Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વર્ષા આવી, આજ વર્ષા આવી,
કેવા સજીને સાજ વર્ષા આવી ?
વાદળની વેણીમાં વીજળીનાં ફૂલ ભરી,
ડંકા નિશાનને સાથે લાવી. ... કેવા સજીને.

કેવી પછેડી એણે અંધારી પાથરી,
સૂરજનાં કિરણો શક્યાં ના ફાવી;
તોફાની બાળા શી રમણે ચઢી એ,
આખી અવનીને રહી જાણે તાવી. ... કેવા સજીને.

અંબોડો ખોલીને હસવા લાગી એ,
ધારા પાણીની જુઓ કેવી આવી ?
પંખી પ્રસન્ન થયાં,ડોલી વૃક્ષોય રહ્યાં,
ખેડૂતે કહ્યું જીવાદોરી લાવી. ... કેવા સજીને.

 - શ્રી યોગેશ્વરજી