કોણ ટમકતું તારલિયામાં, ચમકાર કરે ચંદ્રમહીં ?
આકાશતણી કરે પથારી, આરામ કરે કોણ અહીં ?
કોણ પ્રકાશિત કરે સૂર્યને, લાવે ગ્રહને ગગન વળી ?
કોણ જુએ છે સુંદર રંગો, સુંદર મેઘધનુષ્ય કરી ?
ઉષા અને સંધ્યાની રોજે, રંગોળી આ કોણ કરે ?
વર્ષાનાં વાદળથી આખા આભલિયાને કોણ ભરે ?
વર્ષાના રૂપે વરસીને, ભીની કરતું કોણ ધરા ?
અન્ન ઉગાડે કોણ ખેતરે, પ્રકટાવે છે કોણ ઝરા ?
દોડાવે છે કોણ નદીને, દરિયાકેરી દિશામહીં ?
મીઠી લાગે ચેતનવાળી, કોનાથી આ બધી મહી ?
- શ્રી યોગેશ્વરજી

