વાંસળી એવી વગાડો આજ તો રે
સૂકાં હૈયામાં રસ ઊભરાય,
ઊના અંતરમાં શાંતિ છવાય, ..વાંસળી એવી
વેરના વાયરા બધે વાયા કરે રે;
ત્યાં તો પ્રેમ ને પ્રેમ પથરાય,
સંપની લહરી બધે લહરાય; ..વાંસળી એવી
કેવી કડવાશ આ સઘળે દિસે રે;
એને કાઢે કાયમને કાજ,
મીઠાશ ફેલાવે આજને આજ. ..વાંસળી એવી
માનવીને માનવતાના મંત્ર દે રે;
આપે એકતા કેરા પાઠ,
મારે ભેદભાવની જે વાત; ..વાંસળી એવી
વાંસળી ધરતી આ એવી માગતી રે;
જીવન ઉત્તમ જ્યારે આ થાય,
ત્યારે આનંદ એનો ના માય. ..વાંસળી એવી
- શ્રી યોગેશ્વરજી

