હાથે મહેનત કરો, બધાંયે હાથે મહેનત કરો
આળસને પરહરો, બધાંયે હાથે મહેનત કરો ... હાથે મહેનત.
પ્રભાતકાળે પંખી ઊડે માળા મૂકી અહો;
આનંદી એવાજ બનીને, સૌ પુરુષાર્થ કરો ... હાથે મહેનત.
ઝરણાં આ દોડે છે તેવાં સ્ફુર્તિસાથ વહો;
શોક નિરાશાને ખંખેરી, રસથી પ્રાણ ભરો ... હાથે મહેનત.
પરોપજીવી બનવામાં ના સુખ થોડુંય લહો;
જીવનને ઉત્તમ કરવાને, શ્રમનો મંત્ર ખરો ... હાથે મહેનત.
શ્રમમાં છે ના શરમ કશીયે, જો આનંદ ચહો;
શ્રમથી દુઃખ તથા દળદરનો સાગર સહેજ તરો ... હાથે મહેનત.
- શ્રી યોગેશ્વરજી

