વરસે વરસાદ આજ કેવો વરસાદ,
ભાદરવા મહિનાનો કેવો વરસાદ ?
વાદળની કોથળીમાં અમૃતનાં દાન લઈ,
ગગડે ને વરસે છે કેવો વરસાદ ? …. વરસે વરસાદ.
આનંદ થાય એના અંતરમાં કેવો ?
કરી રહ્યો એનો એ તો લાગે છે નાદ … વરસે વરસાદ.
ધરતી પર ધન એ તો ઢોળી રહ્યો બધું,
વહેંચી રહ્યો કેવો મીઠો પ્રસાદ ? … વરસે વરસાદ.
ધરતી ને આભ થયાં એક આજ લાગે,
સ્નાન કરે સરિતા આ ઝરણાં પહાડ … વરસે વરસાદ.
બોલે છે મોરલાને ગીત ગાય કો’ક આ,
સૂનાં હૈયાંને કોઈ પાડે છે સાદ … વરસે વરસાદ.
- શ્રી યોગેશ્વરજી

