if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
નિર્વેરનો પરિચય કરાવતાં શ્રી હરિદાસજીએ એક પદમાં કહ્યું છે :

'અબ હો કાસોં વૈર કરૌ ?
કહત પુકારત પ્રભુ નિજ મુખતે, ઘટઘટ હૌં વિહરો;
આપુ સમાન સખૈ જગ લેખૌ, ભક્તન અધિક ડરૌ,
શ્રી હરિદાસ કૃપાતે હરિકી, નિત નિર્ભય વિચરૌ.

'હવે મારે કોઈની પ્રત્યે પણ શા માટે વેર કરવું જોઈએ ? પ્રભુ પોતે જ પોતાના શ્રીમુખે કહી ગયા છે કે સૌની અંદર મારી જ સત્તા વ્યાપી રહી છે. તો પછી શા માટે વેર કરૂં ? સમસ્ત જગતને મારા જેવું માનું છું, છતાં પણ ભક્તો તરફ વધારે આદરભાવ રાખું છું. શ્રી હરિદાસ કહે છે કે ભગવાનની કૃપાથી સંસારમાં સર્વત્ર નિર્ભય થઈને ફરું છું. મને કોઈની સાથે વેરભાવ નથી ને કોઈનો ભય પણ નથી.’

ગીતાના બારમાં અધ્યાયમાં આદર્શ ભક્તનાં લક્ષણોનું વર્ણન કરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણે 'अद्वेष्टा सर्वभूतानां मैत्रः करूण एव च’ કહીને ભક્ત સૌ જીવો તરફ દ્વેષભાવ વગરનો તથા મિત્રતા ને દયાથી સંપન્ન હોય છે એમ કહીને ત્યાં પણ ભક્તની નિર્વેરતા તરફ ધ્યાન દોર્યું છે.

નિર્વેરતા અથવા વેર રહિત દશાનો મહિમા એવી રીતે ઘણો મોટો માનવામાં આવ્યો છે. ભક્ત તથા જ્ઞાની પુરૂષોના જીવનમાં એવી નિર્વેરતા આપોઆપ જ પ્રકટે છે તેનું કારણ તેમની અંદર જાગેલો વિવેક હોય છે. એ વિવેકને લીધે તે જાણે છે કે સંસારમાં સર્વત્ર પરમાત્મા વિલસી રહ્યા છે. સંસારના રૂપમાં જે કાંઈ દેખાય છે તે પરમાત્માનું જ સાકાર સ્વરૂપ છે. સૌમાં એમનો પરમપ્રકાશ પ્રકાશી રહ્યો છે. અને એ પ્રકાશ એની પોતાની અંદર પણ હોવાથી સૌની સાથે એનો અખંડ-અતુટ આત્મિક સંબંધ છે. માટે કોઈની સાથે વેર કરવું બરાબર નથી. બીજા પર વેરભાવ રાખવાનો અર્થ પ્રકારાંતરે પરમાત્મા પર અથવા પોતાના પર વેર રાખવું એવો જ થાય. એટલે ભક્ત કે જ્ઞાની પુરૂષ સૌના પ્રત્યે પ્રેમ રાખે છે.

બીજા સામાન્ય મનુષ્યો જ્ઞાન કે ભક્તિની એવી અસાધારણ અવસ્થાએ એટલા જલદી નથી પહોંચી શકતા, છતાં પણ એમને માટે નિર્વેરતાનું મહત્વ સારી પેઠે સ્વીકારવામાં આવ્યું છે, જીવનને સુખી કરવા, સંવાદી બનાવવા, શાંતિથી ભરવા ને શ્રેયસ્કર કરવા માટે માણસે વેરભાવમાંથી મુક્તિ મેળવવી જ જોઈએ એવી ભલામણ સંતપુરૂષો તથા ધર્મશાસ્ત્રો તરફથી વારંવાર કરવામાં આવી છે. વેરભાવ દૂષણ છે ને નિર્વેરભાવ ભૂષણ છે. વેરભાવના દૂષણમાંથી છૂટીને માણસે નિર્વેરભાવના ભૂષણને ધારણ કરવું જોઈએ એવું અવારનવાર કહેવામાં આવ્યું છે.

કહે છે કે પશુ કરતાં માનવ અનંત ગણો આગળ વધીને સુધારાના સર્વોચ્ચ શિખર પર પહોંચતો જાય છે. છતાં પણ એક વાતમાં એ પશુ કરતાં વધારે આગળ નથી લાગતો. પશુઓમાં પરસ્પર વેરવૃત્તિ દેખાય છે અને એ વેરવૃત્તિના શમનના ઉપાયો પણ એ અજમાવતાં હોય છે. માનવ પણ વ્યક્તિગત કે સામૂહિક રીતે વેરની ભાવનાથી પ્રેરાઈને ના બોલવાનું બોલે છે, ના કરવાનું કરી નાખે છે, જુદી જુદી જાતની યોજનાઓ ઘડે છે, અને જીવલેણ સાધનો કે શસ્ત્રોનો આધાર લે છે. સુધરેલા મનાતા માનવને માટે એ પરિસ્થિતિ ગૌરવ લેવા જેવી તો નથી જ. પશુઓ વેરભાવથી પ્રેરાઈને પરસ્પર ઘૂરકિયાં કરે છે, લડે છે, લોહીલુહાણ બને છે, અને છેલ્લા શ્વાસ લગી જંગ ખેલીને મારે છે કે મરે છે. માનવ પણ વેરથી વીંટળાઈને એ જ પંથે પ્રયાણ કરે છે એ હકીકત આપણી આજુબાજુની દુનિયાનું દર્શન કરવાથી સહેજે સમજી શકાય છે.

વેરભાવ શાથી થાય છે ? કોઈ માણસે આપણને નુકશાન પહોંચાડ્યું હોય અથવા આપણું કાંઈ બગાડ્યું હોય તો એને માટે આપણા દિલમાં વેરભાવ પેદા થાય છે. એનો બદલો લેવાની અને એને નુકશાન પહોંચાડવાની વૃત્તિ આપણામાં પ્રબળ બને છે. કોઈ વાર આપણા કરતાં કોઈ વધારે સુખી હોય તો તેને જોઈને પણ અંતરમાં અકારણ દ્વેષભાવ પેદા થાય છે. કોઈનું સારું ના જોઈ શકવાથી, કોઈની સંપત્તિ-સાહેબી કે સમુન્નતિ ના સાંખી શકવાથી પણ એની પ્રતિક્રિયારૂપે હૃદયમાં દ્વેષભાવની જ્વાળા જાગી ઊઠે છે અને એના અંગારા વાણી, વર્તન તથા દ્રષ્ટિમાં બધે જ ઊડે છે. એ પોતાને તો દઝાડે છે, પરંતુ બીજાને પણ દઝાડવા પ્રયત્ન કરે છે. એક વાર એ વેરભાવ જાગ્યા પછી એને ઓલવવાનું કામ ઘણું કપરૂં બની જાય છે. કેટલીક વાર તો એ આખી જિંદગી સુધી ટકે છે ને કોઈ વાર શરીર છૂટ્યા પછી પણ સાથ કરે છે.

વેરભાવનાનાં કારણો નાનામોટાં અનેક હોઈ શકે છે. પરંતુ કારણો ગમે તે હોય તે છતાં વેરભાવ પોતાને કે બીજાને માટે મંગલકારક નથી એ તો સાચું જ છે. માણસની શાંતિનો એ નાશ કરે છે, એની ઊંઘને પણ ઉડાડી દે છે. એને ચિંતાતુર, ભયભીત તથા ક્રોધી બનાવે છે, અને બીજી રીતે નુકશાન કરે છે. વેરભાવને લીધે માણસની બુદ્ધિ અને વિવેકશક્તિ બહેર મારી જાય છે, અને ના કરવાનું કામ પણ એ કરી નાખે છે, વેરભાવ નાનાંમોટાં ઘર્ષણ અને યુદ્ધમાં પણ પરિણમે છે ને ભારે ખુવારી અને ખાનાખરાબી કરે છે. એ માણસનો પોતાનો તથા સમય આવ્યે સામ્રાજ્યનો પણ નાશ કરી નાખે છે.

મહાપુરૂષો કહી ગયા છે કે આગ વધારે આગથી નથી ઓલવાતી, તેમ વેર વેરથી નથી શમતું પરંતુ પ્રેમથી જ શમે છે. માટે કોઈ આપણા પર વેરભાવ રાખે તો પણ આપણે એનો બદલો વાળવાની વૃત્તિથી એના પ્રત્યે વેરભાવ રાખવાની જરૂર નથી. મહાપુરૂષો એવું કહી ગયા છે, એટલું જ નહિ પરંતુ પોતાના જીવનવ્યવહાર દ્વારા એ કથનની સિદ્ધિ કરીને એના પર સ્વાનુભવની મહોર મારી ગયા છે. એ બાબત ઈશુ, સૉક્રેટિસ, મહર્ષિ દયાનંદ તથા મહાત્મા ગાંધીજી જેવાનાં ઉદાહરણો જાણીતાં છે.

સૉક્રેટિસને ઝેરનો પ્યાલો પાવામાં આવ્યો ત્યારે એ પણ શાંત ને સ્વસ્થ રહ્યા ને વેરની જરા પણ ભાવનાથી પ્રેરાયા વિના કહેવા માંડ્યા કે, 'મિત્રો, હું એક માર્ગે જઉં છું ને તમે બીજા માર્ગે જાઓ છો. બેમાંથી કયો માર્ગ વધારે સારો છે તે તો ઈશ્વર જ જાણે છે.’

ઈશુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા તે પહેલાં એમના માથાનું મુંડન કરાવી, એમને ગધેડા પર બેસાડી, કાંટાવાળો મુકુટ પહેરાવી, જુઓ આ 'ઈશ્વરનો પુત્ર છે,’ એવું પોકારી પોકારીને શહેરમાં બધે ફેરવવામાં આવ્યા તો પણ એ અપમાનની એમના પર કશીયે અસર ના થઈ. એમના પટ્ટશિષ્યોમાંના એક જુડાસે જ એમના ગુપ્ત નિવાસસ્થાનની માહિતી પૂરી પાડીને એમને પકડાવવામાં મદદ કરેલી, છતાં પણ એના પર એ લેશ પણ રોષે ના ભરાયા ને એનો બદલો લેવાની વૃત્તિ એમના મનમાં ના ઊઠી. વધસ્થંભ પર લટકાવીને એમના શરીર પર ખીલા ઠોકવામાં આવ્યા, ત્યારે પણ ઈશ્વરના એ મહાન પ્રતાપી પુત્રે, 'હે પ્રભુ, આ લોકોને માફ કરજો, કેમ કે એમને ખબર નથી કે પોતે શું કરી રહ્યા છે !’ એમ કહીને પોતાના ઉદાર, વિશાળ અંતરનો અને પોતાની ક્ષમા તથા નિર્વેરતાનો પરિચય આપ્યો. એમનું અંતર કેટલું બધું ઉદાત્ત હશે !

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.