આવ મારા શ્યામ તને, બોલાવું સવારમાં,
ઊઠતાની સાથે વ્હાલા, સાદ કરું શ્યામ રે.....આવ....
દાતણ કરવા આવજે મારા, શ્યામસુંદર આજે રે,
દાંતણ કરતાં દર્શન પામું, દામોદર તારાં રે......આવ...
પ્રેમના પાણીથી પ્રીતમ, સ્નાન કરીશું સાથે રે,
પ્રેમની ચૂંદડી પહેરીને, પીતાંબર પહેરાવું રે...આવ....
અવનવા શણગાર, સ્નેહથી સજાવીશું,
શણગાર સજી વ્હાલા, આસનીયે બેસીશું.....આવ.....
પ્રાર્થના કરવાને પ્રીતમ, પલાંઠી તું વાળજે,
પાસે બેસીને સાંભળજે, પ્રેમના પોકાર રે...આવ....
સ્મરણની મસ્તી માંહી, તાલ દેજે ત્રિકમ રે,
આંખડી ઉઘાડું ત્યારે,સામે ઊભો રહેજે રે...આવ....
સુખદુઃખ સૂણજે તું, સ્નેહ ધરી મારા રે,
સુખે દુઃખે રહેજે, રાધિકાના પ્યારા રે....આવ....
ભોજન બનાવું ત્યારે, ભળજે ભગવાન રે,
કણકણમાં કૃષ્ણ તું, કામણ ભરજે ન્યારાં રે....આવ....
જીવન જંગ જીતવાને ,જાશું જાદવ સાથે રે
વિજયવંતા કરશે અંતે, શામળિયાજી સાચે રે...આવ....
કામ કરજે કૃષ્ણા મારું, કદમ ભરજે આગે રે,
ધર્મ સત્કર્મે વ્હાલા, સદા રહેજે સાથે રે.....આવ....
સ્નેહ સૂના સદન મારાં, સ્નેહથી સંભારે રે,
અંતરની ઓરડીઓ, આલાપે છે સાચે રે....આવ...
રોમરોમ ઝંખે મારાં, શ્યામ તને ભેટવા,
ભાવથી ભેટજે મુજને, ગોપીજનના પ્યારા રે....આવ...
MP3 Audio : મા સર્વેશ્વરી
MP3 Audio : હેમા દેસાઈ
રચના સમયના મનોભાવો
નિત્યક્રમ મુજબ એક સવારે પ્રભુને પ્રણામ કરતાં દિવસની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રભુનો સાથ મળે તો કેવું, એવી ઝંખનામાંથી આ પ્રાર્થના થઈ શકી.
પ્રીતમદાસનું 'સૂતા ઊઠતાં શામળીયાજી તાન તમારી સાથે જો' એ પદને ગાવાનું મને વિશેષ ગમતું એ પદની જ ભાવનાઓ જ્યારે જીવનમાં જાગૃત બની ત્યારે મેં પણ પ્રભુ પાસે પ્રત્યેક પ્રવૃત્તિમાં પૂર્ણ હાજરી માંગી લીધી.
આ પ્રાર્થના લખાયા પછી એ ગાવાની મસ્તી એવી ચઢી કે કલાકો સુધી ગાયા જ કયુઁ. આખા દિવસ દરમ્યાન પણ એ પંક્તિઓ મનમાં સતત ચાલ્યા જ કરતી. ઘણા દિવસો સુધી એ નિત્યની પ્રાર્થના બની ગઈ. આ પ્રાર્થના દ્વારા દરરોજ પ્રભુને જે કહેવાનું છે, જે કાંઈ એમની પાસે માંગવાનું છે તે પૂર્ણ થઈ જતું.