Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઉષાદેવી એને મંદિરે ઘોરે સુંદર સ્વપ્નાં જોતી,
ઉષાદેવી આ ગામની ત્યારે મુખડું ધીરે ધોતી,
એકલ અંધારામાં રે,...સુંદર સાથિયા પૂરતી એ.

ગાયને દોહવા બેઠી પછી એ નાની તપેલી લેતાં
દૂધની ધારા ભેગી મળે છે તાલ મજાના દેતાં.
એ તો અમૃત પીતી રે,......શાંતિ ઊંડી લેતી ને.

માતાની સાથે ઊભી રહીને ઘમ્મર ઘમ્મ વલોવે,
ધીરા સાદે આખાયે કામમાં એનો પ્રાણ પરોવે.
કેવો વ્યાયામ એનો એ;....કરાયે વર્ણન એનું શું?

એજ ઉષા પેલી પાણી જાતી બેડલું માથે મૂકી,
ઓઢણી ઉડતી વાએ, એની કેડ રહી છે ઝૂકી.
ચંચળ ચાલે ચાલે રે,.......શોભે ટીલડી ભાલે રે.

એક એ તો હાથ બેડલે મૂકે, બીજે ઓઢણી ઝાલે;
ભીની રેતીમાં શાંત સવારે, ધીરે ધીરે ચાલે.
કૂવે પાણી કાઢે એ,..........આળસ ખંખેરી કાઢે રે.

થાકી પાકી ખરે બપોરે, છાસ ને રોટલો ખાતી;
કામ ને કાજમાં ઘડી બધી એની દિનની ચાલી જાતી;
ક્યાંથી આરામ પામે એ ?....મહેનત એને વહાલી છે.

કોઈ દહાડો ખેતરમાં એ માતાની સાથે જાય,
સોળ વરસની બાળ-જોઈને ખેતર રાજી થાય.
મારી ભૂમિ છે સુંદર આ,..ઊઠે એને અંતરે ભાવો હા!

આખાયે દિનની થાકી પાકી સૂઈ છેવટ જાય,
નિદ્રાદેવી એને ખોળે લઈને હરખઘેલી થાય.
મીઠી નીંદ લઈને રે,............જાગે વહેલી સવારે એ.

*

ઉષાદેવી એને મંદિર બેઠી સુંદર સાથિયા પૂરી,
ઉષાદેવી આ શહેરની ત્યારે, ઘોરતી સ્વપ્ને ઝૂરી.
સાતને સાત ટકોરે રે,..........ઉઘાડે આંખલડીને એ.

આંખડી ચોળી મોઢું ધોતી કૈંક બગાસાં ખાતી,
ચાના પ્યાલાની પાસે જઈને આનંદે બેસી જાતી;
સમાચાર વાંચે પછીથી એ, છાપું એને અત્યંત પ્યારૂં છે.

માતપિતાના શબ્દો સુણીને આંખડી કેવી કાઢે ?
સામે બોલીને શિક્ષણકેરા કૈંક પ્રભાવો પાડે.
કરે ઘરકામ તો ક્યાંથી એ! આળસનું ઘર જ જાણે છે.

સોળ વરસની છોકરી લાગે છવ્વીસ જેવી થયેલી;
આંખડી ઊંડી ગયેલી, ને એ કમરમાંથી વળેલી.
જમીને, ઠાઠ કરીને રે,......શાળાને મારગ જાયે એ.

માથામાં એના તેલ મહેંકે, ગંધ ને અંગે આવે,
ચોપડી હાથમાં લેવાની એને કેમે કરી ના ફાવે;
શક્તિ અંગમાં એના ના,......આકર્ષણ કૈંનું થાયે હા !

દિવસ આખો પૂરો કરીને રાતે પથારીમાં જાય,
રંગભરેલી આંખડી એની કેમે કરી ના મીંચાય.
મોડી સૂઈને રાતે રે,.............મોડી દિવસે જાગે એ.

 - શ્રી યોગેશ્વરજી