શોભે છે આ નાનું સરખું ફૂલ કહો કેવું ?
નાની સરખી ડાળીના પર ફૂલ જુઓ કેવું ?
પાંખડી બધી સુંદર એની,
ઉપમાં આપી શકાય શેની ?
ગુલાબનું ફૂલ બગીચામાં શોભે છે કેવું ?
મધુરતા તથા સુંદરતાના જાણે ઘર જેવું ...શોભે છે આ.
સુવાસ એ અદ્ ભુત આપે છે,
અશાંતિ ચિત્તતણી કાપે છે;
મસ્ત કરી દે, સ્ફુર્તિ આપે, આજે એ કેવું ?
કામ કરે છે મોટું, જો કે છે નાના જેવું ...શોભે છે આ.
એના જેવા થઈ શકીએ,
સુવાસ કો’ને દઈ શકીએ;
તો તો જીવન કહો આપણું ધન્ય બને કેવું ?
એવું જીવન બની જાય કો આશિષના જેવું ...શોભે છે આ.
- શ્રી યોગેશ્વરજી

