહિ જ ભૂલું !
સત્તા ને સાહ્યબી મારી સનાતન સેવિકા બને
ને સંપત્તિ તથા સિદ્ધિ, મારા શ્રીચરણમાં આળોટવા માંડે;
ભૂમંડળમાં અનેકના ભાગ્યના વિધાતા થવાનુંયે સૌભાગ્ય મળે,
ને મારું જીવન અવનીને માટે અજાયબી ને અલંકાર બને;
તો પણ શું ?
મારા સ્વરૂપને, મારા જીવનના સર્વસ્વ એવા તને ને તારા પ્રેમને તો હું નહિ જ ભૂલું !
આકાશમાં ઊડવાની, પાતાળમાં પ્રવેશવાની,
ભૂતભાવિના ભર્તા થવાની ને એવી અનેકવિધ અજાયબીભરી શક્તિ સાંપડે,
ને મારા જેવો બડભાગી આ અવનીમાં બીજો કોઈયે ન રહે;
તો પણ શું ?
મારા સ્વરૂપને, મારા જીવનના સર્વસ્વ એવા તને ને તારા પ્રેમને તો હું નહિ જ ભૂલું !
- શ્રી યોગેશ્વરજી