ચતુર્થ સ્કંધના આરંભમાં જ મહાદેવ ભગવાન શંકર તથા દક્ષના વિરોધનો પ્રસંગ ઉપસ્થિત થાય છે. એ આખાય પ્રસંગનો એના પ્રતિકૂળ પરિણામ સાથે જે પડઘો પડ્યો તે પડઘાનો સમાવેશ ચતુર્થ સ્કંધના બીજા અધ્યાયમાં મહાત્મા મૈત્રેયને પૂછાયલા વિદુરના પ્રશ્નમાં કરવામાં આવ્યો છે. વિદુર પૂછે છે :
भवे शीलवतां श्रेष्ठे दक्षो दुहितृवत्सलः ।
विद्वैषमकरोत्कस्माद नात्यात्मजां सतीम् ।।
(ચતુર્થ સ્કંધ, અધ્યાય ર, શ્લોક ૧)
‘શીલવાન સત્પુરુષોમાં શ્રેષ્ઠ મહાદેવ પર પુત્રીપ્રેમથી ભરપુર દક્ષે સતીપુત્રીનો અનાદર કરીને શા માટે દ્વેષ કર્યો ? ’
એ પ્રશ્નનો શબ્દપ્રયોગ ખૂબ જ મહત્વનો છે. એ શબ્દપ્રયોગને લીધે એ પ્રશ્ન એક વિશિષ્ટ પ્રશ્ન બની જાય છે. પ્રશ્ન સૂચવે છે કે શીલવાન કે શ્રેષ્ઠ પુરુષ પર દ્વેષ કરવાનું કોને મન થાય ? એમને દ્વેષની નજરે નિહાળવાનું કારણ ભાગ્યે જ હોય. એવા કારણની કલ્પના પણ ના કરી શકાય. છતાં પણ શંકર પર દક્ષે દ્વેષભાવ રાખ્યો તો એનું કારણ દક્ષનું પોતાનું અજ્ઞાન અથવા તો કાંઇક બીજું હશે. દક્ષને પુત્રી પ્રત્યે પણ પ્રેમ હતો. જો તેવો પ્રેમ ના હોત તો એ પોતાની સુપુત્રી સતીનો અનાદર કરત. તો પછી દક્ષે પોતાની પુત્રીનો અનાદર શા માટે કર્યો ?
જેના પરિણામરૂપે સતીએ પોતાના પ્રાણનો પરિત્યાગ કર્યો તે દક્ષના દ્વેષનું કારણ શું ?
એવા અલૌકિક શંકર ભગવાન સાથે દક્ષનો સાંસારિક સંબંધ બંધાયો તો પણ એ એમના મૂળભૂત મહિમાને ના સમજી શક્યો અને એથી આગળ વધીને એમની સાથે કટુતા કરી બેઠો એનું કારણ એનો અહંકાર અને એનું અજ્ઞાન જ હતું. અહંકાર અનેક પ્રકારના કહેવાય છે. વિદ્યાના, તપના, બળના, રૂપના, પદના, પ્રતિષ્ઠાના, ધન-વૈભવ અથવા ઐશ્વર્યના, સિદ્ધિના, સત્તાના અને એવા કેટલીય વસ્તુઓના. કોઇને દેહાભિમાન તો કોઇને મિથ્યાભિમાન હોય છે. કોઇને ભક્તિનું, આત્મજ્ઞાનનું, સદુપદેશ દેવાની શક્તિનું, કથા કરવાની કળાનું, સંન્યાસ, બ્રહ્મચર્ય કે લગ્નજીવનનું તો કોઇને યોગની સાધનાનું અભિમાન હોય છે. અભિમાનના મૂળ કારણરૂપે એમ એક અથવા અનેક વસ્તુઓ રહેતી હોય તો પણ એનો કોઇ રીતે બચાવ થઇ શકે તેમ નથી. એને ગૌરવરૂપ ગણી શકાય કે એનો આશ્રય લઇ શકાય તેમ પણ નથી. એને ગુણ નહિ પરંતુ અવગુણ જ ગણવામાં આવે છે. આત્મિક વિકાસની દૃષ્ટિએ એ બાધક છે. કોઇ માણસ આત્મવિકાસની દિશામાં કેટલો આગળ વધ્યો છે એ જાણવું હોય તો એની નમ્રતા અથવા અહંકારરહિતતા પરથી જાણી શકાય છે. આધ્યાત્મિક વિકાસમાં જ નહિ પરંતુ જીવનના માનવીય વિકાસમાં પણ સુચારુરૂપે આગળ વધેલા માનવનું જીવન વધારે ને વધારે નમ્ર, નિખાલસ અને દંભરહિત થતું જાય છે. અહંકારી માનવો કેટલીકવાર કોઇક નાનાસરખા કારણને લીધે તો કોઇકવાર દેખીતા નાના કે મોટા બાહ્ય કારણ વગર જ પોતાના મનની અવિદ્યાગ્રંથિને લીધે દુઃખી થતા હોય છે. અહંકાર માનવના ગુણોને ઢાંકી દે છે અને એનું અધઃપતન કરે છે. એની પાસે સુખકારક અથવા શાંતિદાયક બીજું બધું જ હોય તો પણ એને દુઃખી કરે છે અને બેચેન અથવા અશાંત બનાવે છે. એના જીવન વિકાસમાં અંતરાય ઊભો થાય છે. એથી બીજાને તો જે હાનિ થતી હોય તે ભલે થતી પરંતુ મોટામાં મોટી હાનિ તો એને પોતાને જ થાય છે. એવા ઉદાહરણો આ અવનીમાં અનેક છે. કેટલાંક ઉદાહરણો પ્રાચીન છે તો કેટલાક અર્વાચીન. દક્ષનું અહીં અપાયલું ઉદાહરણ પ્રાચીન હોવા છતાં પણ અર્વાચીન કાળને માટે પણ ખૂબખૂબ ઉપયોગી, પ્રેરક તથા પથપ્રદર્શક થઇ પડે એવું છે.
ભગવાન શંકરની સાથેના દક્ષના વિઘાતક વિરોધનું તથા અસાધારણ દ્વેષભાવનું કારણ આમ તો સાવ સાધારણ હતું પરંતુ એમાંથી વિશાળ વૃક્ષની રચના થઇ ગઇ. આ અવનીમાં આપણે શા માટે આવ્યા છીએ ? આપણી જાતને અને ઇશ્વરને ઓળખવા. આપણા મૂળભૂત વાસ્તવિક સ્વરૂપને તથા ઇશ્વરને ભૂલવા નહિ. બીજાને ઉપયોગી થવા; અનુપયોગી થવા નહિ. કોઇકના જીવનને બની શકે તો બનાવવા; બગાડવા માટે નહિ, હાનિ નહિ પરંતુ લાભ પહોંચાડવા. રડાવવા નહિ પરંતુ હસાવવા. શોક ફેલાવવા નહિ પણ આનંદની લહર રેલવા. ડૂબાડવા નહિ, તારવા. ધિક્કાર કે દ્વેષ રાખવા નહિ પરંતુ પ્રેમનો પ્રસાર કરવા કે પ્રેમ કરવા. વિસંવાદની નહિ, સંવાદની સૃષ્ટિ કરવા. છૂટા પડવાનું કે થવાનું નહિ, પરંતુ ભેગા મળવાનું ને રહેવાનું શીખવવા. વિષને નહિ પણ અમીને, અંધકારને નહિ પણ પ્રકાશને ને મૃત્યુને નહિ પરંતુ જીવનને શાશ્વત, સરળ કે સહજ કરવા. અવની પરના આગમનના એ હેતુને ભૂલીને જેમ તેમ જીવવામાં આવે છે ત્યારે માનવનું પોતાનું અને બહારની અવનીનું જીવન જડ બને છે, દુઃખ ભોગવે છે, અને અશાંત થાય છે. દક્ષના જીવનમાં પણ એવું જ બન્યું. એ એના નામ પ્રમાણે દક્ષ કે હોશિયાર ના રહી શક્યો પણ અવિવેકી અને ગાફેલ બન્યો. પૃથ્વી પરનો પ્રત્યેક જીવ દક્ષ છે. એ દક્ષ રહે ને દક્ષ બને એવું ઇચ્છવામાં આવે છે. છતાં પણ એ જ્યારે દક્ષતાનો ત્યાગ કરે છે ત્યારે અશાંતિમાં પડે છે.
દક્ષના જીવનમાં જરૂરી દક્ષતા ના દેખાઇ. પ્રજાપતિઓના વિશાળ યજ્ઞમાં એકવાર મોટા મોટી ઋષિમુનિઓ, તથા બીજા સુપ્રતિષ્ઠિત સત્પુરુષો પોતપોતાના પરિવાર સાથે એકઠા થયેલા. એ યજ્ઞમંડપમાં જ્યારે દક્ષે પ્રવેશ કર્યો ત્યારે એ બધા જ એની કાંતિથી આકર્ષાઇને અને એના અલૌકિક પ્રભાવથી પ્રભાવિત થઇને તરત જ ઊભા થયા. યજ્ઞના આયોજકોએ એનો વિધિપૂર્વક સારી રીતે સત્કાર કર્યો. દક્ષ બ્રહ્માને પ્રણામ કરીને મંડપમાં બેઠો તો ખરો પરંતુ એની આંખમાં ત્યાનું એક દૃશ્ય ખૂંચવા લાગ્યું. એ દૃશ્યે એના આનંદના અર્ણવમાં એકાએક ઓટ આણી દીધી. એ દૃશ્યને એ ભૂલી ના શક્યો. એ દૃશ્ય એને સહેજ પણ રુચિકર ના લાગ્યું પણ પીડા પહોંચાડવા માંડ્યું. એના સ્વાગતમાં બીજા બધા જ ઊભા થયેલા પરંતુ ભગવાન શંકર નહોતા ઊભા થયા. એ ચિત્રાંકિત આકૃતિની પેઠે સ્થિતપ્રજ્ઞ બનીને એમના આસન પર જ બેસી જ રહેલા. વાત ઘણી જ નાની હોવાં છતાં દક્ષને માટે ખૂબ જ મોટી થઇ પડી.
મોટા ભાગના માનવો માનના ભૂખ્યા હોય છે ને બીજા પોતાને માને કે માન આપે એ જોઇને આનંદ પામે છે. કેટલાક પોતે માન લેવા માટે જ જન્મ્યા છે એવું માનીને જીવતા હોય છે. બીજાની પાસેથી એ માનની ઇચ્છા રાખે છે ખરા, પરંતુ બીજાને એવું માન નથી આપી શક્તા. એ એમના જીવનની કરૂણતા જ કહી શકાય. ત્યાગી, જ્ઞાની ને સંન્યાસીઓના જીવનમાં પણ કેટલીકવાર એવી કરૂણતાનું દર્શન થાય છે. બધાનો ત્યાગ કરી ચૂકેલા વિરક્તો કેટલીકવાર માનની વૃત્તિનો પરિત્યાગ નથી કરી શકતા. લોકો એમને ઊભા થઇને સત્કારે ત્યારે એ આનંદ અવશ્ય પામે છે, એમને એ ગમે છે પણ ખરું, પરંતુ એ બીજાને એવી રીતે નથી સત્કારતા. કોઇ એમના સ્વાગતમાં ઊભું ના થાય કે આગળ ના આવે તો એમને ખરાબ લાગે છે, એમનું મોઢું બગડી જાય છે, અને એ એક અથવા બીજી રીતે નારાજી બતાવે છે. એ બધી સ્વભાવગત નિર્બળતાઓમાંથી માણસે છૂટવાનું છે. એવી નિર્બળતા માણસને દુઃખી કરે છે. આપણે ક્યાંક જઇએ ત્યારે કોઇ ઊભા થઇને આપણને સત્કારે નહિ કે આપણે માટે આદરપૂર્ણ સ્વાગતના શબ્દો ના કહે, અરે આપણને પ્રેમ કે પૂજ્યભાવે પ્રણામ પણ ના કરે, તો તેથી શું થયું ? આપણે ખોટું શા માટે લગાડવું ને દુઃખી કે ક્રોધી શા માટે બનવું જોઇએ ?
દક્ષ એવો આત્મજ્ઞાની નહતો એટલે એના પર શંકરના વર્તનની અસર ઘણી પ્રતિકૂળ પડી. એને ખૂબ જ માઠું લાગ્યું ને ક્રોધે ભરાતાં વાર ના લાગી.
ક્રોધના આવેગમાં તણાઇને એણે શંકરને ના કહેવા જેવાં કેટલાંય અપમાનજનક અઘટિત વચનો કહી નાખ્યાં. એ વચનો સંસ્કારી માનવના મુખમાં શોભે તેવાં નહતાં. એણે શાપ પણ આપ્યો કે દેવગણોમાં અધમ મહાદેવ દેવોના યજ્ઞમાં હવેથી ઇન્દ્ર અને ઉપેન્દ્ર જેવા બીજા દેવોની સાથે યજ્ઞભાગ નહિ મેળવે.
યજ્ઞમંડપમાં બેઠેલા બીજા અનેકે અટકાવવા ને સમજાવવા છતાં પણ એણે કોઇનુંય માન્યું નહિ. શાપ આપીને એ ત્યાંથી વિદાય થયો.
આખાય યજ્ઞમંડપમાં હાહાકાર થઇ રહ્યો.
મહાદેવના અનુચરોમાં મુખ્ય મનાતા નંદીશ્વરે દક્ષને અને એના શાપનું સમર્થન કરનારા બીજા પુરુષોને સામેથી શાપ આપતાં જણાવ્યું કે શંકરનો દ્વેષ કરનાર સત્યનો સાક્ષાત્કાર નહિ કરી શકે. દક્ષ સંસારના વિનાશશીલ વિષયોમાં ડૂબીને આત્મસ્વરૂપને ભૂલી ગયો છે ને જડ બન્યો છે. એને બોકડાનું મુખ પ્રાપ્ત થશે. એનું સમર્થન કરનારા અને એને અનુસરનારા પણ શાંતિ તથા મુક્તિને મેળવવાને બદલે જન્મમૃત્યુના દુઃખદ ચક્રમાં નિરંતર ફર્યા કરશે. એ આ પૃથ્વી પર દીન, હીન કે કંગાળ થઇને, યાચક બનીને, ભટકતા રહેશે.
નંદીશ્વરનો શાપ સાંભળીને ભૃગુ ઋષિએ સામેથી શાપ આપ્યો કે શંકરની ઉપાસના કરનારા શાસ્ત્રવિરોધી તથા પાખંડી થશે, દુર્ગુણી કે દુર્વ્યસની બનશે, અને સમાજમાં પ્રતિષ્ઠા નહિ મેળવે.
શાપ આપવાની શક્તિ મોટી મનાય છે પરંતુ આશીર્વાદ કે વરદાન આપવાની શક્તિ એથીયે મોટી છે. અમંગલ કરવામાં જે શક્તિ જોઇએ છે એના કરતાં મંગલ કરવામાં સવિશેષ શક્તિની આવશ્યકતા પડે છે. કોઇનું બગાડવું સહેલું છે; બનાવવાનું અઘરું છે. માનવની મહત્તા વિનાશમાં નથી, સર્જનમાં છે. દ્વેષમાં નથી, પ્રેમમાં છે. અભિશાપરૂપ થવામાં નથી, આશીર્વાદરૂપ બનવામાં છે. ધિક્કારવામાં નથી, ચાહવામાં છે. મહાપુરુષોને માટે એવી મહત્તા સ્વાભાવિક હોય છે. મહાદેવ દેવોના દેવ હતા. એ શિવ અથવા કલ્યાણરૂપ, કલ્યાણ કરનારા કહેવાતા. એ કોઇનું અકલ્યાણ કેવી રીતે કરી શકે ? અકલ્યાણની કલ્પના પણ ક્યાંથી કરી શકે ?
દક્ષ જીવ છે. એ બીજા બધા જીવોની જેમ શુભાશુભના, માનપમાનના, સુખદુઃખોના દ્વંદ્વાત્મક ઝુલે ઝુલ્યા કરે છે. એનું જ્ઞાન અને એની શક્તિ સીમિત અથવા અલ્પ છે. એની ઉપર ભાતભાતની પાર્થિવ પ્રતિક્રિયાઓ પડ્યા કરે છે. મહાદેવ શિવ છે. સ્વસ્થ તથા શાંત છે. એ સર્વ પ્રકારની પાર્થિવ-અપાર્થિવ પ્રક્રિયાઓથી પર છે. એમના અસાધારણ અનંત મહિમામાં સ્થિત હોવાથી ચંચળતા તથા ઉત્તેજનાથી પર છે. એમની શક્તિ અનંત હોવા છતાં એ દક્ષને શાપ આપવા શા માટે તૈયાર થાય ? એ જીવનું અનુકરણ અથવા અનુસરણ શા માટે કરે ? એમના મહિમાને જીવ જો ના જાણે અને ના જાણવાને લીધે કેટલીક વિરોધી કે વિપરીત પ્રવૃત્તિ કરી બેસે તો એ શા માટે બેચેન બને, અશાંત થાય, અકળાઇ ઊઠે, અને અનુચિત પગલું ભરે ?
શંકર એટલા માટે જ શાંત રહ્યા. દક્ષના અનુચિત અપમાનજનક અભિશાપને સાંભળીને કોઇ પણ પ્રકારનો શાપ આપવાને બદલે એ ત્યાંથી સંપૂર્ણ સ્વસ્થ ચિત્તે, વિદ્વેષ કે વિરોધના વહ્નિને વધારવાનો પ્રયત્ન કર્યા વગર, શાંતિપૂર્વક ચાલી નીકળ્યા.
દક્ષનું અજ્ઞાન અને મિથ્યાભિમાન જોઇને એમને થોડીક ખિન્નતા થઇ ખરી.
એક સાધારણ જેવી વસ્તુએ એવી રીતે અસાધારણ સ્વરૂપ ધારણ કર્યું. દક્ષની અને શિવની વચ્ચે તથા અન્ય અનેકની વચ્ચે દ્વેષભાવની સૃષ્ટિ થઇ.