Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારો દેશ ખરેખર મોટો.

કુદરત એની કેવી સુંદર, જનતા ને કેવી ?
શાસ્ત્રો એનાં ઉત્તમ કેવાં ? ધરતી મધુ એવી.
એનો જડે ના જગમાં જોટો. ...મારો દેશ.

નદી તેમ પર્વત મેદાનો, વૃક્ષ વળી વેલી
વિવિધ રંગના પંખી કેવાં, કરી રહ્યાં કેલિ ?
એનો પાડે કોણજ ફોટો ? ...મારો દેશ.

એનું ગૌરવ રોજ કરું ને, એને હું પૂજા;
સ્વર્ગતણું ના ખરે બારણું, જગતમહીં દૂજું
એ વિચાર છે ના ખોટો. ...મારો દેશ.

એને માટે કુરબાન બનો, કરતાં શ્રમ ભારે;
સ્વાર્થત્યાગ જો કરો બધા તો, દરિદ્રતા હારે.
ના રહે પછી કૈં તોટો. ...મારો દેશ.

 - શ્રી યોગેશ્વરજી