Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સ્વતંત્રતા, સ્વતંત્રતા, વહાલી અમને સ્વતંત્રતા,
જન્મભૂમિની સ્વતંત્રતા !

બંધન કોને ગમે જગતમાં? સર્વે ચાહે સ્વતંત્રતા;
બંધાયેલાં પણ બોલે છે, પ્યારી અમને સ્વતંત્રતા. ... સ્વતંત્રતા.

જુઓ ઝરણાંનાં પાણી દોડે, રોકટોક તેઓને કયાં?
નદી વહે છે, વાય વાયરા,ગર્જના કરે સાગર આ: ... સ્વતંત્રતા

સૂરજનાં કિરણો ફેલાયે, મુક્ત બની કેવા સઘળાં?
કમળ ઊઘડે, ફુલ ખીલતાં, બોલે છે પંખી વનમાં. ... સ્વતંત્રતા.

વાદળ કેવાં આઝાદ બની,વરસે છે અમૃત ભરતાં?
કેવાં ઝાકળના બિંદુયે, સુખ લેતાં સુખને ધરતાં ? ... સ્વતંત્રતા

વાછરડાં દોડીને કેવાં, માતાને વળગી પડતાં?
કોઈ જાય પકડવા વચ્ચે, તોયે ના એને ગણતાં. ... સ્વતંત્રતા

બાળ બધાં માને ખોળલિયે,સુખ લેતાં સુખને દેતાં;
સિંહાસન પર બેસી જાણે, મુકિતનો મહિમા કે'તાં. ... સ્વતંત્રતા

ગુલામ ના કરીએ કોઈને, ગમે સર્વને સ્વતંત્રતા;
બંધન તોડી દેવા સૌનાં, યત્ન કરીએ હમેશ હા ! ... સ્વતંત્રતા.

સર્વ દેશ હો સ્વતંત્ર તેમજ, સુખી હજો જીવો સઘળા;
એક વાડીનાં ફૂલ બનીને, વાસ ભરો વિશ્વે મધુરા. ... સ્વતંત્રતા

જપો જાપ માનવ સર્વે કે વહાલી અમને સ્વતંત્રતા;
જન્મભુમિની, સર્વ દેશની પ્યારી અમને સ્વતંત્રતા. ... સ્વતંત્રતા

 - શ્રી યોગેશ્વરજી