વિદ્વેષની એ વિષસૃષ્ટિ દિનપ્રતિદિન વધતી જ ગઇ. મહાદેવને પોતાને માટે તો વિદ્વેષને જગાવવાનું કે વધારવાનું કશું કારણ નહતું પરંતુ દક્ષની દૃષ્ટિ વધારે ને વધારે વિકૃત થતી ગઇ. જમીનમાં પડેલું બીજ જેમ પ્રાકૃતિક પ્રક્રિયાઓથી પ્રભાવિત થઇને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે ને પ્રબળતા ધારે છે તેમ પ્રેમનું કે દ્વેષનું બીજ પણ વૃદ્ધિગત બનતું જાય છે. માણસે એ બીજમાંથી મુક્તિ મેળવવાની છે - ખાસ કરીને દ્વેષના બીજમાંથી. પ્રેમ પણ અવિવેકી, દુન્યવી અને આસક્તિયુક્ત બનાવીને બધ્ધ કે દુઃખી ના કરે અને ભાન ના ભૂલાવે તેનું ધ્યાન રાખવાનું છે.
વખતના વીતવાની સાથે બ્રહ્માએ દક્ષનું બહુમાન કરીને એનો સઘળા પ્રજાપતિઓના અધિપતિપદે અભિષેક કર્યો.
એવા બહુમાનથી એનો ઘમંડ વધી ગયો.
પોતાના ઘમંડને પોષવા માટે એણે પ્રથમ વાજપેય યજ્ઞ કર્યો ને બ્રહ્મનિષ્ઠ પુરુષોનું અપમાન કર્યું. એ પછી એના જ અનુસંધાનમાં બૃહસ્પતિસમ નામના વિરાટ યજ્ઞનો આરંભ કર્યો.
યજ્ઞોનાં આયોજનો એ જમાનામાં અનેક રીતે ઉપયોગી અથવા આશીર્વાદરૂપ થતાં. એમાં વેદપાઠ થતાં, શાસ્ત્રોની ચર્ચા-વિચારણાની પ્રાણવાન પ્રવૃત્તિ ચાલતી, સમીપના અને દુરના સંત મહાત્માઓ એકઠા થતા, એમના દેવદુર્લભ દર્શન-સમાગમ-સદુપદેશનો લાભ આપોઆપ પ્રાપ્ત થતો, એમાં અનેકનાં સન્માન કરાતાં, અને દીનહીનને જીવનપયોગી પદાર્થોની પ્રાપ્તિ થઇ શક્તી. યજ્ઞો જ્ઞાનવિજ્ઞાનના આદાન પ્રદાનના સુંદર સંમેલનની ગરજ સારતા. લાખો લોકો એમનો લાભ લેતા.
દક્ષ પ્રજાપતિના એ વિશાળ પાયા પર યોજાયેલા યજ્ઞમાં ભાગ લેવા માટે દેવો, યક્ષો, ગંધર્વો, ઋષિમુનિઓ અને અન્ય પ્રજાપતિઓ તથા મનુષ્યો દક્ષના આમંત્રણને માન આપીને જઇ રહેલા. એમના અંતરમાં અસાધારણ આનંદ હતો. દક્ષે બધાને આમંત્રણ આપેલું પરંતુ શંકરને તથા સતીને યાદ પણ ના કરેલાં. છતાં પણ એવા શુભાવસર પર સતીને ત્યાં જવાની ઇચ્છા થઇ. એ ઇચ્છા સતીએ શંકરની આગળ પ્રગટ કરી. એમણે જણાવ્યું કે યજ્ઞમાં મારી બેનો આવશે એમને, મારી માતા ને બીજાં સ્વજનોને મળી શકાશે. વળી મારી જન્મભૂમિના દર્શનની મહેચ્છા પણ મારાં મનમાં પેદા થઇ છે. પોતાના મિત્ર, પતિ, ગુરૂ અને પિતાને ઘેર તો વગર આમંત્રણે પણ જઇ શકાય છે. માટે મારી ઇચ્છા પરિપૂર્ણ થાય એવો આશીર્વાદ આપો. તમે તો નીલકંઠ છો. બીજાના કલ્યાણને કાજે જ શ્વાસ લો છો. તો મારા સંતપ્ત અંતરને શાંતિ મળે એવું અવશ્ય કરો.
સતીના શબ્દોને સાંભળીને શંકરે સ્મિત કર્યું. એ સ્મિતમાં સુખ કે ઉલ્લાસ નહતો પરંતુ સંવેદન હતું. એમણે સતીને શાંતિપૂર્વક જણાવ્યું કે સ્વજનોને ત્યાં બોલાવ્યા વગર જઇ શકાય છે તે સાચું છે, પરંતુ ક્યારે જઇ શકાય છે ? એમને આપણા પ્રત્યે પ્રેમ અથવા આદરભાવ હોય છે ત્યારે. એમને જો આપણા પ્રત્યે દ્વેષભાવ હોય અને ઘમંડી બનીને એ આપણું અમંગલ ઇચ્છતાં હોય તો એમને ત્યાં વિના આમંત્રણ જવાનું અનુચિત કહેવાય છે. એમની પાસે જઇએ તો પણ એ આપણો સત્કાર નથી કરતા, કઠોર વચનો કહે છે, અને આપણી સાથે દુર્વ્યવહાર કરે છે. ત્યારે જે દુઃખ થાય છે એ અસહ્ય હોય છે. એ દુઃખને લીધે શરીરને ધારવાનું એકદમ અશક્ય બની જાય છે. માટે દક્ષ પ્રજાપતિ તારા પિતા હોવાં છતાં તેમની પાસે જવાની જરૂર નથી. મારા આદેશનો અનાદર કરીને જો તું જઇશ તો તારું કલ્યાણ નહિ થાય. પ્રતિષ્ઠિત, સ્વમાનપ્રિય વ્યક્તિનું સ્વજનો તરફથી થતું અપમાન એના તત્કાળ મૃત્યુનું કારણ થઇ પડે છે.
यदि व्रजिष्यस्यतिहाय मद्कचो भद्रं भवत्या न ततो भविष्यति ।
संभावितस्य स्वजनात्पराभवो यदा स सद्यो मरणाय कल्पते ।।
(ચતુર્થ સ્કંધ, અધ્યાય ૩, શ્લોક ૨૫)
મહાપુરુષોની દૃષ્ટિ દૈવી હોય છે. એ આગળ, પાછળ અને આજુબાજુ બધે જ જોઇ શકે છે તથા ભૂત-ભાવિનું દર્શન કરે છે. એમની આગળ કોઇ આવરણ નથી રહેતું. માનવના ચર્મચક્ષુની અને અંતઃકરણની આગળના અવિદ્યાના ગાઢ-અતિગાઢ આવરણને ભેદીને એ દૃષ્ટિ દૂર સુદૂર સુધી ભૂત તથા ભાવિના અનંત ઊંડાણોમાં પહોંચી જાય છે. એમને સર્વજ્ઞાતૃત્વ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરના ઉદ્દગારો એમના સર્વજ્ઞાતૃત્વના અથવા એમની દૈવી દૃષ્ટિના પરિચાયક હતા પરંતુ એ વખતે સતીને એની ખબર ક્યાંથી હોય ? એમની પાછળની વ્યંજનાને એ શી રીતે સમજી શકે ?
શંકરના આદેશની ઉપરવટ જઇને સતી ચાલી નીકળી. એના પરિણામે શંકરના શબ્દો સાચા પડ્યા. જે બનવાનું હતું તે બની ગયું.
સતીની પાછળ શંકરના પાર્ષદો, અનુચરો, ગણો ને નંદીશ્વર પણ ચાલી નીકળ્યા.
સતી યજ્ઞમંડપમાં આવી પહોંચી ત્યારે તેની માતા તથા બેનો વિના બીજા કોઇએ એનો સત્કાર ના કર્યો. તે યજ્ઞમાં ભગવાન શંકરનું ઉચિત સ્થાન પણ ના જોઇને એની પીડાનો પાર ના રહ્યો. એનો ક્રોધ પરાકાષ્ઠા પર પહોંચી ગયો. એને એવા અતિઘોર અપમાનની વચ્ચે જીવવાનું પણ નીરસ અને નિરર્થક લાગ્યું. એ પોતાના પિતા દક્ષને ધિક્કારવા લાગી. એણે જણાવ્યું કે સંસારના સર્વશ્રેષ્ઠ કહેવાતા ને પ્રાણીમાત્રના અંતરાત્મા મનાતા શંકરનો આવો દ્વેષ તેમજ તિરસ્કાર બીજું કોણ કરે ? તમારા જેવા વેરભાવવાળા પુરુષો બીજાના ગુણોને જોવાને બદલે દોષો જ દેખે છે ને દોષોને ના હોય ત્યાંથી શોધી કાઢે છે ને એમનો પ્રચાર કરે છે. મધ્યમ શ્રેણીના પુરુષો ગુણદોષનું જેવું હોય તેવું તટસ્થ દર્શન કરે છે. ઉત્તમ પુરુષો દોષદર્શન કરવાને બદલે ગુણદર્શન જ કરતા હોય છે. અને ઉત્તમોત્તમ મનાતા ચતુર્થ શ્રેણીના મહામાનવો તો બીજાના અલ્પ જેટલા ગુણોને પણ ઘણા કરીને જુએ છે. ભગવાન શંકર મહામાનવ હોવાં છતાં તમે એમની સાથે ભયંકર દુર્વ્યવહાર કર્યો છે ને દ્વેષ રાખ્યો છે એ આશ્ચર્યકારક અને દુઃખદ છે. એથી તમારું કલ્યાણ નહિ થાય. તમે અહંકારથી ઉન્મત્ત બની ગયા છો. તમારી પુત્રી તરીકે જીવવામાં મને લેશ પણ ગૌરવ નથી લાગતું. માટે આ શરીરનો ત્યાગ કરવાનું જ મને શ્રેયસ્કર લાગે છે.
સતી યજ્ઞમંડપમાં આવવા માટે કેવા અનેરા ઉમળકાપૂર્વક નીકળેલી ને યજ્ઞમંડપમાં એમ આકસ્મિક રીતે શું થયું ? આખું દૃશ્ય જ બદલાઇ ગયું. પીળાં વસ્ત્રોને પહેરીને એ ઉત્તરાભિમુખ બનીને ત્યાં જ બેસી ગઇ. એણે આચમન કરી, આસનસિદ્ધિ સાધી, પ્રાણાપાનને એકરૂપ કરીને નાભિમાં સ્થાપ્યા. પછી ઉદાનવાયુને આજ્ઞાચક્રમાં કેન્દ્રિત કર્યો. એ પછી યોગબળની મદદથી શરીરની અંદર અગ્નિ અને વાયુની ધારણા કરી. એના મનમાં ભગવાન શકંર વિના બીજા કોઇનો વિચાર નહોતો ઊઠતો. હૃદયમાં એકમાત્ર શંકરનો જ રાગ હતો. શંકર સિવાય એને બીજું કશું દેખાતું જ ન હતું. એની વૃત્તિ શંકરમાં અને શંકરની આજુબાજુ જ રાસ રમતી. એવી અલૌકિક અવસ્થામાં યોગબળથી પ્રાદુર્ભાવ પામેલા પાવકથી એનું અંગ બળવા લાગ્યું.
ततः स्वभतुश्चरणाम्भुजासवं जगद्दगुरोश्चिन्तयती न चापरम् ।
ददर्श देहो हतकल्मषः सती सद्य प्रज्जवाल समाधिजाग्निना ॥ (અધ્યાય ૪, શ્લોક ૨૭)
એ શ્લોકમાં સુસ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે સતીએ કોઇ સ્થૂળ અગ્નિથી નહિ પરંતુ સમાધિમાં શુદ્ધ ને સત્ય બનેલા સંકલ્પ દ્વારા ઉત્પન્ન થયેલા યોગાગ્નિથી જ શરીરને શાંત કરેલું. એ શ્લોકનો समाधिजाग्निना શબ્દપ્રયોગ એક મૌલિક ઐતિહાસિક દસ્તાવેજ જેવો અને અત્યંત અગત્યનો છે. એમાં ધાર્યા કરતા ઘણો ઊંડો ભાવાર્થ કે સાર સમાયેલો છે.
સતીના શરીરત્યાગનું એ દૃશ્ય સૌને માટે ખૂબ જ દુઃખદ થઇ પડ્યું. ત્યાં સમુપસ્થિત સૌ કોઇનાં અંતર સંવેદનશીલ બની ગયાં. ફક્ત દક્ષ પ્રજાપતિનું હૈયું ના હાલ્યું. એની વૃત્તિમાં કશો જ ફેર ના પડ્યો. સૌને થયું કે હવે એનું અમંગલ અવશ્યંભાવિ અને સમીપ છે.