Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જે નગ્ન ને ચીંથરેહાલ છે,
તેમની વચ્ચેથી તારે માર્ગ કરવાનો છે,
ને તેમની રગેરગમાં ઈશ્વરને જોવાનો છે.
અજ્ઞાન ને આશંકાની આંધી તારી આજુબાજુ વ્યાપેલી છે,
એમાંથી જ તારે માર્ગ કરવાનો છે,
ને તારા ધ્યેયને મેળવવાનું છે.

જ્યાં ફૂલ પણ થતું નથી,
ને ધૂળ પણ ટકતી નથી,
એવા ધખધખતા રણના તારે માળી થવાનું છે,
ને એમાં ફોરમ ફેલાવવાની છે.

ને તારો માર્ગ એવો જ જોઈએ.
તે વિના તારી કસોટી કેમ થાય ?
પણ 'તું મારો પ્યારો પુત્ર છે,'
એથી વધારે બીજું શું કહું ?

હરકત નહિ, મારા પ્યારા પ્રભુ,
ઊની ઊની લૂ મારે મન શીતળ છાંયડી છે,
ને દુઃખનો દાવાનલ સુખનો સાગર.
તમારો મને સદાનો સાથ છે,
પછી મને શી હરકત છે, મારા પ્રભુ ?
તમારો મને સદાનો સાથ છે,
એ જ મારો આનંદ છે.

- શ્રી યોગેશ્વરજી