Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જન્મ ધર્યો જેણે વળી, જતન કર્યું જેણે;
સંસ્કારો આપી કર્યાં મન ઉત્તમ જેણે.
પ્રણામ હો તે દેશને, લાખોવાર પ્રણામ;
એને ચરણે જિંદગી, અર્પણ હજો તમામ !

ઊછેર્યાં જેણે સદા, દિવ્ય દૂધ પાઈ;
હૂંફ ધરી હરરોજ ને, શાંતિ વળી કાંઈ.
ભાવથકી તે દેશને કરીયે કોટિ પ્રણામ.
એને ચરણે જિંદગી, અર્પણ હજો તમામ !

એને કાજે સર્વનાં તનમન હો કુરબાન,
ધનવૈભવ ને સર્વના ન્યોચ્છાવર હો જાન.
રક્ષા કરવા એહની કરિયે યત્ન તમામ.
એને ચરણે જિંદગી, અર્પણ હજો તમામ !

દિવ્ય અમારો દેશ એ,દિવ્ય એહનાં બાળ;
ભેદભાવ ટાળી કરે સેવા કર્મ રસાળ.
અજોડ કરવા એહને, કરીએ સુંદર કામ.
એને ચરણે જિંદગી, અર્પણ હજો તમામ !

દુઃખ દર્દ દેખાય ના, મટે ગરીબી તેમ;
અજ્ઞાન ટળે, સ્વાર્થ ને કુકર્મ ન રહે કેમ.
વેરઝેર ન જડે કહીં, તિરસ્કાર ના હો;
દેશ બને એવો કહો, સ્વર્ગ રહે ક્યાં તો ?

દયા ધર્મ ને સત્યનો પ્રકાશ સઘળે થાય,
ન્યાય નીતિનો નાદ હો,કલેશ બધાયે જાય.
એવો કરવા દેશને, કરીયે સ્વાર્થ હરામ.
એને ચરણે જિંદગી, અર્પણ હજો તમામ !

દેવોએ દુર્લભ કહ્યો, દિવ્ય અમારો દેશ;
બાળક એનાં કેમ ના ગૌરવ માને લેશ ?
પ્રણામ હો તે દેશને, લાખો વાર પ્રણામ.
એને ચરણે જિંદગી, અર્પણ હજો તમામ !

 - શ્રી યોગેશ્વરજી